'સને ૧૯૪૦ના બીજા વિશ્વયુદ્ધ વખતે વિદ્યાપીઠમાં સોજિત્રાના બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમના પિતાશ્રી બોર્નિયોમાં હતા. ત્યાંથી તેમણે સેન્ટ્રલ બૅન્કને તાર કરી એ વિદ્યાર્થીઓના ખર્ચ માટે વિદ્યાપીઠને રૂ. ૨૦૦૦/- આપવા જણાવ્યું. પણ સેન્ટ્રલ બૅન્કે માત્ર તારના આધારે રૂપિયા આપવાની ના પાડી અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની જામીનખત ઉપર સહી કરવાની સૂચના કરી. શ્રી ઇન્દુમતીબહેનને વાત કરતાં તેમણે તરત જ આ વાત સ્વીકારી અને બૅન્કમાં આવી જામીનખત ઉપર સહી કરી આપી. એમને રૂ. ૨૦૦૦/- અપાવ્યા. આ બે વિદ્યાર્થીઓ પૈકીના એક શ્રી કાન્તિભાઈ પટેલ આજે જાણીતા શિલ્પી છે અને અમદાવાદમાં ગાંધીપુલના નાકે ગોઠવાયેલું ગાંધીજીનું બાવલું તેમણે બનાવ્યું છે. તે ઉપરાંત તેમણે સરદાર વલ્લભભાઈ, ભાઈકાકા, વિઠ્ઠલભાઈ પટેલ વગેરેનાં બાવલાં બનાવ્યાં છે અને થોડા સમયમાં અમેરિકામાં - ન્યૂ યૉર્કમાં મુકાનારું ગાંધીજીનું બાવલું પણ તેમણે તૈયાર કર્યું છે.' (પૃષ્ઠ : ૮૩)
No comments:
Post a Comment