Tuesday, March 22, 2016

હોળીમાં હોળૈયાંના હારનો હરખ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

હોળી ફાગણ સુદ પૂનમે પ્રગટે, પણ હોળૈયાં થોડા દિવસ અગાઉ બનાવવાં પડે. એ સમયે અમદાવાદ શહેરની અંદર ગાય-ભેંસ નિરાંતે પોદળા કરી શકે એટલી મોકળાશ હતી. ગાયમાતા કે ભેંસમાસીનાં છાણમાંથી હોળૈયાં બનતાં હતાં. હોળૈયાં એટલે હોળીમાં નાખવાનાં નાનાં છાણાં. હોળૈયાં કદમાં ક્યાંક પૂરી જેવાં તો ક્યાંક મેંદુવડાં જેવાં જોવા મળે. છાણાં અને હોળૈયાં થાપવાની રીત સરખી હોય. ફરક એટલો જ કે, છાણાંમાં વચ્ચે કાણું ન હોય, જ્યારે તાજાં હોળૈયાંની મધ્યમાં આંગળીથી કે સાંઠીકડાથી કાણું પાડવામાં આવે. હોળૈયાં તડકે સુકાઈ જાય એટલે તેને કાથી કે સૂતળીના દોરામાં પરોવી દેવામાં આવે. વ્યક્તિ અને વિસ્તાર પ્રમાણે હોળીમાતાના હારમાં નવીનતા જોવા મળતી. કોઈક ઠેકાણે તો, હાથની ચારેય સંયુક્ત આંગળીઓના આકાર જેવું હોળૈયું પણ બનાવવામાં આવે. જાણે કે, માતાજીની જીભ જ જોઈ લો! ક્યાંક તો, છાણનો પિંડલો લઈને તેને એવી રીતે દાબવામાં આવે કે તે 'લાડુ'માં પરિણમે. હોળૈયાંની જેમ 'જીભ' અને 'લાડુ'માં પણ વચ્ચે કાણાં પાડવાનું ભૂલવાનું નહીં. હવે, વચમાં 'જીભ' આવે, આજુબાજુમાં પાંચ-પાંચ હોળૈયાં આવે, પછી 'લાડુ' આવે, ફરી વાર પાંચ-પાંચ હોળૈયાં આવે એ રીતે દોરામાં પરોવણી કરતાં જવાનું. જેવો વખત અને વિશ્વાસ હોય તેવી હારની લંબાઈ વધે. આ જ રીતે હોલિકામાતાને સમગ્ર રીતે આવરી લેવાય એવો મહા-હાર બનાવવાનું બીડું પણ કોઈક વીરલા-વીરલીએ તો ઝડપ્યું જ હોય.

કોઈ કુશળ કારીગર હોય તો છાણમાંથી 'નારિયેળ' પણ બનાવી શકે. આ માટે દીવાસળીની ખાલી પેટીમાં કાંકરીઓ ભરીને તેને બંધ કરી દેવાની. આ બાકસની ફરતે, એવી રીતે છાણને લગાવતાં અને દબાવતાં જવાનું કે નારિયેળ જેવી આકૃતિ રચાતી જાય. એના સહેજ ઉપરના ભાગે કાણું પાડવાની સાવચેતી રાખવાની. આ કળાકૃતિ સરખી સુકાઈ જાય પછી તેને ખખડાવો તો કાંકરીઓ કર્ણપ્રિય ધ્વનિ કર્યા વિના રહે નહીં! આ 'નારિયેળ'ને પણ હોળૈયાંના હારમાં વચ્ચે પરોવી શકાય. હોળીના દિવસે મહોલ્લાની હરખપદૂડી યુવાટોળી હોળૈયાંના હાર ઉઘરાવવા નીકળે. બે જણના મજબૂત ખભા ઉપર આડી રાખેલી ડાંગમાં આખા મહોલ્લાના હાર પરોવાતા જાય. ત્યાર બાદ, હોળી માટે ઊભાં કરેલાં લાકડાં ઉપર હોળૈયાંના હાર ગોઠવવામાં આવે. હોલિકા-દહન પછી, શ્રદ્ધાળુ માણસો તાંબાના કળશને ઊંધો રાખીને, તેના ઉપર અંગાર-તપ્ત હોળૈયાં મૂકીને ઘરે પરત આવે. હોળૈયાંની રાખની પોટલી બનાવીને સાચવી રાખવામાં આવે. બાળકને શીળસ થાય ત્યારે, તેના શરીર ઉપર આ જ પોટલીમાંથી રાખનો છંટકાવ કરવાથી, તે મટી જાય એવી માતા અને માનતાના એ દિવસો હતા!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

હોળીમાં હોળૈયાંના હારનો હરખ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૩-૨૦૧૬, મંગળવાર

3 comments:

  1. ૧૯૦૦મી પોસ્ટ બદલ અભિનંદન ગુરુદેવ. પોસ્ટ નંબર ૨૦૦૦ માટે આતુર.

    ReplyDelete
  2. અભિનંદન અંગે આભાર.
    આતુરતા અંગે આશાવાદ!

    ReplyDelete