Wednesday, November 9, 2016

ગાંધીપૌત્ર કનુ ગાંધીને પ્રકાશ ન. શાહની શ્રદ્ધાંજલિ

નિમંત્રિત વક્તા : પ્રકાશ ન. શાહ, ગાંધીમાર્ગી કર્મશીલ અને વરિષ્ઠ તંત્રી
તારીખ : ૦૯-૧૧-૨૦૧૬
સમય : સવારના અગિયારથી પોણા બાર
સ્થળ : સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે જુઓ :
http://gujaratvidyapith.org/UpasanaLive.html

કાયદાવિષયક સરળ જાણકારી મેળવવી છે?

Sunday, November 6, 2016

'આપણું અમદાવાદ'

શહેરમાં હનુમાનજીનાં સ્થાનકો

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

હનુમાન તારા નામ છે હજાર...!

…………………………………………………………

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

અમદાવાદનાં ધાર્મિક સ્થાનકોમાં મહાવીર હનુમાનજીનાં મંદિરો તેમનાં નામ-સરનામાંના કારણે વિશેષ ધ્યાન ખેંચે છે. શાહીબાગ વિસ્તારમાં 'લશ્કરી છાવણીક્ષેત્ર' વચ્ચે બિરાજતા બજરંગબલીનું દેવાલય 'શ્રી કેમ્પ હનુમાનજી મંદિર' તરીકે પ્રખ્યાત છે. ખાડિયામાં બાલા હનુમાન અને રાયપુરમાં છબીલા હનુમાન, બાપુનગરમાં ભીડભંજન હનુમાન અને મેમનગરમાં તારીયા હનુમાન, આંબાવાડીમાં મંગલમૂર્તિ હનુમાન અને અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન, કેલિકો મિલ નજીક સંકટમોચન હનુમાન અને સેટેલાઇટ વિસ્તારમાં સિદ્ધ પંચમુખી હનુમાન પ્રત્યક્ષ છે. આ ઉપરાંત, ખોખરા-મહેમદાવાદ વિસ્તારમાં આવેલા 'રોકડીયા હનુમાન' અને ગીતામંદિર માર્ગ ઉપર આવેલા 'સર્વોદય હનુમાન'ની નોંધ લેવી જોઈએ. શહેરના તોફાનગ્રસ્ત વિસ્તારમાં હુલ્લડિયા હનુમાન તો સ્મશાનગૃહમાં મસાણિયા હનુમાનની નોંધ કેમ ન લેવી જોઈએ?! વિશેષ કરીને, અમદાવાદનાં બે હનુમાન-મંદિરો નોખી ઓળખ ધરાવે છે. મેઘાણીનગર મુકામે આવેલું 'લગનિયા હનુમાનનું મંદિર' પ્રભુતામાં પગલાં પાડવા ઇચ્છતાં પ્રેમીયુગલો માટેનું આસ્થા-સ્થાન છે. અંજનીપુત્ર અને પવનસુત હનુમાન શ્રદ્ધાપૂર્વક, સાહસપૂર્વક, અને સફળતાપૂર્વક લંકા ગયા હતા. આ કારણે, પરદેશ જવા ઇચ્છુક આસ્તિકો ખાડિયા-સ્થિત દેસાઈની પોળમાં આવેલા ચમત્કારી હનુમાનજી કે જે 'વિસા હનુમાન' તરીકે જાણીતા છે તેમના દર્શને અચૂક આવે છે!

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

શહેરના વસ્ત્રાપુરમાં આઈ.આઈ.એમ.નાં જૂના અને નવા પરિસરની વચ્ચે, એકસો બત્રીસ ફૂટના વલયમાર્ગ ઉપર 'માનતાવાળા હનુમાનજી'ના મંદિરનું સ્થાપન થયું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં મુખ્ય ઇમારત સામે ઇચ્છાધારી હનુમાનનું મંદિર અને અધ્યાપકોનાં રહેઠાણ નજીક કષ્ટભંજન હનુમાનનું મંદિર છે. સેપ્ટ યુનિવર્સિટી પાસેના મુખ્ય રસ્તા ઉપર, 'સર્વકાર્યસિદ્ધ હનુમાનજી'ની દેરીનો ધીમી પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે! અમદાવાદમાં વિવિધ હનુમાન-મંદિરો સાથે વૃક્ષોનાં નામ જોડાયેલાં છે. ઝાડના છાંયડા નીચે દાદાનું દેરું મોટું થાય એટલે એ ઝાડ પણ જાણીતું થઈ જાય છે. જેના કારણે મીઠાખળી ગામમાં પીપળીયા હનુમાન, ગીતામંદિર નજીક લીમડીયા હનુમાન, કાંકરિયા વિસ્તારમાં આંબલીયા હનુમાન, જીવરાજ પાર્ક વિસ્તારમાં ખીજડીયા હનુમાન જેવાં મંદિરો જોવા મળે છે. શહેરોમાં જમીન ઘટતી જાય છે અને જનસંખ્યા વધતી જાય છે. કપિ જેવા પ્રાણી માટે વૃક્ષ એ જીવંતમંદિર છે. વાનરમાં હનુમાનજીની હયાતી જોતાં શહેરીજનોએ વધુ સંખ્યામાં અને વિવિધ જાતનાં વૃક્ષો વાવવાની જરૂર છે!

…………………………………………………………
સૌજન્ય :

'હનુમાન તારા નામ છે હજાર...!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૬-૧૧-૨૦૧૬, રવિવાર