Saturday, February 3, 2024

રમેશ બી. શાહ || અશ્વિનકુમાર



રમેશ બી. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર




રમેશ બી. શાહ (૧૪-૧૧-૧૯૩૬)

જન્મ : ૧૪મી નવેમ્બર, ૧૯૩૬, દેત્રોજ. અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક છે. તેમણે પ્રાધ્યાપક ઉપરાંત લેખક, પારિભાષિક કોશકાર, અનુવાદક અને સંપાદકની વિધવિધ ભૂમિકા ભજવી છે. રમેશભાઈએ દેત્રોજમાં પ્રાથમિક શિક્ષણ અને અમદાવાદમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ૧૯૬૧માં અર્થશાસ્ત્રમાં પારંગત થઈને હરિવલ્લભ કાળીદાસ વિનયન કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તરીકે નિમાયા. તેઓ ૧૯૯૭માં સેવા-નિવૃત્ત થયા.

રમેશ શાહે કેટલાંક પાઠ્યપુસ્તકોનું લેખન કર્યું છે. તેમણે ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા સાથે ‘આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર' નામનું પાઠ્યપુસ્તક લખ્યું છે. જે પારંગત કક્ષાના વિદ્યાર્થીઓ સારુ સમજસભર સ્રોતપોથી છે. રમેશભાઈ ‘ભારતીય અર્થતંત્ર' (જ્ઞાનગંગોત્રી શ્રેણી, ગ્રંથ-૨૮)ના એક સહલેખક છે. તેમણે ગુજરાતના શિક્ષણ-જગતને અર્થશાસ્ત્રના 'પારિભાષિક કોશ'ની ભેટ ધરી છે. રમેશ બી. શાહ સરદાર પટેલ આર્થિક અને સામાજિક સંશોધન સંસ્થાન (એસ.પી.આઈ.ઈ.એસ.આર.) દ્વારા પ્રસિદ્ધ થતા અર્ધવાર્ષિકી 'માધુકરી'ના સહસંપાદક તરીકે ૧૯૭૪થી સેવારત છે.

રમેશ બી. શાહે ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતા 'દૃષ્ટિ' માસિકના સંપાદક તરીકે લગભગ પંદર વર્ષ સેવા આપી છે. તેઓ ગુજરાતી ભાષાના આદિસામયિક 'બુદ્ધિપ્રકાશ'ના સંપાદક તરીકે કાર્યરત છે. તેમણે 'મુંબઈ સમાચાર', 'ફાયનાન્સિઅલ એક્સપ્રેસ' જેવાં દૈનિકોમાં કતારલેખન કર્યું છે. તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ'ની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે.

રમેશભાઈએ વિવિધ સમાચારપત્રોમાં અને વિચારપત્રોમાં પ્રસિદ્ધ થયેલા તેમના લેખોના સંચય થકી આપણને 'બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો' (૨૦૦૪) જેવું વિચારપ્રેરક પુસ્તક આપ્યું છે. આ પુસ્તક લેખકો, પત્રકારો, અધ્યાપકો, કર્મશીલો સહિતના બૌદ્ધિકોને સમૃદ્ધ વિચારથાળ પૂરો પાડે છે. રમેશભાઈ સામાન્ય વિચાર-ધારાથી સાવ જુદો તર્ક એવી રીતે રજૂ કરે છે કે એ તર્કથી સાવ જુદી વિચાર-ધારા પણ છેવટે તેમની સાથે સંમત થાય છે.

રમેશભાઈના જીવન ઉપર વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળાના કવનની ઘેરી અસર છે. આ બંનેના સાહિત્યના વિશેષ વાચનથી રમેશભાઈની લાક્ષણિક વિચારશૈલી વિકસી છે. રમેશ બી. શાહે ‘વિનોબાની વાણી' (૨૦૦૮) નામના ગ્રંથનું નમૂનારૂપ સંપાદન કર્યું છે. રમેશભાઈએ ‘હિન્દ સ્વરાજ' : અહિંસક સમાજની દિશામાં (૨૦૦૮) પુસ્તિકા થકી ગાંધીવિચારની મૌલિક રજૂઆત કરી છે.

- અશ્વિનકુમાર

સૌજન્ય : 

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૨)
[૧૯૩૬થી ૧૯૫૦]
સ્વાતંત્ર્યોત્તર યુગ - ૨
(નવલકથાકારો, વાર્તાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો-સંપાદકો)

સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ
સંદર્ભ સહાયક : ઇતુભાઈ કુરકુટિયા
પરામર્શક : રઘુવીર ચૌધરી

પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ISBN : 978-81-939074-1-2

પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૮
પૃષ્ઠ : ૩૧૯-૩૨૦

No comments:

Post a Comment