આપણું અમદાવાદ
// ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
આચાર્ય જીવતરામ ભગવાનદાસ કૃપાલાની (૧૮૮૮-૧૯૮૨) ગાંધીવિચારના ભાષ્યકાર, રચનાત્મક કાર્યકર, પ્રાધ્યાપક, પત્રકાર, લેખક, વક્તા, અને રાજનીતિજ્ઞ તરીકે વિખ્યાત છે. જી.ભ.કૃ. તીક્ષ્ણ વ્યંગ્યવૃતિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ, અને મૌલિક અભિવ્યક્તિ માટે જાણીતા હતા. 'ગાંધીવાદ જેવી કશી વસ્તુ નથી.' એવું આચાર્ય કૃપાલાનીનું કથન ગાંધીજીને પણ બરોબર જણાયું હતું! જીવતરામ કૃપાલાની ૧૬-૧૧-૧૯૨૨થી ૦૬-૦૨-૧૯૨૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે અમદાવાદમાં ગુજરાત મહાવિદ્યાલયથી માંડીને પ્રેમાભાઈ સભાગૃહમાં અને સાબરમતી નદીની રેતથી માંડીને ગુજરાત કૉલેજ સામેની રાવની હોટેલ પાસે ભોંય ઉપર ભાષણો કરીને જનજાગ્રતિ કરી હતી. એમના સમયના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પૈકી પરીક્ષિતલાલ મજમુદાર, ઇન્દુમતી શેઠ, ઠાકોરભાઈ દેસાઈ, મગનભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા, કનુ દેસાઈ, કીકુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દેસાઈ, જેઠાલાલ ગાંધી, મણિબહેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ, ચતુર્ભુજદાસ ચીમનલાલ, દિનકર મહેતા, મૃદુલા સારાભાઈ, ભોગીલાલ ગાંધી, વગેરેને 'આચાર્ય કૃપાલાનીની આત્મકથા'માં ખાસ યાદ કરવામાં આવ્યા છે. કનુ દેસાઈનું કલા તરફનું વલણ જોઈને, આચાર્ય કૃપાલાનીએ પોતાના ખર્ચે, તેમને ચિત્રકળાના શિક્ષણ માટે શાંતિનિકેતન મોકલ્યા હતા.
કવિ ઉમાશંકર જોશીએ નોંધ્યું છે કે, "કૃપાલાનીજીની એ સમયની કામગીરી પયગંબરી છટાવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીવર્ગ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં ભાષણો થતાં. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની પાછળ ખેંચાતાં ધસ્યાં આવે એ જોઈ શેલીના 'પશ્ચિમી વાયરા'ની યાદ આવી જતી. અથવા એટલે દૂર શા માટે, ગોપીઓ કેવી ખેંચાતી આવતી હશે તે યુવકવર્ગને આચાર્યથી આકર્ષાતો જોઈને સમજાતું. એક સાંજનું ભાષણ મને બરોબર યાદ છે. આચાર્ય કહે : 'આઈ એમ એ કિંગ' - હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ લંબાવી આગળ ચલાવ્યું : 'માય કિંગ્ડમ ઇઝ ઇન યોર હાર્ટ્સ' - મારું રાજ્ય છે તમારા સૌના હૃદયમાં. " આપણા 'આચાર્ય', દરેક રવિવારે, પોતાના વિદ્યાર્થીઓની એક ટુકડી સાથે, શહેરમાં ખાદીની ફેરી કરવા જતા હતા. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી વિદાય લેતી વખતે, ૦૭-૦૨-૧૯૨૮ના ભાષણમાં કૃપાલાની કહે છે : 'અમદાવાદની જાહેર જનતાને માટે મને બોલવાના શબ્દ જડતા નથી. હું તમારા ભરચક શહેરમાં બહુ ઓછો ફર્યો છું, પણ જ્યારે જ્યારે ફર્યો છું ત્યારે ત્યારે ઓળખાણ અને સદ્દભાવના, મૂક સ્મિતોનો આદર મળ્યા વિના રહ્યો નથી.' કૃપાલાનીજી માટે ખાદી-દક્ષિણા પેટે ઉઘરાવવામાં આવેલા ૫૯૦૦ રૂપિયા, તેમને ગાંધીજીના હસ્તે ૧૧-૦૧-૧૯૨૯ના રોજ અર્પણ કરવામાં આવ્યા હતા. આચાર્ય કૃપાલાનીએ ૧૯-૦૩-૧૯૮૨ના રોજ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
…………………………………………………………………………………………………
સૌજન્ય :
સૌજન્ય :
અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર
It's (y)our pleasure!
ReplyDelete