Wednesday, April 14, 2021

શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો


ડૉ. અશ્વિનકુમાર

....................................................................................................................

સહેજ પણ પરસેવો ન પડે એવો અંગૂઠાદાબ વ્યાયામ કરી રહ્યો હતો. હાથમાં રિમોટ-કંટ્રોલ પકડીને ખુરશીમાં આરામથી બેઠા બેઠા સેટેલાઇટ ચેનલને કુદાવી રહ્યો હતો. ત્યાં કોઈ એક ચેનલ ઉપર ગોરી ગાયિકા શકીરાને ગાતાં-નાચતાં, ઊછળતાં-કૂદતાં જોઈ. થોડી વારમાં ફળિયાની બહાર પાકા રસ્તા ઉપર ઝાડુ ઘસવાનો કર્કશ અવાજ કાને અથડાયો. મારો નજરભંગ થયો. એક સફાઈ-નારી જાહેરમાં પરસેવા-સ્નાન કરતી કરતી કચરો વાળી રહી હતી. રસ્તાની ધૂળ ઘરમાં ભરાઈ જશે એ મધ્યમ વર્ગીય બીકે મેં બારી-બારણાં ધડાધડ બંધ કરી દીધાં. હું તો ઘરમાં સલામત રીતે જાતે જ પુરાઈ ગયો.

હું ટેલિવિઝનના પડદા ઉપર શકીરાને પુનઃ જોવા-સાંભળવા લાગ્યો. પણ કોણ જાણે કેમ મારા ચિત્ત ઉપર તો પેલી ઝાડુધારી શ્રમિકાનું જ ચિત્ર દૃશ્યમાન થતું લાગ્યું. આપણે ત્યાં સફાઈ-કામદારો સહિતના કોઈ પણ મજૂરોને એમનું નામ પૂછવાની સભ્યતા કે સમજણ નથી. આથી, મેં મારી જાતને જ એક પ્રશ્ન પૂછી કાઢયો : એનું નામ શું હશે? થોડી વિચાર-રકઝકને અંતે ‘કોઈની કામચલાઉ ફોઈ’ બનતાં મેં એનું નામ પાડી દીધું : ‘શકરી’! આમ પણ, શકીરા(Shakira) અને શકરી(Shakari)ની જોડણીમાં ઘણી સામ્યતા છે. જોકે હવે મારું ધ્યાન શકીરામાંથી શકરી તરફ વધારે ખેંચાવા લાગ્યું. શબ્દોનાં માપિયાં લઈને હું શકીરા અને શકરીની તુલના કરવા લાગ્યો.

શકીરા સિંગર છે. શકરી સ્વીપર છે. શકીરાના હાથમાં માઇક છે. શકરીના હાથમાં ઝાડુ છે. શકીરા વિદેશી છે. શકરી દેશી છે. શકીરા ગોરી છે. શકરી રોગી છે. શકીરાને પૂરતાં કપડાં પહેરવાં નથી. શકરીને પહેરવાં પૂરતાં કપડાં નથી. શકીરા જિન્સના પેન્ટને કમર નીચે ખેસવીને કૂદકા મારે છે. શકરી ફાટેલા સાડલાની કિનારને કમર ઉપર ખોસવીને કચરો વાળે છે. શકીરાને પેટમાં ખાડો પાડવો હોય છે. શકરીને પેટનો ખાડો પૂરવો હોય છે. શકીરા માટે સલાડ ડિશ પૂરતી હોય છે. શકરી માટે વાળુનો થાળ પૂરતો હોતો નથી. શકીરા પૂરતું ખાતી નથી એટલે પાતળી છે. શકરીને પૂરતું ખાવા નથી મળતું એટલે પાતળી છે.

શકીરા ગ્લેમરસ છે. શકરી નિરસ છે. શકીરાને જોઈને લોકોને લાળ ટપકે છે. શકરીને જોઈને લોકોને ઊબકા થાય છે. શકીરાને અડી લઈએ એટલે ગંગા નાહ્યા એવી અનુભૂતિ થાય છે. શકરીને અડી જઈએ એટલે ગંગાજળથી નાહવું પડે એવી અનુભીતિ થાય છે. શકીરા તો લોકોને કામદેવતા લાગે છે. શકરી માટે તો કામ એ જ દેવતા છે. શકીરાના અંગપ્રદર્શનને લોકો ફાટી આંખે જોઈ રહે છે. શકરીના અંત્યજદર્શનથી લોકો મોઢું ફેરવી લે છે. શકીરા જે કંઈ કરે છે એ એની મરજીથી કરે છે. શકરી જે કંઈ કરે છે એ એની મજબૂરીથી કરે છે.

શકીરા નૃત્ય કરી જાણે છે. શકરી કૃત્ય કરી જાણે છે. શકીરા કેડ ઝુલાવે છે. શકરી કેડ ઝુકાવે છે. શકીરા ગમે તેમ ચાલી-વળી શકે છે. શકરી આખી ચાલી વાળી શકે છે. શકીરા બ્રેક ડાન્સ કરે છે. શકરીનું આખું શરીર ભાંગી ગયું છે. શકીરા ઊછળી શકે છે. શકરી ઊકળી મરે છે. શકીરા કૂદકા મારે છે. શકરી વલખાં મારે છે. શકીરા ચેનચાળા કરે છે. શકરીને ચેન નથી. શકીરાના ઠુમકા સૌને દેખાય છે. શકરીનાં ડૂસકાં કોઈને સંભળાતાં નથી. શકીરા સન બાથ લે છે. શકરી સૂર્યને બાથ ભરે છે.

શકીરા લોકપ્રિય છે. શકરી લોપપ્રિય છે. શકીરાનું તો નામ જ એવું છે કે તેને કોઈ કામ પૂછતું નથી. શકરીનું તો કામ જ એવું છે કે તેને કોઈ નામ પૂછતું નથી. શકીરાના એક જ ગાયન ઉપર કરોડો તાળીઓ પડતી રહે છે. શકરીના આખા જીવન ઉપર કોઈની નજર પણ પડતી નથી. શકીરા સાથે લોકો હાથ મિલાવે છે. શકરી લોકો માટે હાથ ચલાવે છે. શકીરાના હસ્તાક્ષર લેવા પડાપડી થાય છે. શકરી પોતાની હાજરી પુરાવવા મુકાદમને વિનંતિ કરે છે. શકીરા ‘હિપ્સ ડૉન્ટ લાઈ’ના ગીતથી ખ્યાતનામ બની છે. શકરી ‘એ...વાળુ આલજો...બા’ના સાદથી બદનામ બની છે. શકીરા આંતરરાષ્ટ્રીય હસ્તી છે. શકરી છેવાડાના છેવાડાની જણી છે. શકીરા પેજ થ્રી છે. શકરી પેજ ફ્રી છે. શકીરા ઓગણત્રીસ ઇંચના લંબચોરસ ટેલિવિઝન સ્ક્રીન ઉપર ધમાલ-મસ્તી કરતી નાચતી-ગાતી રહે છે. શકરી એકસો બત્રીસ ફૂટના રિંગરોડ ઉપર મૂંગી મૂંગી કામ કરતી રહે છે. શકીરા આજે ઇન્ટરનેટના કારણે આપણાથી નજીક છે. શકરી આજે પણ આભડછેટના કારણે આપણાથી દૂર છે. શકીરા સેંકડો વેબસાઇટ્‌સમાં છે. શકરી હજુ છેવટવાસમાં છે.

શકીરા માથામાં મેલું ઠાલવે છે. શકરી માથે મેલું ઉપાડે છે. શકીરા આંખોમાં ધૂળ નાખી શકે છે. શકરી તો આંખોને ધૂળમાં જ રાખ્યા કરે છે. શકીરા તો ચેષ્ટા સાથે કામ પાર પાડે છે. શકરી તો વિષ્ટા સાથે કામ પાર પાડે છે. શકીરા એકાદ ગીત ગાતાં ગાતાં કાદવ-કીચડમાં આળોટે તોય આપણને કંઈક કંઈક થાય. શકરી આખું આયખું છલકાતાં છલકાતાં મેલાંને માથે ઉપાડે તોય આપણને કશું ન થાય. શકીરા જીવતાં કૂતરાંને પંપાળી શકે છે. શકરી મરેલાં કૂતરાંને તાણી જાણે છે. શકીરા તો ક્યારેક સ્ટેજ શૉ આયોજિત કરે છે. શકરી તો રોજેરોજ વેસ્ટેજ શૉ દૂર કરે છે. શકીરાના ભાગે ઝાઝું મળતર હોય છે. શકરીના ભાગ્યમાં કેવળ મળ તરતું હોય છે. શકીરાના વ્યવસાયમાં જરીકે શરમ નથી. શકરીનો વ્યવસાય નર્યો શરમનો છે. શકીરાને કામની તાણ નથી. શકરીને તાણનું કામ છે. શકીરા મોડી રાત સુધી ગાતી રહે છે. શકરી વહેલી સવારથી કામે લાગે છે. શકીરા મોઘીંદાટ મોટરકાર ચલાવે છે. શકરી જર્જરિત ઠેલણગાડી હડસેલે છે.

શકીરા કોલંબિયન છે એનું ગૌરવ એનો આખો દેશ લે છે. શકરી ઇંડિયન છે એનું ગૌરવ એ પોતે લઈ શકતી નથી. શકીરા ભારતમાં ક્યારે આવવાની છે એની આપણાં સમૂહ માધ્યમોમાં ભારે ચર્ચા થઈ હતી. શકરી ભારતમાં જ રહે છે, છતાં એની આપણાં સમૂહ માધ્યમોમાં ભાગ્યે જ ચર્ચા થાય છે. શકીરા સનસનાટી ફેલાવી શકે છે. શકરી સૂગસૂગાટી અટકાવી શકે છે. અખબારોમાં શકીરાની તસવીરો-મુલાકાતો છપાતી-પ્રગટતી રહે છે, પણ શકરી સંદર્ભે લખાતું-ચર્ચાતું નથી. રેડિયોમાં શકીરાનાં ગીત-સંગીત ગૂજતાં-ગાજતાં રહે છે, પણ શકરીની આપવીતી સંભળાતી નથી. ટેલિવિઝનમાં શકીરાનાં નાચ-ગાન જોવાં-સાંભળવાં મળે છે, પણ શકરીનો ઉલ્લેખ થતો નથી. ઇન્ટરનેટમાં શકીરા વિષયક સંખ્યાબંધ વેબપેજ છે, પણ શકરી વિશે ડાઉનલોડ કરવા જેવું ખાસ કશું નથી.

આપણે એ ન ભૂલીએ કે શકીરા પાસે કંઠસૂઝ છે તો શકરી પાસે કોઠાસૂઝ છે. શકીરા સૌંદર્યવાન છે તો શકરી સફાઈદાર છે. શકીરા હાથમાં માઇક નહીં પકડે તો આપણને બહુ ફેર નહીં પડે, પણ શકરી હાથમાં ઝાડુ નહીં પકડે તો આપણે ક્યાંય હેરફેર નહીં કરી શકીએ. શકરી સાચા અર્થમાં શ્રમમાતા અને સફાઈદેવી છે. આપણા સમાજને શકીરા કરતાં શકરીની વધારે જરૂર છે. શકરી સમાજ માટે જે ભોગ આપે છે એના માટે અંગ્રેજી ભાષામાં 'સેકરીફાઇસ'ની નજીકના શબ્દ તરીકે 'શકરીફાઇસ' શબ્દ ઉમેરવો જોઈએ! કમનસીબે આપણાં સમૂહ માધ્યમો શકીરાની સરખામણીમાં શકરીને બહુ જ ઓછી જગ્યા(Space) અને બહુ જ ઓછો સમય(Time) ફાળવે છે. આપણે સૌએ સમાજમાં શકરીનું મૂલ્ય આંકવાની-સ્વીકારવાની જરૂર છે. શકરી સમાજ-મૂલ્ય ધરાવતી હશે તો કોઈ દિવસ સમાચાર-મૂલ્ય પણ ધરાવતી થશે!

....................................................................................................................
સૌજન્ય :


'દલિત અધિકાર' પાક્ષિક, ૦૧ -૦૮-૨૦૦૯, પૃષ્ઠ : ૦૭


પુનર્મુદ્રણ :

'નિરીક્ષક' પાક્ષિક, ડિજિટલ આવૃત્તિ, ૨૦૦૯


પુનર્મુદ્રણ :

પુસ્તક : 'વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે'

સંપાદક : ઉત્તમ પરમાર

પ્રકાશક : કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ - ૩૯૪ ૧૧૦, જિલ્લો : સૂરત

પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી, ૨૦૧૧

પૃષ્ઠ : ૫૫-૫૭


પુનર્મુદ્રણ :

'કૃત સંકલ્પ' સામયિક, ૨૫-૦૭-૨૦૧૧, પૃષ્ઠ : ૧૩-૧૪


પુનર્મુદ્રણ :

'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭


પુનર્મુદ્રણ :

'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), નવેંબર-ડિસેંબર, ૨૦૧૩; અંક : ૧૪, પૃષ્ઠ : ૦૩-૦૫

લેખ : શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : જાન્યુઆરી, ૨૦૧૫
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ?

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૪-૨૦૧૫; અંક : ૨૬૮, પૃષ્ઠ : ૧૦-૧૧

શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનસત્તા' દૈનિક, અમદાવાદ, ૨૬-૦૪-૨૦૧૫, રવિવાર, પૃષ્ઠ : ૦૭-૦૮


* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનકલ્યાણ' માસિક, અમદાવાદ, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૩૪-૩૫

* પુનર્મુદ્રણ :
શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૩-૨૦૨૧


4 comments: