Sunday, June 13, 2021

આજથી તાપી તટે ‘દિવાદાંડી’ની ભૂમિકામાં ‘લોકસત્તા-જનસત્તા’ અખબાર




આ એ ભૂમિ છે, જ્યાં નર્મદે ‘દાંડિયો’ પીટયો હતો. આ એ ભૂમિ છે જેણે પરતંત્ર ભારતને દાંડીની દિશા દાખવી હતી. એ ભૂમિ પર આજે ‘સત્ય’ વધુ એકવાર ‘દિવાદાંડી’ બનવા ખડું થઈ રહ્યું છે - નીડર અને નિષ્પક્ષ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ સ્વરૂપે.

આ દિવાદાંડીનો પ્રકાશ દિશાભાન ભૂલેલા શાસકોને સાચા માર્ગે વળવા આંગળી ચિંધશે. ન્યાય અને અધિકાર પેટે સવલત-સુવિધાઓ માટે ઝઝુમતા નાગરિકો કાજે ‘મશાલ’ રૂપે પ્રગટશે. ચોથી જાગીર તરીકેની રચનાત્મક અને જરૂર પડયે કઠોર ભૂમિકા ભજવવાના ફોલાદી સંકલ્પ અને સ્વભાવ સાથે ‘લોકસત્તા-જનસત્તા’ આજથી સુરતની પોતાની સ્વતંત્ર-અલાયદી આવૃત્તિ સાથે આપની સમક્ષ પ્રકટ થઈ રહ્યું છે.

દીર્ઘકાળ સુધી વડોદરા-સુરત ખાતેથી ‘લોકસત્તા’ અને અમદાવાદ તથા રાજકોટ ખાતેથી ‘જનસત્તા’ના મથાળા હેઠળ પ્રકાશિત થઈ ૧૯૫૨થી ગુજરાતના તમામ ક્ષેત્રે અસરકારક ભૂમિકા ભજવનાર એક સમયના પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર જૂથની ગુજરાતી આવૃત્તિઓ તરીકે માન-મોભો મેળવનાર ‘લોકસત્તા-જનસત્તા’ હવે વડોદરા સ્થિત ઈન્કપોટ પબ્લિકેશન પ્રા.લિ.ની માલિકીનું બન્યું છે. આ ગાળા દરમિયાન વચ્ચેના થોડા સમય અખબારી વિશ્વમાં પાછલી હરોળમાં ધકેલાઈ ગયેલું ‘લોકસત્તા-જનસત્તા’ હવે પુનઃ નવા જાેમ-જુસ્સા અને ઝનૂન સાથે છેલ્લા પાંચ વર્ષથી આગેકૂચ કરી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે વડોદરા ઉપરાંત અમદાવાદ આવૃત્તિનું પ્રકાશન સફળ રીતે સંપન્ન થયા બાદ આજે હવે આ અખબાર એની ત્રીજી સ્વતંત્ર આવૃત્તિ તરીકે ‘સુરત’ની ભૂમિ પર ડગ માંડી રહ્યું છે.

તંદુરસ્ત લોકશાહી માટે અનિવાર્ય એવી ચોથી જાગીરના મોકળા મેદાનમાં આ અખબાર વધુ એકવાર અસરકારક ભૂમિકા સાથે પોતાની ખ્યાતિના ઝંડા ગાડશે એમાં કોઈ બેમત નથી. અલબત્ત, આ માટે સહૃદયી વાચકો, વિતરકબંધુઓ અને વિજ્ઞાપનકારોની હૂંફ અને સહકાર અનિવાર્ય જ હોય એ સ્વાભાવિક છે અને એ અમને મળશે જ એવી અમને આશા છે.

દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં વવાઈ રહ્યું આ બીજ જાેતજાેતામાં ઘટાદાર વૃક્ષ બને એવી આપના અને ઈશ્વર ચરણે પ્રાર્થના...

લિ. અનિલ દેવપુરકર 
ગ્રૂપ એડિટર 

સંજય શાહ
સી.એમ.ડી. (ઈન્કપોટ પબ્લિકેશન પ્રા.લિ.)

No comments:

Post a Comment