"એક દિવસ ભોજન પછી બધાંનો ચહેરો ખીલી ઊઠ્યો. ગાંધીબાપુ આવવાના છે એવા સમાચારથી બધે સુગંધ પ્રસરી રહી. બાપુ આવવાના, આપણી સાથે રહેવાના, આપણે એમને રોજ જોવાના. આ કલ્પનાથી જ આનંદ આનંદ છવાઈ ગયો. બપોરના સૂત્રયજ્ઞ એટલે કે કાંતણકામમાંથી પરવારીને અમે સાંજની રસોઈની તૈયારીમાં લાગ્યા હતા. ત્યાં જ એક મોટરનો અવાજ આવ્યો અને થોડી જ વારમાં મદદ માટેની બૂમો આવવા લાગી. અમો હતા એ જ હાલતમાં બહાર દોડ્યા. થોડી વાર પહેલાં જ ઉનાળુ વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. એના લીધે થયેલા કાદવને લીધે આશ્રમના વળાંક પાસે જ બાપુની મોટર રસ્તા પરથી ઊતરીને કાદવમાં ખૂંપી ગઈ હતી. ઘણા લોકો ભેગા થઈ ગયા. બુદ્ધસેન અને નામદેવ જેવાએ જોર લગાડ્યું તોય મોટર શેની નીકળે? (અમારા માટે બુદ્ધસેન એટલે હરક્યુલસ જ!) છેવટે બાપુએ કહ્યું, “જમનાલાલ નીચે ઉતર, મોટર એની મેળે ચાલશે.” અને સાચે જ જમનાલાલજી ઊતરતાં જ મોટર એકદમ ઊછળી અને પાછી રસ્તા પર ચઢી ગઈ. અમે તાળીઓ પાડતા હતા. બાપુ હસતા હતા. ભારતના ભાગ્યવિધાતાનું એ પહેલવહેલું પ્રસન્ન દર્શન..."
સ્મરણોનો મધપૂડો
વાસુદેવ નાગેશ ચિતળે
અનુવાદ : અરુણા જાડેજા
યજ્ઞ પ્રકાશન, વડોદરા
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૦, પુનર્મુદ્રણ : ૨૦૧૨
પૃષ્ઠ : ૧૫
No comments:
Post a Comment