Thursday, November 20, 2014

ખસખસ વિશે ખાસખાસ

ડૉ. અશ્વિનકુમાર
..........................................................................................................................

એ વખતે ‘એક શબ્દ સાથે એવો જ બીજો શબ્દ મફત’ જેવી કોઈ યોજના-યુક્તિ નહોતી. છતાં, છેક અગિયારમી સદીથી ‘ખસખસ’ શબ્દ તો વચ્ચે સહેજ પણ જગ્યા રાખ્યા વગર સાથે અને સળંગ જ બોલાય છે! આપણા અસલ વાસ્તુપૂજન-ભોજનમાં વાલનું શાક, પૂરી, દાળ, ભાત, અને ફૂલવડીની વ્યંજન-ટુકડીનો સુકાની તો લાડુ જ હોય છે. પરંતુ આ લાડુના અનિવાર્ય સૌંદર્ય-પ્રસાધન(મેઇક અપ) તરીકે ખસખસની સેવાની નોંધ આ જાલિમ જમાનાએ જેવી લેવી જોઈએ તેવી લીધી નથી. વધારામાં, અસંતોષી પ્રજા તરીકે આપણે કહેવત પણ આવી આપી : ‘દરિયામાં ખસખસ.’ જોકે, અહીં થોડીથોડી ખસખસની બદબોઈ કરતાં આખેઆખો દરિયો વધુ બેઆબરૂ થતો હોય એવું લાગે છે.

આપણા લહિયાઓએ રાઈ-અજમા કે જીરું-મરી વિશે ક્યારેક તો લખ્યું હશે પણ ખસખસ વિશે કાં અજ્ઞાન કાં ઉપેક્ષા સેવ્યાં હશે. સ્વાનુભવ અને સર્વાનુભવ કહે છે કે, ખસખસથી ભરેલી હથેળીઓમાં ઊછળી-ઊછળીને કે ખસખસથી છલકાતા પાત્રમાં આળોટી-આળોટીને લાડુ લાળ ટપકાવતું કેવું મોહક રૂપ ધારણ કરે છે! ‘પારકા ભાણે મોટો લાડુ’ એવી કહેવત કરીને આપણે લાડુને મોટો કરી દીધો, પણ નાની ખસખસની નાનકડી નોંધ પણ ન લીધી. આખા દેશની ખસખસની ચિંતા ન કરીએ તો કાંઈ નહીં. પરંતુ ગૂર્જરભૂમિની ખસખસને ઓછું ન આવે એ સારુ આજ મધરાતથી અમલી બને એ રીતે, આપણે ગુજરાતી ભાષામાં એક નવી કહેવત સાંતળવી રહી : ‘પારકા લાડુએ મોટી ખસખસ.’

આમ કે તેમ જોવા જઈએ તો, ‘ખસ’ શબ્દ કતાર કે ભીડમાં આગળ કે પાછળ નડતા માણસને સંભળાવવા માટે વપરાય છે. વળી, ‘ખસ’ શબ્દ એકલો જ વાપરીએ તો ચામડીના રોગ અંગે પહેલા કાચી શંકા જાય અને પછી પાકી ખંજવાળ આવે. પણ ‘ખસ’ શબ્દ બે વખત અને સળંગ બોલીએ એટલે લાડુસુંદરને વળગી પડેલી કણસુંદરી આપણી આંખ સમક્ષ આવે. જોકે, કળા-સૌંદર્યના મામલે નિર્મૂળ-નિષ્ફળ-નકારાત્મક માણસ તો વર્ણન પણ કંઈક આવું કરશે : ‘લાડુની બાહ્યગોળ સપાટી ઉપર ચોંટેલી ખસખસ, જાણે કે મેદસ્વી પુરુષના પેટ ઉપર થયેલી અળાઈઓ!’

ખસખસ દેખાવે કણીદાર અને સ્વભાવે ઉદાર પદાર્થ છે. આ બાબતની પહેલ વહેલી બાતમી હારિજના પા ડઝન પ્રયોગવીરોએ, હાલોલમાં અડધા અઠવાડિયા સુધી કરેલા સઘન સંશોધનના કારણે મળી છે. પૂર્ણ સમયના કંદોઈમાંથી ખંડ સમયના સંશોધક બનેલા આ મધુપ્રમેહ-ધારકોએ નમૂના તરીકે, હળવદમાં છેલ્લાં પોણાં પાંચ વર્ષમાં જન્મેલા, સવા સાત મણ લાડુઓ ઉપર પસંદગી ઉતારી હતી. કંદોધકો(કંદોઈઓ+સંશોધકો)ના સમગ્ર અભ્યાસનું અતિ અગત્યનું અને એક માત્ર તારણ એ હતું કે, ગમે તેવી દુર્ગમ પરિસ્થિતિમાં પણ ખસખસના બે કણો વચ્ચે એટલી જગ્યાનું નિર્માણ થતું હોય છે કે, ખસખસના એક નવા કણને બેસવા માટે પૂરતી જગ્યા મળી રહે છે. વળી, આ કિસ્સાની જોવા જેવી ખૂબી એ છે કે, ખસખસના નવા કણે પેલા બે કણોને સહેજ પણ “ખસ” કહેવું પડતું નથી!

ખસખસનો સ્વાદ ભલે ખાસ ન હોય પણ ખસખસને ટાળનારાં નર-નારી ભાગ્યે જ કોઈ હશે. કઢીના કિનારેથી મીઠો લીમડો, દાળના તળિયેથી કોકમનો કટકો, શાકના કોતરમાંથી ટમેટાંની છાલ કે ભાતની ભેખડમાંથી તજ-લવિંગનો ભારો કાઢનારા જથ્થાબંધ અને મોહનથાળની સપાટી ઉપરથી ચારોળી કાઢનારા મુઠ્ઠીભર માનવી મળી આવશે. પરંતુ, લાડુના દક્ષિણ કે ઉત્તર ગોળાર્ધમાંથી ખસખસ ખંખેરનારા વીરલાઓની તો આ પૃથ્વી ઉપર ‘કાતરધર્મી અવતરણપ્રક્રિયા’ (સિઝેરિયન ડીલિવરી) હજુ બાકી છે! ખસખસ પાસે નોંધપાત્ર કદ, આકાર, કે વજન નથી. તેનાં કોઈ ખાસ રંગ, સુગંધ, કે સ્વાદ નથી. પરંતુ ખસખસને નથી કોઈની ઇર્ષ્યા કે નથી કોઈ વિશે ફરિયાદ.

કોઈને ક્ષણભર કે કણભર પણ વ્યાધિ કે વીતક પહોંચાડવાં એ ખસખસને સ્વપ્ને પણ કબૂલ નથી. દાંતમાં ભોજન બાદ જીરું-અજમો-રાઈ કે મુખવાસ બાદ ધાણાદાળ-વરિયાળી-સોપારી ભરાય એવું બને. પરંતુ દાંતમાં ખસખસ ફસાઈ ગયાની ફરિયાદ આદિ માનવથી માંડીને અનાડી દાનવ સુધી કોઈએ શું કામ કરવી પડે? ભોજન દરમિયાન કે બાદ પણ કોઈને નડવું નહીં એ ખસખસ સિવાય જગતનો કયો ખાદ્ય પદાર્થ આપણને શીખવવાનો હતો? હા, ખસખસની લાગણી ત્યારે જ દુભાય છે જયારે એની સાથે રાજગરાની ભેળસેળ કરીને માણસો છેતરપિંડી કરે છે. છતાં વારે-તહેવારે રાજગરાને મહેણાં-ટોણાં મારીને તેને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવવાનું, જગતના ઇતિહાસ કે ભૂગોળની એક પણ ખસખસના સ્વભાવમાં નથી.

આપણે કેટલા પામર-પોકળ માનવી છીએ કે, વાતે-વાતે અને વાટે-વાટે તલાટી-મામલતદારથી માંડીને મુખ્યમંત્રી-વડાપ્રધાનના નામની (કેવળ નામની!) ઓળખાણ કાઢતા હોઈએ છીએ. જયારે રસોડાની છાજલી ઉપર સામેની બરણીમાં ભરાયેલી રાઈ દાંતિયાં કરતી હોય તોપણ, કોઈ ખસખસ તેને લાડુના નામની ઓળખ કે બીક બતાવતી નથી. લાડુની સાથે આટઆટલા ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં લાડુના નામે ચરી ખાવાનું ખસખસને મંજૂર નથી. આપણે લાડુ ચાવી જાણીએ છીએ, ખસખસ લાડુ પચાવી જાણે છે. ઝાઝી કીડીઓ સાપને તાણી શકે તો ખાસ્સી ખસખસો લાડુને ગબડાવી જ શકે. પરંતુ, ખસખસ તો લાડુને લાડ લડાવી જાણે છે. ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રત્યેની બ્રહ્માંડની શ્રદ્ધા જળવાઈ રહે એ કાજે, ખસખસ લાડુ તરફ ખેંચાવાનું પસંદ કરે છે. પોતાના અહંકારને ઓગાળવો એ ખસખસનો જીવનમંત્ર છે.

લાડુરાજા અને ખસખસરાણીની જુગલબંદી જુગજુગ સુધી જીવતી જ રહેવાની છે. કોઈ બહુ(ધૃત)રાષ્ટ્રીય કંપની કે ઉદ્યોગગૃહ ખસખસનાં ચોકલેટ-આઈસક્રીમ અને પિત્ઝા-બર્ગર બનાવે અથવા કોઈ વહુઉદ્યમિતા કે ગૃહઉદ્યોગ ખસખસનાં ખાખરા-સક્કરપારા અને ચકરી-પૂરી બનાવે તોપણ તેઓ લાડુ અને ખસખસની જોડી તોડી-ફોડી નહીં શકે. હાલ પૂરતું, આપણે ધન્યતાનો ત્વરિત અનુભવ કરવો હોય તો આ લેખમાં ચોંટાડેલાં અનુસ્વારોમાં અને બેસાડેલાં પૂર્ણવિરામોમાં ખસખસનાં દર્શન કરીએ. હવે પછી ક્યાંય લાડુનું જમણ કરવાના હોઈએ તો ખસખસનું ખાસ સ્મરણ કરીને તેનો પહેલાં ઋણસ્વીકાર અને પછી કણસ્વીકાર કરીએ.

..........................................................................................................................

સૌજન્ય : 

'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume VII, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 112


No comments:

Post a Comment