Friday, October 22, 2021

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતાપકુમાર-સુમિત્રાબહેન દ્વારા ગાંધીગીતોની પ્રસ્તુતિ


પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં ૨૨-૧૦-૨૦૨૧ના રોજ પ્રતાપકુમાર ટોલિયા (જન્મ : ૨૧-૧૦-૧૯૩૦) અને એમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયાએ ગાંધીગીતો રજૂ કર્યાં. સંયોજક ડૉ. કમલેશ પટેલે ટોલિયા યુગલનો પરિચય આપ્યો હતા. આ પ્રસંગે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા.

પ્રતાપકુમાર ટોલિયા જૈન ધર્મના વિદ્વાન, મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રના અભ્યાસી, અને ગીતસંગીતકાર છે. પ્રતાપકુમારને આશરે બે હજાર જેટલાં ગીતો કંઠસ્થ છે. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૫૮ના સમયગાળામાં વિનોબાજીની વિવિધ પદયાત્રાઓમાં સંગીતપ્રસ્તુતિ કરી હતી. તેમણે વીસ હજાર વિદ્યાર્થીઓને 'ઓમ તત્સત્ શ્રી નારાયણ તું'નું પ્રાર્થનાગીત શીખવ્યું હતું. તેનું સમૂહ ગાન 20-12-1958ના રોજ સાબરમતીના તીરે વિનોબાજીની હાજરીમાં કરાવ્યું હતું. મૂળે અમરેલીના વતની પ્રતાપકુમાર ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા.

પ્રતાપકુમાર ટોલિયાએ ઈ. સ. ૧૯૬૯માં ગાંધી-શતાબ્દી ટાણે સાબરમતીથી દાંડી સુધીની યાત્રા કરી હતી. તેઓ પદયાત્રામાં સિતાર સાથે મોખરે ચાલતા હતા. પ્રતાપકુમાર ટોલિયાએ 'જનસત્તા' દૈનિકમાં 'દાંડીપથને પગલે પગલે' નામની કતાર દ્વારા પદયાત્રાના અનુભવોનું આલેખન કર્યું હતું. સંગીતસમર્પિત પ્રતાપકુમાર અને સુમિત્રાબહેન બેંગલુરુમાં રહે છે. વયોવૃદ્ધ અને અનુભવસમૃદ્ધ ટોલિયા દંપતી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસંગોપાત્ત આવીને જૂનાં ગાંધીગીતોને નવી પેઢી સુધી પહોંચાડે છે.

સુમિત્રાબહેન- પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

No comments:

Post a Comment