અશ્વિનકુમાર
..........................................................................
Photo-courtesy : google image |
માહિતીના યુગમાં સમૂહ માધ્યમોનું મહત્ત્વ રાજાની કુંવરીના કદની જેમ સતત વધતું જાય છે. સમૂહ માધ્યમોનો વ્યાપ અને વિસ્તાર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેની સામે વધુ ને વધુ આંગળીઓ ચીંધાતી જાય છે. સમૂહ માધ્યમો સ્વતંત્રતા માણે પણ જવાબદારી ન જાણે ત્યારે લોકશાહીના ચોથા પાયાના ચારે ખૂણાને લૂણો લાગે છે. જોકે, બધાં સમૂહ માધ્યમોમાં રેડિયોને 'નિરુપદ્રવી માધ્યમ' ગણાવી શકાય. રેડિયો અશ્લીલ કાર્યક્રમો કે કંટાળાજનક જાહેરખબરોથી મુક્ત છે! ટેલિવિઝનને 'ઇડિયટ બૉક્સ' કહેવામાં આવે છે, પરંતુ રેડિયોને કોઈએ 'ઇડિયટ બૉક્સ' કહ્યું હોય એવું જાણ્યું નથી. વળી, રેડિયોના માધ્યમે વિકાસ પ્રત્યાયનનું માધ્યમ બનીને અનોખી ભૂમિકા અદા કરી છે.
સાચું ભારત ગામડાંમાં વસે છે અને રેડિયોમાં વહે છે. આજે પણ ભારતના ગ્રામીણ પ્રદેશોમાં રેડિયો એ હાથવગું અને કાનવગું માધ્યમ છે! આથી જો ભારત ખેતીપ્રધાન દેશ કહેવાતો હોય તો તેને રેડિયોપ્રધાન દેશ પણ કહેવો પડે. આ જ રીતે ગુજરાતના અંતરિયાળ ગ્રામવિસ્તારોની રૂબરૂ મુલાકાત વેળા અન્ય સમૂહ માધ્યમોનો અભાવ અને રેડિયોનો પ્રભાવ બરાબર જોયો-જાણ્યો છે.
ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છના ખાવડા વિસ્તારના સિંધી સમા મુસ્લિમોને, ગુજરાતની પૂર્વ પટ્ટીના પંચમહાલ જિલ્લાના આદિવાસીઓને, ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના દલિતોને અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને કાન દઈને રેડિયો સાંભળતા જોયા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગભરૂભાઈ નામના માલધારી યુવાનના હાથ પર 'રેડિયો'નું છૂંદણું જોયું ત્યારે આશ્ચર્ય સિવાય કશું જ થયું નહોતું! ગભરૂભાઈને મળ્યા પછી એટલું તો જરૂર સમજાયું હતું કે, ગ્રામીણજનોમાં રેડિયોની છાપ જેટલી એમના હાથ પર કાયમી છે એટલી જ એમનાં હૈયાં પર કાયમી છે! આજે પણ ગામડાંમાં રેડિયો ઊડીને આંખે નહીં પણ કાને વળગે છે! ગામડાંના લોકો રેડિયોને ભૂલ્યા નથી, કારણ કે રેડિયો તેમને ભૂલ્યો નથી. આજ દિન સુધી રેડિયો ગામડાંનો ધબકાર સાંભળતો અને સંભળાવતો રહ્યો છે. આ વાત અતિશયોક્તિના આંજણથી આંજેલી લાગતી હોય તો પછી વાત માંડીને જ કરવી પડે!
અમદાવાદની 'ઉન્નતિ' નામની સ્વૈચ્છિક સંસ્થા, શિક્ષણ અને વિકાસના ક્ષેત્રમાં કાર્યરત છે. આ સંસ્થાએ 'ગામડાંનો ધબકાર' નામના રેડિયો-કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ગ્રામવિકાસલક્ષી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીનાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રો પરથી થાય છે. ઈ.સ. ૨૦૦૩ના એપ્રિલ મહિનાની ઓગણીસમી તારીખથી શરૂ થયેલો આ કાર્યક્રમ દર શનિવારે રાત્રે ૮.૦૦ કલાકે પ્રસારિત થતો હતો. મૂળે તો પંચાયતી રાજની વ્યવસ્થાને વેગીલી બનાવવા માટે 'ઉન્નતિ' સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવતું હતું. આ કાર્યક્રમમાં ગ્રામવિકાસ અને ચાવીરૂપ એવા પંચાયતીરાજ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
પ્રચંડ પ્રતિભાવ મેળવનાર આ કાર્યક્રમ માત્ર પંદર જ મિનિટનો છે પણ દર અઠવાડિયે પચાસથી પણ વધુ શ્રોતાઓને પત્રો લખવાની ફરજ પાડે છે. ‘ગામડાંનો ધબકાર’ કાર્યક્રમ એટલો તો લોકપ્રિય બન્યો છે કે, ઘણા બધા વિસ્તારોમાં આ કાર્યક્રમનાં શ્રોતામંડળોની સ્થાપના પણ થઈ છે. ઘણાં બધાં ગામોમાં તો કાર્યક્રમને ધ્વનિમુદ્રિત (ટેપ-રેકૉર્ડ) કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એની કૅસેટ ગ્રામજનો એમની અનુકૂળતાએ સાંભળે છે. 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમ નગરજનો પણ રસપૂર્વક સાંભળે છે. આ કાર્યક્રમના શ્રોતાવર્ગમાં ખેતમજૂરોથી માંડીને ઉચ્ચ શિક્ષિતો અને સંસ્થા-કાર્યકરોથી માંડીને સનદી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
'ગામડાંનો ધબકાર' કાર્યક્રમમાં પંચાયતી રાજના શિક્ષણની સાથે-સાથે આમ આદમીની ખાસ સમસ્યાઓને અવાજ આપવામાં આવે છે. આ કાર્યક્રમ સાંભળીને લોકો પોતાના ગામની જાત-ભાતની સમસ્યાઓ અંગે 'ઉન્નતિ' સંસ્થા સમક્ષ રજૂઆત કરે છે. ત્યાર બાદ આ સંસ્થા વિવિધ ફરિયાદો અંગે સંબંધિત સરકારી વિભાગનું ધ્યાન દોરે છે. સરકારી તંત્ર યોગ્ય તપાસ કરીને જે તે પ્રશ્નને ઉકેલી આપે છે. આ કાર્યક્રમ થકી ગ્રામવાસીઓ વ્યક્તિગત વ્યથા પણ આ સંસ્થા સમક્ષ ઠાલવે છે. 'ઉન્નતિ' પત્ર કે દૂરભાષ દ્વારા પણ ગ્રામવાસીઓને સલાહ-સૂચન- માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત કેટલીક વખત આ કાર્યક્રમ દ્વારા નેત્રહીનોની સમસ્યાઓની એવી તો અસરકારક અભિવ્યક્તિ થઈ છે કે સરકારી તંત્રની આંખો ખૂલી ગઈ છે!
'ગામડાંનો ધબકાર' કાર્યક્રમમાં કૃષિ, પશુપાલન, આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી-સશક્તીકરણ... જેવા વિવિધ વિકાસલક્ષી વિષયોને આવરી લેવામાં આવે છે. વળી, આ કાર્યક્રમમાં જળ પરના અધિકારથી માંડીને સામુદાયિક જમીન પરના ગેરકાયદેસર દબાણને દૂર કરવા અંગેના પ્રશ્નોનો ઉકેલ સૂચવતી ચર્ચા કરવામાં આવે છે. 'ગામડાંનો ધબકાર'માં મહિલા સરપંચની સફળગાથા પણ પ્રગટ કરવામાં આવે છે તો પુરુષ સરપંચની ભ્રષ્ટાચાર-કથા પર પણ પ્રહાર કરવામાં આવે છે! હા, એટલી કાળજી જરૂર લેવામાં આવે છે કે જે વિસ્તારની બાબત હોય તે મુજબ વાતચીત અને વાતાવરણ ઊભાં થાય.
આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી વરસોથી નિયમિત રીતે પ્રસારિત થતો રહેલો આ જ પ્રકારનો 'ગામનો ચોરો' નામનો કાર્યક્રમ આજે પણ ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં જયંત માંકડ 'છગનબાપા' તરીકે સંવાદ-અભિવ્યક્તિ કરતા હતા ત્યારે શ્રોતાઓ તો છગનબાપાને જ શોધતા-શોધતા આવતા હતા. આ જ રીતે અરવિંદભાઈ ધોળકિયા 'મોહનભાઈ'ના પાત્ર દ્વારા ખૂબ જ પ્રખ્યાત થયા હતા. 'ગામનો ચોરો'ની જેમ જ 'ગામડાંનો ધબકાર' નામના કાર્યક્રમનાં પાત્રો જેવાં કે હર્ષાબહેન, ભીખાભાઈ, મણિકાકી સાથે આકાશવાણીના શ્રોતાઓ પરિવારપણું અનુભવે છે. તારીખ ૧૫ નવેમ્બર, ૨૦૦૩ના રોજ રાજકોટથી ઢૂકડે આવેલા રાજસમઢિયાળામાં 'ઉન્નતિ' સંસ્થા દ્વારા 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમના શ્રોતાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમ આકાશવાણીના આ કાર્યક્રમના કલાકારોએ પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં હાજર રહેલા શ્રોતાઓએ 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમના ઉપસ્થિત રહેલા કલાકારોને, તેઓ જે પાત્ર ભજવે છે એ પાત્રના અવાજના લહેકા પરથી ઓળખી કાઢેલા!
આજે પણ સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી એવા તો અનેક શ્રોતાઓ છે કે જેઓ 'ગામડાંનો ધબકાર' ચૂકી જાય તો હૃદયનો ધબકાર ચૂકી ગયા હોય એવી લાગણી અનુભવે છે! આવા ગ્રામાભિમુખ કાર્યક્રમો દ્વારા રેડિયો ગ્રામ પંચાયતનાં મકાનથી માંડીને રામજી મંદિર સુધી પહોંચતો રહે છે. એ વાત સાચી કે બદલાતા સમયમાં રેડિયોનું સ્વરૂપ પણ બદલાયું છે. રેડિયોના એફ.એમ. બૅન્ડ ઉપર શહેરીજનો માટેના 'રેડિયો-મિરચી'માં આપણને પશ્ચિમી સંસ્કૃતિની અસર ભલે દેખાતી કે સંભળાતી હોય, પરંતુ રોટલો-મરચું ખાતા ગ્રામજનોને ‘આકાશવાણી’ આજે પણ ‘આપણી વાણી' લાગે છે.
(લેખક ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં પ્રાધ્યાપક છે.)
..........................................................................
સૌજન્ય :
ગામડાંમાં રેડિયો અને રેડિયોમાં ગામડાં!,
'આસ્થા' સામયિક, ડિસેમ્બર, ૨૦૦૪, પૃષ્ઠ : ૧૬-૧૮
રાડા રાડ વચ્ચે રેડિયોની ત્રાડ...
ReplyDelete