Tuesday, March 8, 2016

જ્યારે સરકારી, મફત, અને કુદરતી પ્રસૂતિ થતી!

આપણું અમદાવાદ

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

એ વખતે શહેરમાં મ્યુનિસિપાલિટીનાં પ્રસૂતિગૃહોની સરખામણીમાં ખાનગી પ્રસૂતિગૃહોની સંખ્યા ઓછી હતી. ખાનગી પ્રસૂતિગૃહોમાં મળતી સારવાર અને સેવા મોંઘી પડતી હતી. આથી, ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકારી સુવાવડખાનાં સિવાય છૂટકો નહોતો. સરકારી માતૃગૃહોમાં સગર્ભાની નામ-નોંધણી, નિયમિત તપાસ અને સારવાર મફતમાં થતી. સાથેસાથે દવા અને દૂધ પણ મફતમાં મળે એવા એ દિવસો હતા. 'ભારે પગે' તપાસ માટે આવતી સ્ત્રીઓને દૂધની મોટી બાટલી આપવામાં આવતી હતી. એટલું જ નહીં, માતાની સાથે કોઈ નાનું બાળક હોય તો એને દૂધની નાની બાટલી આપવામાં આવતી હતી. આબાદ ડેરીની કાચની મોટી બાટલીમાં પાંચસો મિલીલિટર અને નાની બાટલીમાં અઢીસો મિલીલિટર દૂધ આવતું હતું. એ વખતે છોકરીઓને અઢાર વર્ષની આસપાસની વયે પરણાવી દેવામાં આવતી. લગ્નના થોડા મહિનાઓમાં પરિણીતાને દહાડા ન રહે તો એ પાડોશમાં પણ ચર્ચાનો વિષય બનતો. કુટુંબ-નિયોજનનો વિચાર હજુ વ્યવહારમાં નહોતો આવ્યો એટલે સ્ત્રીઓ ચાર-છ બાળકોને જન્મ આપી શકતી હતી.

જ્યારે બાળકના જન્મની ઘડી નજીક આવે એટલે સગર્ભાની સાથે નણંદ, દેરાણી, જેઠાણી, સાસુ, કે પડોશણ દવાખાને પહોંચી જાય. સાધારણ પરિવારની બહેનો ચાલતી જ પ્રસૂતિગૃહે પહોંચતી. કારણ કે, વાહનવ્યવહારની સગવડ સીમિત હતી. વળી, રિક્ષાનું આઠ આના ભાડું પણ આકરું પડતું. તનમાં વેણ અને મનમાં વિશ્વાસ સાથે, બહેન દવાખાનામાં દાખલ થઈ જતી. મોટા ભાગે કુદરતી રીતે જ પ્રસૂતિ થતી. જરૂર પડે તો એકાદ-બે ટાંકાથી કામ ચાલી જતું. અપવાદરૂપ કિસ્સામાં જ પેટ ઉપર કાતર ચાલતી હતી! દવાખાનામાં આવ્યા બાદ પણ પ્રસૂતિ ન થાય તો રાહ જોવાનું કહેવામાં આવતું. આવા સમયે 'જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?' જેવી કહેવત પણ વપરાતી હતી. બાળકના જન્મના થોડા જ સમય બાદ 'બાળરોગ નિષ્ણાત તબીબ' આવતા, તપાસ કરતા, અને હેવાલ આપતા. માતા અને નવજાત શિશુને એકાદ અઠવાડિયા સુધી પ્રસૂતિગૃહમાં રાખવામાં આવતાં હતાં. તેમનાં કપડાં રોજ બદલાવવામાં આવતાં હતાં. પ્રસૂતાને સ્નાન માટે ગરમ પાણીની પણ નિ:શુલ્ક સગવડ કરી આપવામાં આવતી હતી. જોકે, ઈ.સ. ૧૯૭૫ની આસપાસનાં વર્ષોમાં પ્રસૂતિની સાત રૂપિયા ફી લેવામાં આવતી હતી. જે 'ખાટલા ફી' તરીકે ઓળખાતી હતી. દાક્તર રજા આપે એટલે, કપડાંમાં વીંટળાયેલા શિશુને હાથમાં લઈને પરિવારની કે પરિચિત સ્ત્રી તથા સુવાવડી સ્ત્રી ઘરે ચાલતાં પાછાં ફરતાં. પ્રસૂતા માથે કપડું બાંધી રાખતી હોવાથી અન્ય સ્ત્રીઓથી અલગ તરી આવતી હતી.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

જ્યારે સરકારી, મફત, અને કુદરતી પ્રસૂતિ થતી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૩-૨૦૧૬, મંગળવાર

No comments:

Post a Comment