Friday, May 8, 2020

જાતે વાળ કાપવાના પ્રયોગો


જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટ્યો તેમ હજામની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. હજામત તો વિલાયત જનારા સહુ હાથે કરતાં શીખે જ. પણ વાળ કાપવાનું કોઈ શીખતા હોય એવો મને ખ્યાલ નથી. પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી, ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો. મને દુ:ખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીદ્યો ને અરીસાની સામે ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમતેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ. 
'તારે માથે ઉંદર ફરી ગયા છે?' 
મેં કહ્યું : 'ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે? એટલે જેવાતેવા પણ હાથે કાપેલા વાળ મને વધારે પ્રિય છે.' 
આ જવાબથી મિત્રોને આશ્ચર્ય ન થયું. ખરું જોતાં પેલા હજામનો કશો દોષ નહોતો. જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

- મોહનદાસ કરમચંદ ગાંધી
(સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી)

No comments:

Post a Comment