Tuesday, March 1, 2016

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………

Courtesy : google image 

ગાંધીજીએ છ કરોડ રૂપિયાનો મીઠાનો કર કઢાવી નાખવા માટે અહિંસક માર્ગે સત્યાગ્રહ આદર્યો. તેમના મતે નમકવેરા સામેની લડત એક માણસની નહીં, પણ કરોડો માણસોની હતી. તેમણે ઈ.સ. ૧૯૩૦ની બારમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી કૂચ કરી. ગાંધીજીએ અઠ્ઠોતેર સ્વયંસેવકો સાથે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સત્યાગ્રહાશ્રમથી દક્ષિણ ગુજરાતમાં દરિયાના કિનારે આવેલા દાંડી ગામ સુધી પદયાત્રા કરી. પચીસ દિવસની કૂચમાં બસો એકતાળીસ માઈલ અર્થાત ત્રણસો અઠ્યાસી કિલોમિટરનું અંતર આવરી લેવામાં આવ્યું હતું. એકસઠ વર્ષીય ગાંધીજી રોજનું સરેરાશ સોળ કિલોમિટર અંતર કાપતા હતા. તેમણે છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ કલાકે ચપટી નમક ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ત્રણસો અમલદારો અને એક લાખ સૈનિકોના ભયથી ત્રાસેલા ત્રીસ કરોડ લોકો માટે ચળવળ ચલાવી હતી. તેમણે દાંડીકૂચને આખરી ફેંસલો, મહા ધર્મયુદ્ધ, મહાવ્યાપક યજ્ઞ, સ્વરાજયજ્ઞ, સામુદાયિક સવિનય ભંગ, શાંતિમય ક્રાંતિ તરીકે ઓળખાવી હતી.

કૂચવીરો બારમીની સવારે છ અને વીસે હાજર થઈ ગયા હતા. કસ્તૂરબાએ ગાંધીબાપુને ચાંલ્લો કર્યો અને સૂતરમાળા પહેરાવી. ગાંધીજીએ ગુજરાતીમાં ઉતારેલી શ્રીમદ્ ભગવદ્દગીતા એટલે કે 'અનાસક્તિયોગ'ની તાજી જ પ્રકાશિત થયેલી નકલો, ગાંધીજી અને દાંડીયાત્રીઓ આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે, તેઓના હાથમાં મૂકવામાં આવી. આશ્રમથી બરોબર સાડા છ કલાકે કૂચ શરૂ થઈ. તેમની પાછળ વિશાળ જનસમુદાય ચાલતો હતો. દેશ અને દુનિયાના ખબરપત્રીઓ દાંડીકૂચનો હેવાલ લેવા આવ્યા હતા. પત્રકાર અમૃતલાલ શેઠના મતે, ગાંધીજી જાણે કેસરિયાં કરવા નીકળ્યા હતા. તેમણે નોંધ્યું છે કે, 'મહાત્માજીએ સાબરમતીથી કૂચ કરી ત્યારે એમનું કપાળ અને આખું શિર કુંકુમથી રંગાયેલું હતું.' ગૂજરાત વિદ્યાપીઠ આગળ નરહરિભાઈ પરીખનાં પત્ની મણિબહેને ગાંધીજીને ચાંલ્લો કર્યો અને અક્ષતથી વધાવ્યા. આશ્રમથી ચારેક માઈલ સુધીના વિસ્તારમાં અંદાજે એક લાખ જેટલા માણસો ભેગા થયા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. પદયાત્રા એલિસબ્રિજ પાસેથી પસાર થઈને આગળ વધી. દાંડીયાત્રીઓ આશ્રમથી સાત માઈલ અર્થાત અગિયાર કિલોમિટરનું અંતર કાપીને સાડા આઠ કલાકે ચંડોળા તળાવે પહોંચ્યા. ચંડોળા તળાવ ઉપર કરેલા ભાષણમાં ગાંધીજીએ જ્ઞાતિ, ધર્મ, વર્ગ વગેરેમાં પ્રવર્તતા ભેદભાવને કાઢવા ઉપર ખાસ્સો ભાર મૂક્યો હતો. સત્તાવાળાઓએ ગાંધીજીના સદાકાળ પ્રસ્તુત ભાષણનો સાર મોટા અક્ષરોમાં મઢીને ચંડોળા તળાવ આગળ મૂકવા જેવો છે. 'મોહનતા' અને 'માનવતા'માં માનતા અમદાવાદીઓએ, બારમી માર્ચે સવારે સાડા છ કલાકે સાબરમતીના સત્યાગ્રહાશ્રમથી નીકળીને, સાડા આઠે ચંડોળા તળાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જેવો છે!

…………………………………………………………
સૌજન્ય :

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

No comments:

Post a Comment