Sunday, March 26, 2017

ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાંતાબહેન રાજપ્રિય (જન્મ : ૨૬-૦૩-૧૯૨૭, મુન્દ્રા-કચ્છ) એટલે સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર. શાંતાબહેનના પિતા મથુરાદાસ આશર સમર્પિત સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા. મથુરાદાસે મહાત્મા ગાંધીની પ્રેરણાથી બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાના ઢાકા-મધુબની મુકામે ગ્રામસેવા-આશ્રમની સ્થાપના કરી હતી. શાંતાબહેનનાં ઘડતર અને ચણતર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને ચંપારણના ઢાકા-મધુબની આશ્રમમાં થયાં છે. તેમની કેળવણી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ થકી થઈ છે. પિતાજી સાથે શાંતાબહેને ઈ.સ. ૧૯૪૦માં 'રામગઢ કોંગ્રેસ'માં ભાગ લીધો હતો. સ્વયંસેવિકા તરીકે શાંતાબહેને ગાંધીજીના તંબુનાં રખેવાળ તરીકે ફરજ બજાવી હતી. ગાંધીજીને મળવા માટે અનેક નેતાઓ આવતા હતા. એક દિવસ ગાંધીજી બહાર જતા હતા ત્યારે તેમણે શાંતાબહેનને જોઈને પૂછ્યું કે, 'શાન્તુ, આમ કેવળ ઊભાં રહીને વખત નકામો નહીં કરવાનો. તારે તો અહીં પણ કાંતવાનું કામ કરવું જોઈએ.' શાન્તુ માટે ત્યાં જ તકલી અને રૂ મંગાવવામાં આવ્યાં. તેર વર્ષીય શાંતાબહેને ગાંધીજીના નિવાસસ્થાનનું રખોપું કરતાંકરતાં કાંતવાનું કામ પણ શરૂ કરી દીધું! શાંતાબહેને ઈ.સ. ૧૯૪૨માં 'હિંદ છોડો'ની લડતમાં ભાગ લીધો અને જેલવાસ પણ વેઠ્યો. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારો શુદ્ધ હોવાથી, શાંતાબહેનને જેલમાં રોજ પ્રાર્થના કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલવાસીઓમાં સૌથી નાનાં શાંતાબહેનને ઓગણીસ દિવસ પછી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

'ઢીંગલીઘર'ના બાળક નવધ સાથે શાંતાબહેનની સંવાદમુદ્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મોન્ટેસરી શિક્ષણપદ્ધતિનાં હિમાયતી શાંતાબહેને બહુકળાસંપન્ન પતિ રામકુમાર રાજપ્રિય સાથે ઈ.સ. ૧૯૬૧માં 'ઢીંગલીઘર' (૩૭, નાથાલાલ કૉલોની, સ્ટેડિયમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪) નામના બાળવિકાસ કેન્દ્રની સ્થાપના કરી હતી. આ લેખકે ૧૮-૦૩-૨૦૧૭ના રોજ 'ઢીંગલીઘર' મુકામે શાંતાબહેનની દીર્ઘ મુલાકાત લીધી હતી. તેમણે સાબરમતી આશ્રમથી માંડીને ઢાકા-મધુબની આશ્રમ અને રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો સાથેનાં સંભારણાં કહ્યાં હતાં. શાંતાબહેન રાજપ્રિય બરાબર આજે એકાણું વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. 'આપણું અમદાવાદ' તેમને જન્મદિવસનાં અભિવંદન પાઠવે છે.

'ઢીંગલીઘર'નાં સ્થાપક અને સંચાલક : શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
……………………………………………………………………………………………
સૌજન્ય :


ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

No comments:

Post a Comment