Monday, March 11, 2013

શબ્દો સાથેના મારા પ્રયોગો // ડૉ. અશ્વિનકુમાર


* સમર્થ સર્જક ર. વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી’ શબ્દને લોકપ્રિય કર્યો. અમે ભેંસ માટે ‘શ્યામલક્ષ્મી’ શબ્દને ચલણી બનાવવા માટે અખિલ ભારતીય સ્તરે પ્રયત્ન કરીશું.

ઉત્તરાયણ વખતે ગળું ન કપાય તે માટે ચાલકો વાહનમાં સળિયો નખાવે છે. પતંગપર્વ આસપાસ થતી 'ગળાકાપ' સ્પર્ધામાં ઊંધા 'યુ' આકારનો સળિયો જીવનદાયી સાબિત થાય છે. આપણે આ સળિયાને 'ડોક-રક્ષક' કે 'દોરી-દૂરક્ષ' જેવું નામ આપી શકીએ. જોકે, આનો આકાર ઊલિયા જેવો છે. પણ મધ્યમવર્ગના માનવીના ઊલિયા કરતાં લગભગ દશ ગણું મોટું માપ ધરાવતા આ સળિયાને 'રાવણ-ઊલિયું' કહી શકાય! દશાનન આ સળિયાથી ઊલ ઉતારતો હોય એવું દૃશ્ય કલ્પી જુઓ તો 'રાવણ-ઊલિયું' શબ્દ સાર્થક જણાશે.

* છ અક્ષરના અટપટા 'ચિકુનગુનિયા' શબ્દ સામે, નડે નહીં એવો છ અક્ષરનો સ્થાનિક શબ્દ 'સર્વસાંધાશૂળ' આપી શકાય.

* ચંદ્રકાન્ત મહેતા પૂર્વ-તૈયારી અને પૂર્ણ-તૈયારી કરીને જ વર્ગમાં આવે. તેમનું વ્યાખ્યાન નબળું ન હોય અને તેઓ કોઈના વિશે નબળું બોલે નહીં. તેમની પાસે અસ્ખલિત વાક્ધારા અને અદ્દભુત ભાષાપ્રવાહ છે. તેઓ ગુજરાતી ભાષામાં માંડણી કરે અને હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષામાં છાંટણી પણ કરે. અવતરણો અને ઉદાહરણોનો છૂટથી ઉપયોગ કરે. ઉપમા-અલંકાર ઊભાં કરે અને શબ્દપ્રાસ બેસાડે. રમૂજ કરી જાણે અને ગાંભીર્ય જાળવી રાખે. તેઓ હળવું વાતાવરણ ચોક્કસ ઊભું કરે પણ તેમને કોઈ હળવાશથી લે એવું ન બને. તેમના વર્ગમાં ટાંકણીપાત-શ્રવણક્ષમ શાન્તિ (પિનડ્રોપ સાયલન્સ) છવાયેલી રહે! મહેતાસાહેબની ઉચ્ચારશુદ્ધિ ઊડીને કાનને વળગે અને આચારશુદ્ધિ ઊઠીને હૃદયને સ્પર્શે.

* કોઈ માણસ પૂરેપૂરો ગુજરાતી હોઈ શકે, પરંતુ આપણે ત્યાં એકમાત્ર કાકા જ 'સવાઈ ગુજરાતી' હતા. કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) નામના ગદ્યપુરુષે ગુજરાતી ભાષા માટે નવા-નવા શબ્દોના દાગીના ઘડ્યા છે. કાકાસાહેબની ગેરહાજરીમાં, અમે ભદ્રંભદ્રીય શૈલીમાં 'એપ્રિલફૂલ' માટે 'અંગ્રેજીચતુર્થમાસારંભમૂરખદિન' જેવો શબ્દપ્રયોગ કરવાનું જોખમ વહોરીએ છીએ. કાકાના જમાનામાં પણ તારીખિયાના દટ્ટામાં પહેલી એપ્રિલનું પાનું ફરફર થતું હતું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કહેતા કે, એપ્રિલફૂલની મજાક સ્વદેશી નથી, પણ વિલાયતથી આવેલી છે.

* પ્રશ્નાર્થ વાક્ય પૂરું કરતાંની સાથે મેં ઘટ્ટહાસ્ય કર્યું.

No comments:

Post a Comment