રૂપાનાં કડાં રૂપાનાં હતાં.
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, May 31, 2016
ભાષાની મજા, મજાની ભાષા - 919
દરવાજો ખોલ્યો ને લેખકનો પુત્ર પડેલો જોયો.
દરવાજો ખોલ્યો ને લેખકનો પત્ર પડેલો જોયો.
Sunday, May 29, 2016
ભાષાની મજા, મજાની ભાષા - 917
'ફિમેલ એલિફન્ટ'નું ગુજરાતી ભાષાંતર 'માદા હાથી' ન કરાય! એના માટે આપણી ભાષામાં 'હાથણી' શબ્દ છે.'
(વરિષ્ઠ પત્રકાર અને સંપાદક જ્યોતિ ઉનડકટ સાથેની ભાષાચર્ચામાંથી)
Saturday, May 28, 2016
Thursday, May 26, 2016
Wednesday, May 25, 2016
ગૂજરાત વિદ્યાપીઠને 'નેક'નો 'એ' ગ્રેડ મળ્યો
મહાત્મા ગાંધીએ ઈ.સ. ૧૯૨૦માં સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણી સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠને 'રાષ્ટ્રીય માન્યતા અને મૂલ્યાંકન પરિષદ' (નેક) દ્વારા 'એ' ગ્રેડ મળ્યો છે. આ માટે 'નેક'ની દસ સભ્યોની બનેલી ટુકડીએ ગત એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આ વિશ્વવિદ્યાલયનાં અમદાવાદ, રાંધેજા, સાદરા પરિસરના પ્રત્યેક વિભાગમાં જઈને અધ્યાપન, સંશોધન, વિસ્તરણ સંબંધિત વિવિધ મુદ્દાઓની સઘન ચકાસણી કરી હતી. મહત્વની બાબત એ છે કે, ગૂજરાત વિદ્યાપીઠે પહેલી જ વખત 'નેક' દ્વારા મૂલ્યાંકન કરાવીને 'એ' ગ્રેડ મેળવ્યો છે. ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર ગૂજરાત વિદ્યાપીઠે વહીવટી તંત્ર, શૈક્ષણિક-બિનશૈક્ષણિક સેવકો, વર્તમાન-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓનાં પરિશ્રમ અને પરિવારભાવના થકી આ સિદ્ધિ હાંસલ કરી છે.
.......................................................................................................
// માધ્યમ-નોંધ (Media-Note) //
Tuesday, May 24, 2016
ભાષાની મજા, મજાની ભાષા - 912
ગુજરાતી ભાષામાં વ્યક્તિને 'જાહેરમાં' ઉતારી પાડવામાં આવે છે, 'ખાનગીમાં' નહીં!
Monday, May 23, 2016
Sunday, May 22, 2016
ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યા બાદ, કાઠિયાવાડી પહેરવેશમાં ૦૯-૦૧-૧૯૧૫ના રોજ વતન-પરત થયા. પોતાના રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસરીને, ગાંધીજીએ સ્વદેશ-ભ્રમણ કર્યું. આર્યસમાજી આગેવાન સ્વામી શ્રદ્ધાનંદજીએ એવી માગણી મૂકી હતી કે, ગાંધીએ હરદ્વારમાં વસવું જોઈએ. કલકત્તાના કેટલાક મિત્રોએ એવી સલાહ આપી હતી કે, ગાંધીએ વૈદ્યનાથધામમાં વસવું જોઈએ. કેટલાક મિત્રોએ એવો ભારે આગ્રહ રાખ્યો હતો કે, ગાંધીએ રાજકોટમાં વસવું જોઈએ. જોકે, ગાંધીજી અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ તેમને અમદાવાદની પસંદગી કરવા કહ્યું. એટલું જ નહીં, કેટલાક મિત્રોએ તો આશ્રમ માટે મકાન શોધી આપવાનું અને આશ્રમ સારુ ખર્ચ પણ ઉપાડી લેવાનું કબૂલ કર્યું.

ગાંધીજી ‘સત્યના પ્રયોગો’ નામની આત્મકથામાં ‘આશ્રમની સ્થાપના’ પ્રકરણ હેઠળ નોંધે છે : "અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી." એ સમયે ગાંધીજીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગિરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચિનુભાઈ, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, સુરેન્દ્ર મેઢ જેવા મહાજનો અને સજ્જનો દ્વારા આવકાર અને સહયોગ મળ્યો હતો.
બારિસ્ટર જીવણલાલ વ્રજરાય દેસાઈએ ગાંધીજીને અમદાવાદમાં વસાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. મોહનદાસ અગિયારમી મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. ગાંધીએ આ જ મકાનને ભાડે લઈને પોતાનો આશ્રમ સ્થાપ્યો. સેવક મોહનદાસે ખરચ વગેરેનું તારણ કાઢીને શેઠ મંગળદાસને આપ્યું. વીસમીના રોજ, નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં, ગાંધીભાઈએ ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસ મે, ૧૯૧૫ના રોજ ત્યાં રહેવા ગયા. ગાંધીજીએ ૨૫-૦૫-૧૯૧૫ના દિવસે કોચરબ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ માટે ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ પૈકી, ચર્ચા-વિચારણાને અંતે ‘સત્યાગ્રહાશ્રમ’ નામ પસંદ કરવામાં આવ્યું. કારણ કે, ગાંધીજીનું જીવન સત્યની શોધને સમર્પિત હતું.
'સત્યાગ્રહાશ્રમ'નું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા હતું. આશ્રમવાસીઓએ પાળવાનાં અગિયાર વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતાનિવારણ, સહિષ્ણુતાનો સમાવેશ થતો હતો. આશ્રમ-જીવનનાં એકાદશ વ્રતો વ્યક્તિ, સમષ્ટિ, અને સૃષ્ટિ સાથે આંતરસંબંધ ધરાવે છે. અમદાવાદની આશ્રમભૂમિમાં આકાર પામેલાં અગિયાર વ્રતોનું સમજણપૂર્વકનું પાલન પૃથ્વીના ગોળાને કલ્યાણ-જગતમાં પરિવર્તિત કરી શકે તેમ છે.
…………………………………………………………………………………………………
સૌજન્ય :
ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર
Saturday, May 21, 2016
ભાષાની મજા, મજાની ભાષા - 909
'શેરબજારમાં થતું રોકાણ વર્થ છે.'
'શેરબજારમાં થતું રોકાણ વ્યર્થ છે.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 908
'સભા ન થવાથી નાગરિકોમાં જાગ્રતિ આવે છે.'
'સભાન થવાથી નાગરિકોમાં જાગ્રતિ આવે છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 907
તમને શેમાં રસ પડે?
'મફત તપાસ દ્વારા નંબર કાઢીને ચશ્માં બનાવી આપીશું.'
'તપાસ દ્વારા મફત નંબર કાઢીને ચશ્માં બનાવી આપીશું.'
'તપાસ દ્વારા નંબર કાઢીને મફત ચશ્માં બનાવી આપીશું.'
Tuesday, May 10, 2016
'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
આપણું અમદાવાદ
'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
………………………………………………………
ઉમાશંકર જોશી (૨૧-૦૭-૧૯૧૧થી ૧૯-૧૨-૧૯૮૮) એટલે જાહેર જીવનના સાહિત્યકાર, દીર્ઘદૃષ્ટા શિક્ષણવિદ્દ, મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ. અમદાવાદ સાથે તેમનો સવિશેષ સંબંધ રહ્યો છે. શહેરમાં ઉમાશંકરભાઈનાં રહેઠાણોમાં આનંદનગર સોસાયટી, ચોક્સી-નિવાસ, કુલપતિ-નિવાસ, 'સેતુ' બંગલો એમ વિવિધ ઠેકાણાંનો સમાવેશ થાય છે. એ બધાંમાં 'સેતુ' એ શહેરના હૃદયમાં પડેલી છબીઓમાં સહજ રીતે ઝીલાયેલું સરનામું છે. ઈ.સ. ૧૯૫૭થી 'સેતુ'નિવાસી ઉમાશંકર જોશીએ 'સેતુ', ૨૬, સરદાર પટેલ નગર, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬ના સરનામેથી કંઈ કેટલાય પત્રોનું આદાન-પ્રદાન કર્યું હશે!
'સેતુ' માંહેથી ઉમાશંકર જોશીએ કાવ્યોથી માંડીને નિબંધો, વિવેચનથી માંડીને વ્યક્તિચિત્રોને આકાર આપ્યો હતો. 'સેતુ'નો કિતાબ-કક્ષ 'સંસ્કૃતિ' સામયિકનાં સંપાદન અને લેખન માટેની ઉ.જો.ની ચીવટ અને મહેનતને અંદરખાનેથી જોઈ ચૂક્યો છે. ઉમાશંકરભાઈ કહેતા : "પહેલું સુખ તે આવ્યાં પ્રૂફ, બીજું સુખ તે ઘર સાફસૂફ!" પીરાજી સાગરાએ દોરેલાં બે પ્રકૃતિચિત્રો અને ભૂપેન ખખ્ખરે દોરેલું કવિનું રેખાચિત્ર 'સેતુ'ના બેઠકખંડની દીવાલોનું ગૌરવ છે. "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી..."ના રચયિતા ઉમાશંકર જોશીને ભાગ્યશાળીઓએ ઘરના બગીચાની હરિયાળી અને શહેરના રસ્તા ઉપર ટહેલતાં જોયા છે.
ઉમાશંકર જોશી 'વાસુકિ' અને મનુભાઈ પંચોળી 'દર્શક' ચાના શોખ માટે જાણીતા હતા. 'સેતુ'માં આ બન્ને જણ ચા સાથે ચર્ચા કરતાં હોય એ દેવદુર્લભ દૃશ્ય હતું! 'ડુંગરના સંતાન'ને મળવા માટે નગરકવિ નિરંજન ભગત 'સેતુ'માં નિયમિત રીતે આવતા. 'સેતુ' એ જયંતિ દલાલથી માંડીને ચુનીલાલ મડિયા સુધીના શબ્દસાધકો સાથેની ઉ.જો.ની ગોષ્ઠિનું સાક્ષીરૂપ છે. દિવાળીમાં 'સેતુ'ની ઓસરી રંગોળીથી રૂપાળી થઈ જતી. સર્જકો પર્વપ્રસંગે કવિને ખાસ મળવા આવતા. ઈ.સ. ૧૯૮૬ની દિવાળીની એક અવિસ્મરણીય સમૂહછબીમાં 'સેતુ'નાં પગથિયાં ઉપર ઉમાશંકર જોશી સાથે પન્નાલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ ઊભેલા છે.
ઉમાશંકરભાઈનાં દીકરી સ્વાતિ જોશી કહે છે કે, "આ ઘરમાં રોજેરોજ કોઈ ને કોઈ મુલાકાતી હોય જ. મેં બાપુજીને 'સેતુ'માં લેખન કરતાં કે વાતચીત કરતાં જ જોયા છે.' કવિગૃહમાં આવતા મુલાકાતીઓનાં બાળકો તરફ ઉમાશંકરદાદાનું ખાસ ધ્યાન અને વિશેષ વહાલ રહેતું. કબાટમાંથી તબલાં કાઢીને, બાળક મિહિરને એના ઉપર થાપ મારવા માટે પ્રોત્સાહિત કરનાર ઉમાશંકરભાઈની વાત્સલ્યમૂર્તિ, કર્મશીલ દંપતી મંદાબહેન અને હસમુખ પટેલના સ્મરણપટ ઉપર આજે પણ જીવંત છે. નવનિર્માણ આંદોલનથી માંડીને આંતરિક કટોકટી, કોમી વિખવાદોથી માંડીને અનામતવિરોધી આંદોલન સંદર્ભે આ જગ્યાએથી કેટકેટલી બેઠકો કરીને ઉમાશંકરભાઈએ નાગરિક-નિસબતની સાબિતી પૂરી પાડી હતી. હે અમદાવાદ, તું સાહિત્ય અને સમાજને જોડતા 'સેતુ'સ્વરૂપ સ્થળને યાદ રાખીશ ને?!
………………………………………………………
સૌજન્ય :
'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૫-૨૦૧૬, મંગળવાર
Thursday, May 5, 2016
ભાષાની મજા, મજાની ભાષા - 904
ગરમી વિષયક ગુજરાતી સમાચારના શીર્ષકમાં 'રેકોર્ડબ્રેક' શબ્દની જગ્યાએ 'વિક્રમતોડ' શબ્દ વાપરીએ તો કેવું?
Tuesday, May 3, 2016
ફ્રીઝ સામે મલકાતી માટલી !
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
એક સમયે શહેરમાં તવંગરોનાં ઘરોમાં જ ફ્રીઝ હતાં. આજે મધ્યમવર્ગીય પરિવારો માટે ફ્રીઝને જરૂરિયાતનું સાધન ગણવામાં આવે છે. જોકે, દ્વિ-દ્વાર શીતક અર્થાત ડબલ-ડોર રૅફ્રિજરેટર હોય છતાં ઘરમાં માટલું ન હોય તો એ ઘર ખરેખર ગરીબ કહેવાય! જેને ફ્રીજનાં પાણીથી શરદી થઈ જવાની બીક લાગતી હોય કે બરફનાં પાણીથી તરસ સંપૂર્ણપણે ન સંતોષાતી હોય તેવા શહેરીજનો માટલીમાતાના શરણે જાય છે. અમદાવાદમાં ઉનાળો આકરો હોવાથી ગરમી શરૂ થતાંની સાથે ઘરમાં નવી માટલીનું આગમન થાય છે. રસોડાનું પાણિયારું એટલે માટલીનું કાયમી સરનામું. ગરમીના દિવસોમાં માટલીની કામચલાઉ બદલી રસોડામાંથી ઓસરીમાં થાય પણ ખરી. ઘરના જે ખૂણે સીધો તડકો ન આવતો હોય અને પવન વાતો હોય ત્યાં માટલીને મૂકવામાં આવતી. માટલીનું તળિયું ગોળાકાર હોવાથી તેને માટી કે ધાતુના કાંઠલા ઉપર બેસાડવી પડતી. માટલીની ફરતે શણના કોથળાનો કાપેલો કકડો વીંટાળવામાં આવતો. એની ઉપર ધીમી ધારે પાણી રેડવામાં આવતું. શણનો કકડો ભીનો થતો અને એનો બહારની હવા સાથે સીધો સંપર્ક થવાથી માટલીનું પાણી ટાઢું થતું. ઘરમાં શણનો કોથળો હાથવગો ન હોય તો વિકલ્પ તરીકે પિતાજીનું જૂનું બનિયન કામમાં આવતું. મમ્મી તેમાંથી લાંબો ટુકડો કાપીને તેને માટલીએ વીંટાળતી. ઘેરાવો ધરાવતી માટલી જ્યારે ગંજી ધારણ કરે ત્યારે ફાંદાળા પપ્પા બેઠાં હોય એવું લાગે!

એ જમાનામાં નળવાળી માટલીઓ જન્મતી નહોતી એટલે માટલીમાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો પડતો. પ્યાલો સીધો માટલીમાં નાખો તો ઘરના વડીલોની કચકચ સાંભળવી પડતી. ડોયા વાટે પાણી લઈને માટલીને બુઝારા વડે ફરીથી ઢાંકી દેવી પડતી. આ રીતે માટલી, કાંઠલો, બુઝારું, ડોયો, પ્યાલો એટલે પાણિયારા ઉપર બેઠેલું તરસ-નિવારણ પંચ! નવી માટલી ઝમે તો જ પાણી ટાઢું થાય એમ કહેવાતું. માટલી પણ પાણી ઠંડું કરવા માટે જાણે પરસેવો પાડતી હોય એમ લાગતું. માટલી નવી હોય ત્યારે એમાંથી પાણી પીએ એટલે સ્વાદવિહીન, રંગવિહીન, ગંધવિહીન પાણીમાં માટીની મહેક ભળતી. રોજ સવારે માટલીને વીછળીને સાવચેતીપૂર્વક પાણી ભરવું પડતું. આ કામ મા-બહેન-ભાભીના હાથે કે માથે લખાયેલું હતું. અણઘડ જણ માટલીનો કંઠભાગ પકડીને તેને જોરથી વીછળે તો માટલી ફસકાઈ જાય એવું પણ બને. ચોકડીની પાળી કે પાણીની ચકલી સાથે માટલીની અથડામણ થાય તો માટલીને તડ પડી જતી. તિરાડ બારીક હોય તો માટલીને વજ્રચૂર્ણ(સિમેન્ટ)નો સાંધો કરવામાં આવતો. આવી શસ્ત્રક્રિયાના કારણે માટલીની સુંદરતા ઘટતી, પણ ઉપયોગિતા જળવાઈ રહેતી!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
ફ્રીઝ સામે મલકાતી માટલી !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૫-૨૦૧૬, મંગળવાર
Subscribe to:
Posts (Atom)