20 સપ્ટેમ્બર, 1932 : મૅક્ડોનલ્ડના અસ્પૃશ્યો માટેના અલગ મતદારમંડળના નિર્ણયને બદલાવવા અનિશ્ચિત મુદતના ઉપવાસ.
24 સપ્ટેમ્બર, 1932 : સવર્ણ હિંદુઓ અને અસ્પૃશ્યો વચ્ચે ચૂંટણી અંગે સમજૂતી.
25 સપ્ટેમ્બર, 1932 : મુંબઈમાં સવર્ણ હિંદુઓની પરિષદે અસ્પૃશ્યોના નાગરિક હક અંગે ઠરાવ પસાર કર્યો.
30 સપ્ટેમ્બર, 1932 : હરિજન સેવક સંઘની સ્થાપના.
11 ફેબ્રુઆરી, 1933 : 'હરિજન', 23મીએ ‘હરિજન સેવક’ (હિંદી) અને 12મી માર્ચે 'હરિજન બંધુ' સાપ્તાહિકો શરૂ કર્યાં.
31 જુલાઈ, 1933 : વ્યક્તિગત સત્યાગ્રહનો ઇરાદો જાહેર કર્યો.
1 ઓગસ્ટ, 1933 : ધરપકડ અને યરવડા જેલમાં.
14 સપ્ટેમ્બર, 1933 : રાજકારણમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી વર્ધા ગયા.
30 સપ્ટેમ્બર, 1933 : સત્યાગ્રહ આશ્રમ ‘હરિજન સેવક સંઘ'ને સુપરત.
7 નવેમ્બર, 1933 : 'હરિજન યાત્રા' (દેશનો પ્રવાસ).
25 એપ્રિલ, 1934 : બિહારમાં લાલનાથ શાસ્ત્રીની ઉશ્કેરણીથી ટોળાએ હુમલો કર્યો.
8 મે, 1934 : ઓરિસામાં પગપાળા પ્રવાસ.
18 મે, 1934 : સામૂહિક સત્યાગ્રહ પાછો ખેંચ્યો.
29 મે, 1934 : મીનુ મસાણીને પત્ર લખી કૉંગ્રેસ સમાજવાદી પક્ષને આવકાર પરંતુ તેના કાર્યક્રમો સાથે અસંમતિ દર્શાવી.
25 જૂન, 1934 : પુણેમાં મોટર ઉપર બૉમ્બ ફેંકાયો.
17 સપ્ટેમ્બર 1934 : કૉંગ્રેસમાંથી નિવૃત્તિનો ઇરાદો જાહેર કર્યો.
30 ઑક્ટોબર, 1934 : કૉંગ્રેસમાંથી રાજીનામું
14 ડિસેમ્બર, 1934 : 'અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘ’ની સ્થાપના.
2 જુલાઈ, 1935 : પ્રાંતીય સ્વાયત્તતાના કાયદાને શાહી મંજૂરી.
12 એપ્રિલ, 1936 : નહેરુના પ્રમુખપદે લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં નવા બંધારણનો અસ્વીકાર અને મહાસમિતિના ચૂંટણી ઢંઢેરા મુજબ ચૂંટણી લડવાનો ઠરાવ.
30 એપ્રિલ, 1936 : વર્ધા છોડી સેગાંવ રહેવા ગયા.
31 ઑક્ટોબર, 1936 : અમદાવાદમાં 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના બારમા અધિવેશનના પ્રમુખ.
11 નવેમ્બર, 1936 : ત્રાવણકોરનાં મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મુકાયાં.
17 જુલાઈ, 1937 : મુંબઈમાં બાળાસાહેબ ખેરે પ્રધાનમંડળ રચવાનું સ્વીકાર્યું. ‘હરિજન’ના અંકમાં પ્રધાનો અને વિરોધપક્ષોને સલાહ આપતો લેખ.
નવેમ્બર, 1937 : કલકત્તામાં ત્રાસવાદી કેદીઓને છોડાવ્યા.
25 માર્ચ, 1938 : અંત્યજો માટે પ્રવેશબંધીવાળા જગન્નાથ મંદિરમાં કસ્તૂરબા અને મહાદેવ દેસાઈનાં પત્ની દર્શનાર્થે ગયાં તે બદલ મહાદેવભાઈને કડક ઠપકો.
20 મે, 1938 : મુસ્લિમ લીગ જ મુસલમાનો વતી બોલી શકે એવી ઝીણાની માગણીનો અસ્વીકાર.
2 ફેબ્રુઆરી, 1939 : રાજકોટના ઠાકોરે કસ્તૂરબાને અટકાયતમાં લીધાં.
3 માર્ચ, 1939 : રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતાં ઉપવાસ શરૂ કર્યા.
7 માર્ચ, 1939 : વાઇસરૉયે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને લવાદ નીમતાં પારણાં કર્યાં.
16 એપ્રિલ, 1939 : સર મૉરિસ ગ્વાયરે વલ્લભભાઈના પક્ષે ચુકાદો આપતાં મુસ્લિમોએ અને ભાયાતોએ પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા.
24 એપ્રિલ, 1939 : પોતાની હાર કબૂલ કરતું નિવેદન કર્યું.
29 એપ્રિલ, 1939 : સુભાષ બોઝે કારોબારી સમિતિ અંગે સલાહ આપતો પત્ર વાંચી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.
23 જુલાઈ, 1939 : હિટલરને યુદ્ધ ટાળવા લખેલો વિનંતીપત્ર.
5 સપ્ટેમ્બર, 1939 : સિમલામાં વાઇસરૉય સાથે મુલાકાત દરમ્યાન યુદ્ધથી થનારા વિનાશના વિચારે ડૂસકું આવી ગયું.
8 સપ્ટેમ્બર, 1939 : વર્ધામાં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને બિનશરતી નૈતિક ટેકો.
31 ઑક્ટોબર, 1939 : કૉંગ્રેસ પક્ષનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં.
12 ડિસેમ્બર, 1939 : મુસ્લિમોને ડિસેમ્બરની 22મીનો દિવસ મુક્તિદિન તરીકે ઊજવવાનું ઝીણાનું એલાન
28 ફેબ્રુઆરી, 1940 : ભારતનું બંધારણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ ઘડે તેવો ઠરાવ અને જરૂર પડ્યે સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ પટણામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ પસાર કર્યો.
5 માર્ચ, 1940 : સેગાંવનું નામ ‘સેવાગ્રામ' રાખ્યું.
2 જુલાઈ, 1940 : નાઝીવાદ સામે અહિંસક લડત માટે 'દરેક બ્રિટનને જાહેર પત્ર' લખ્યો.
2 ઑગસ્ટ, 1940 : લઘુમતીઓના અભિપ્રાયોને પૂરું વજન આપવાના વાઇસરૉયના નિવેદનને કૉંગ્રેસ કારોબારીએ વખોડ્યું.
11 ઑક્ટોબર, 1940 : સેવાગ્રામમાં કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના.
17 ઑક્ટોબર, 1940 : વિનોબાનો સત્યાગ્રહ અને ધરપકડ
31 ઑક્ટોબર, 1940 : સત્યાગ્રહ સારુ નહેરુને ચાર વર્ષની સજા.
29 ડિસેમ્બર, 1940 : સુભાષના સહકાર આપવા અંગેના પત્રનો અસ્વીકાર.
17 જાન્યુઆરી, 1941 : કલકત્તામાં નજરકેદ રખાયેલા સુભાષ અદૃશ્ય.
3 ડિસેમ્બર, 1941 : વ્યક્તિગત સત્યાગ્રહીઓનો છુટકારો.
13 ડિસેમ્બર, 1941 : અઢાર મુદ્દાના રચનાત્મક કાર્યક્રમના ખરડાનું પુસ્તિકા રૂપે પ્રકાશન.
30 ડિસેમ્બર, 1941: કૉંગ્રેસને દોરવણી આપવામાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી કારોબારીએ કરેલો સ્વીકાર.
15 જાન્યુઆરી, 1942 : પોતાના વારસદાર રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહિ પણ જવાહરલાલ એવું સેવાગ્રામમાં મહાસમિતિને જણાવ્યું.
27 માર્ચ, 1942 : બંધારણની દરખાસ્તો લઈને આવેલા સ્ટૅફર્ડ ક્રિપ્સને પહેલા જ વિમાનમાં પાછા જવાની સલાહ.
14 જુલાઈ, 1942 : બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.
8 ઑગસ્ટ, 1942 : બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો : 'કરેંગે યા મરેંગે'.
9 ઑગસ્ટ, 1942 : ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.
15 ઑગસ્ટ, 1942 : હૃદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
10 ફેબ્રુઆરી, 1943 : જાપાનતરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ એકવીસ દિવસના ઉપવાસ શરૂ.
22 ફેબ્રુઆરી, 1943 : સ૨કારે તહોમતનામાની પુસ્તિકા પ્રસિદ્ધ કરી.
15 જલાઈ, 1943 : આક્ષેપોનો સચોટ ઉત્તર.
22 ફેબ્રુઆરી, 1944 : આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન.
6 મે, 1944 : આગાખાન મહેલમાંથી વિના શરતે મુક્તિ
10 મે, 1944 : 86 લાખ રૂપિયાના કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના પ્રમુખ.
14 જૂન, 1945 : લૉર્ડ વેવલનું વાટાઘાટો માટેનું વાયુપ્રવચન.
15 જૂન, 1945 : અહમદનગરના કિલ્લામાં નજરકેદ કારોબારીના સભ્યોની મુક્તિ અને કૉંગ્રેસ પરથી ઉઠાવી લીધેલો પ્રતિબંધ.
14 જુલાઈ, 1945 : સિમલામાં મળેલી પરિષદને વાઇસરોયે નિષ્ફળ જાહેર કરી.
23 માર્ચ, 1946 : ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું.
25 જૂન, 1946 : પ્રતિનિધિમંડળની બંધારણસભાને લગતી જોગવાઈઓનો સ્વીકાર કરતો ઠરાવ કૉંગ્રેસની કારોબારી સમિતિએ કર્યો.
4 જુલાઈ, 1946 : વાઇસરૉયે સરકારી અમલદારોની બનેલી કામચલાઉ સરકાર રચી.
29 જુલાઈ, 1946 : પાકિસ્તાનના ધ્યેય માટે મુસ્લિમ લીગે સીધાં પગલાંનો કરેલો નિર્ણય.
16 ઑગસ્ટ, 1946 : કલકત્તામાં ભયંકર કોમી રમખાણો.
2 સપ્ટેમ્બર, 1946 : નહેરુએ બાર સભ્યોની વચગાળાની સરકાર રચી.
10 ઓક્ટોબર, 1946 : નોઆખલી જિલ્લાના હિંદુઓ ઉપર પાશવી અત્યાચારો.
15 ઑક્ટોબર, 1946 : મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા.
27 ઑક્ટોબર, 1946 : : બિહારમાં મુસલમાનો વિરુદ્ધ રમખાણો.
6 નવેમ્બર, 1946 : નોઆખલી જવા નીકળ્યા.
19 નવેમ્બર, 1946 : 'હરિજન' સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોંપી.
૩ ડિસેમ્બર, 1946 : મુસ્લિમ લીગના બહિષ્કાર છતાં બંધારણસભા મળે તે અયોગ્ય છે એમ નિવેદન.
2 જાન્યુઆરી, 1947 : નોઆખલીનો પગપાળા પ્રવાસ શરૂ.
1 ફેબ્રુઆરી, 1947 : પ્રાર્થનાસભામાં મનુબહેન સાથેના સહશયનના પ્રયોગનો ઉલ્લેખ.
9 ફેબ્રુઆરી, 1947 : મશરૂવાળાએ 'હરિજન'ના સંપાદક તરીકે આપેલું રાજીનામું.
15 ફેબ્રુઆરી, 1947 : રાયપુરા ગામમાં હિંદુઓએ અને મુસલમાનોએ માનપત્ર આપ્યું.
20 ફેબ્રુઆરી, 1947 : ભારત છોડવાના નિર્ણયની વડાપ્રધાન ક્લેમન્ટ ઍટલીએ કરેલી જાહેરાત, વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટબૅટનની નિમણૂક.
30 માર્ચ, 1947 : બિહારનાં ગામોની મુલાકાત અને મુસલમાનોની દુર્દશાનાં દર્શન.
31 માર્ચ, 1947 : દિલ્હી આવેલા લૉર્ડ માઉન્ટબૅટનને મળ્યા.
1947 : એશિયાઈ રિલેશન્સ કૉન્ફરન્સમાં ભારતીય સંસ્કૃતિનું
દર્શન ભંગીઓનાં ઝૂંપડાંમાં હોવાનું સમજાવ્યું.
4 એપ્રિલ, 1947 : ઝીણાને કે કૉંગ્રેસને પ્રધાનમંડળ રચવાના આમંત્રણની યોજના વાઇસરૉય સમક્ષ રજૂ કરી.
10 એપ્રિલ, 1947 : પ્રધાનમંડળ રચવા અંગેની યોજના સાથે કૉંગ્રેસ કારોબારી અસંમત.
13 એપ્રિલ 1947 : બિહાર ગયા.
1 મે, 1947 : દેશનો વહીવટ લીગ કે કોંગ્રેસને સોંપી જતા રહેવાની સલાહ વાઇસરૉયે ન માની.
2 જૂન, 1947 : વાઇસરૉયની ભારતના ભાગલાની યોજના કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને શીખોના પ્રતિનિધિઓએ સ્વીકારી.
13 જૂન, 1947 : વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કૉંગ્રેસ કારોબારીએ કર્યો.
18 જુલાઈ, 1947 : ભારત અને પાકિસ્તાનને બ્રિટિશ રાષ્ટ્રસંધના સંસ્થાન તરીકે શાહી મંજૂરી.
25 જુલાઈ, 1947 : દેશી રાજ્યોને લૉર્ડ માઉન્ટબૅટને આપેલી સલાહ.
13 ઑગસ્ટ, 1947 : કલકત્તામાં સુહરાવર્દી સાથે વસવાટ.
13 ઑગસ્ટ, 1947 : પાકિસ્તાનને ઇંગ્લેન્ડના રાજાની શુભેચ્છાઓ માઉન્ટબેટને પાઠવી.
15 ઑગસ્ટ, 1947 : ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.
31 ઑગસ્ટ, 1947 : હૈદરી મૅન્શન ઉપર હિંદુ ટોળાનો હુમલો થતાં અનિશ્ચિત મુદતના ઉપવાસ.
4 સપ્ટેમ્બર, 1947 : કલકત્તામાં શાંતિ જળવાવાની ખાતરી મળતાં ઉપવાસ છોડ્યા.
5 સપ્ટેમ્બર, 1947 : શાંતિસેવાદળને 'મારું જીવન એ જ મારો સંદેશો છે' એવો સંદેશો બંગાળીમાં આપ્યો.
9 સપ્ટેમ્બર, 1947 : દિલ્હી પહોંચ્યા.
10 સપ્ટેમ્બર, 1947 : પ્રાર્થનાસભામાં શહાદરા સ્ટેશને જોયેલા દુ:ખજનક અનુભવનું વર્ણન.
27 ઑક્ટોબર, 1947 : કાશ્મીરનું ભારત સાથે જોડાણ.
1 જાન્યુઆરી, 1948 : પાકિસ્તાનના પંચાવન કરોડ રૂપિયા નહિ આપવાનો ભારત સરકારનો નિર્ણય.
2 જાન્યુઆરી, 1948 : કાશ્મીરનો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને સોંપાયો.
12 જાન્યુઆરી, 1948 : પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો.
15 જાન્યુઆરી, 1948 : ભારત સરકારે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપ્યા.
18 જાન્યુઆરી, 1948 : શાંતિની જાહેરાત થતાં ઉપવાસ છોડ્યા.
20 જાન્યુઆરી, 1948 : પંજાબી યુવકે પ્રાર્થનાસભાથી થોડે દૂર બૉમ્બનો ધડાકો કર્યો.
30 જાન્યુઆરી, 1948 : પ્રધાનમંડળમાં નહેરુ અને વલ્લભભાઈ બેઉની હાજરી જરૂરી હોવાનો દૃઢ અભિપ્રાય વલ્લભભાઈ સાથેની ચર્ચામાં જણાવ્યો.
30 જાન્યુઆરી, 1948 : ગોડસેની ત્રણ ગોળીઓથી દેહાંત.
31 જાન્યુઆરી, 1948 : યમુનાકિનારે રામદાસે કરેલો અગ્નિદાહ – રાત્રે નહેરુનું ભવ્ય અંજલિ આપતું વાયુપ્રવચન.
5 ફેબ્રુઆરી, 1948 : નહેરુને સહકારની ખાતરી આપતો વલ્લભભાઈનો પત્ર.
1948 : વિશ્વભરમાંથી મળેલા ત્રણ હજાર જેટલા શોકસંદેશા.
15 ફેબ્રુઆરી, 1948 : છેલ્લું વસિયતનામું અને ઇચ્છાપત્ર ‘હરિજન'માં પ્રસિદ્ધ થયું.