Monday, January 1, 2018

નિલમ ધીરુભાઈ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

નિલમભાઈ ધીરુભાઈ પટેલનો જન્મ તા. ૨૨-૦૩-૧૯૮૪ના રોજ મુ. ગુંદલાવ (તા. વલસાડ, જિ. વલસાડ)માં થયો હતો. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્રના વિષયમાં પારંગત(એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણવ્યવસ્થાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ભણીગણીને પુત્ર ઘર અને નોકરીની જવાબદારીઓ સંભાળી લે તેવી પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાને બદલે તેઓ ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા(તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેઓએ શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ, યુવકપ્રવૃત્તિ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

વર્ષ ૨૦૧૪માં જાગૃત જન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તેમને ‘જાગૃત જન ઍવોર્ડ’, ૨૦૧૬માં વિચાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ગાંધીમિત્ર ઍવોર્ડ’ તથા ૨૦૧૭માં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ધરતી રત્ન ઍવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે.

નિલમ પટેલનાં સમાજસેવાનાં કાર્યોને બિરદાવતાં, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેઓની પસંદગી કરી છે.

No comments:

Post a Comment