Monday, February 27, 2017

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

પ્રસન્ન મુદ્રામાં રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રણછોડભાઈ હરિલાલ પુરાણી (જન્મ : ૨૧-૦૭-૧૯૨૪, અમદાવાદ) ગાંધીજીવી કળાકાર છે. સાદગીપૂર્ણ જીવન અને કલાપૂર્ણ કવન ધરાવતાં રણછોડ પુરાણી આખા અમદાવાદમાં પગપાળા ફર્યા છે. તેઓ સાબરમતી નદીનાં પાણી-રેતીમાંથી સોંસરવા પસાર થયા છે. તેમણે 'મજૂર મહાજન સંઘ'ની પ્રવૃત્તિઓને નાનપણથી અને નજીકથી જોઈ છે. રણછોડભાઈના તંદુરસ્ત અને સક્રિય જીવનમાં 'સેવાદળ'નાં સંસ્કાર, શિસ્ત, અને તાલીમનો ફાળો મહત્વનો છે. 'સૂતરના તાંતણે સ્વરાજ'ના એ જમાનાની અસર અને સ્વીકૃતિના કારણે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેર્યાં છે. રણછોડભાઈએ નાનપણમાં, ગાંધીજીના પ્રથમ વખત દર્શન કર્યા હતા. તેમણે ચૌદ વર્ષની વયે, ઈ.સ. ૧૯૩૮માં 'હરિપુરા કૉંગ્રેસ'માં સ્વયંસેવક તરીકે ભાગ લીધો હતો. આ લેખકે ૧૭-૦૨-૨૦૧૭ના દિવસે, દીર્ઘાયુ રણછોડભાઈની સુદીર્ઘ મુલાકાત અને તસવીરો લીધી તે દિવસે તેમને શુક્રવારનો ઉપવાસ હતો. આ શુક્રવારીય ઉપવાસની શરૂઆત ૩૦-૦૧-૧૯૪૮ના એ શુક્રવારથી થઈ હતી! તેમણે એ સાંજે ગાંધીજીની હત્યાના સમાચાર રેડિયો ઉપર સાંભળ્યા. રાષ્ટ્રપિતાની અણધારી વિદાયના આઘાતમાં સરી ગયેલા રણછોડભાઈએ, એ રાત્રે ભોજનનો ત્યાગ કર્યો. એ પછી તો પ્રત્યેક શુક્રવારે તેમણે ઉપવાસ કરવાનો ચુસ્ત અમલ કર્યો. પ્રસંગ, પ્રવાસ, માંદગી હોય તોપણ તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી નિયમિતપણે દર શુક્રવારે ઉપવાસ કરે છે!

'દુબલે કાજી'ના સર્જક રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


રણછોડભાઈને ઇંદુમતી શેઠ તરફથી પ્રોત્સાહન, રવિશંકર રાવળ તરફથી તાલીમ, રસિકલાલ પરીખ તરફથી માર્ગદર્શન, છગનલાલ જાદવ તરફથી પ્રેરણા મળ્યાં છે. તેમણે અંદાજે દસેક હજાર જેટલાં સર્જનાત્મક ચિત્રો રચ્યાં છે. જેમાં મુખ્યત્વે કટાક્ષચિત્રો ઉપરાંત ઠઠ્ઠાચિત્રો, વાર્તાચિત્રો, અને મુખપૃષ્ઠચિત્રોનો સમાવેશ થાય છે. પુરાણીનાં ચિત્રો વિવિધ દૈનિકો, સામયિકો, પુસ્તકોમાં પ્રસિદ્ધ થયાં છે. કટાક્ષચિત્રોની દુનિયામાં રણછોડભાઈનું નોંધપાત્ર પ્રદાન એટલે તેમણે સર્જેલું 'દુબલે કાજી'નું પાત્ર. એ વખતમાં 'દુબલે કાજી'ના નામથી અને 'પુરાણી'ના હસ્તાક્ષરથી પ્રગટ થતાં એ પૉકેટ કાર્ટૂન્સ ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. રણછોડ પુરાણીએ દોરેલાં કટાક્ષચિત્રો આંતરરાષ્ટ્રીય પ્રકાશનમાં સ્થાન પામ્યાં છે, પરંતુ ઘરઆંગણે તેમને ધોરણસરની પ્રસિદ્ધિ કે પુરસ્કારો મળ્યાં નથી! દીકરાઓ-દીકરી સાથે, '૧૬૯૪, સિદ્ધાર્થ ચોક, રાયખડ, અમદાવાદ' મુકામે રહેતાં, ત્રાણું વર્ષીય રણછોડદાદા સ્વસ્થ, પ્રસન્ન અને અનાસક્ત છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

3 comments:

  1. bahuratna vasundara....
    kadaach avva mulyanishth loko ne karane j jaane dhara taki chhe !!!!!
    nice to here about Puraniji.
    Pranam to Him.
    Regards....

    ReplyDelete
  2. very nice article.. salute to RAnchhod dada.... sir ranchhod dada na ekad chitro pan muki sakay?

    ReplyDelete