Friday, November 27, 2015

અખબારી પરિષદ અને અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ 


શિક્ષણ દ્વારા સમાજસેવાની અવિરત યાત્રાનો ૯૬મા વર્ષમાં પ્રવેશ કરનાર ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૧૫ ને મંગળવારના રોજ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જી દીક્ષાન્ત પ્રવચન આપશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠની પદવીદાનની એક આગવી પરંપરા છે, તે મુજબ દરેક સ્નાતકે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને કુલપતિશ્રી પદવી લેનારને પદવી આપે છે. આટલાં વર્ષો પછી પણ આ પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ તે પરંપરા જળવાશે.’


કુલનાયકશ્રી અનામિક શાહે જણાવ્યું કે ‘રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પદવીદાન સમારંભમાં આવી ચૂક્યા છે. અમારા પરિસરમાં આ વર્ષે રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જી આવી રહ્યા છે, તેનો અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓમાં ઉમંગ છે. પરિસરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. અમારી પરંપરા મુજબ શ્રમ, સફાઈ અને સુશોભનને લગતાં તમામ કામ અમે જાતે કરીએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગવીર ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ખાતમુહૂર્ત પ્રખર વૈજ્ઞાનિક શ્રી પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે કરાવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ અમારો પદવીદાન આ જ સ્થળે યોજાશે. પદવી લેનાર વિદ્યાર્થીઓ પરંપરા અનુસાર બે હજાર તારની સૂતરની આંટી આપતા હોય છે. તેમાંથી ખાદીનું કાપડ વણાવીને પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને કુલપતિશ્રીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે માનનીય રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જીને અને કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટને ખાદી અર્પણ કરવામાં આવશે’. 

આ વર્ષે ઔપચારિક શિક્ષણના ભાગરૂપે ઉત્તીર્ણ થયેલ ૨૪ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), ૪૯ અનુપારંગત(એમ.ફિલ.), ૪૦૫ પારંગત(એમ.એ.), ૩૬૯ વિશારદ અને ૫૯ અનુસ્નાતક ડિપ્લોમાને પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને ૫૮ પારિતોષિક આપવામાં આવશે.


વિગત-સૌજન્ય :
રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૭-૧૧-૨૦૧૫

No comments:

Post a Comment