Thursday, March 2, 2017

સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

કલમની સાથેસાથે ચશ્માંથી વધુ લોકપ્રિય થયેલા તારક મહેતાએ કરોડો ચાહકોને હસતાં કરીને વિદાય લીધી. 'એક્શન રીપ્લે' નામની આત્મકથામાં તારક જનુભાઈ મહેતા કહે છે કે, 'મારા લેખ એટલે નાટક, વાર્તા, અને નિબંધનું મિશ્રણ છે.' તા.જ.મ.ની ગુજરાતી કતાર 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર આધારિત હિંદી ટેલીવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઊલટાં ચશ્માં'થી દર્શકો ગમે ત્યારે હાસ્યાસન કરતા થઈ ગયા છે. 'ચશ્માં' નામની ચીજને સાચી રીતે અને ગંભીરપણે જોઈએ તો મહાત્મા ગાંધી યાદ આવે. ચશ્માંને ઊંધાં રાખીને હળવાશથી લઈએ તો તારક મહેતા યાદ આવે! જીવનને નાટકની જેમ અને નાટકને જીવનની જેમ ભજવનાર તારકભાઈએ દેહદાન થકી, અઠ્ઠયાશીમા વર્ષે મેડિકલ કૉલેજમાં પણ અનોખો 'પ્રવેશ' મેળવી લીધો. યમરાજ પૂછે કે, 'તારકભાઈ, હવે ક્યાં રહેવું ફાવશે?' ઊંધાં ચશ્માંને ફરી એક વખત ઊંધાં કરતાં, તારક મહેતા એવું પણ કહે કે, 'યમભાઈ, મને પણ તમારી જેમ સ્વર્ગમાં રહેવું ન પોસાય. વળી, હું તો પૃથ્વી ઉપર પણ 'પેરેડાઈસ પાર્ક'માં રહેતો હતો. તમારાં ચશ્માંની નહીં, પણ આંખોની શરમ રાખીને હું નર્કમાં રહેવાનું પસંદ કરું. કારણ કે, એક નાટ્યકાર અને હાસ્યલેખકને સર્જન માટે જોઈતો જથ્થાબંધ મસાલો નરકમાં મળી રહેવાનો!'

………………………………………………………………………………………………

સૌજન્ય :
સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!,
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮

No comments:

Post a Comment