Monday, December 18, 2017

માધ્યમ-નોંધ (મીડિયા-નોટ)

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત અનૂદિત પુસ્તક મેળો

માતૃભાષાની સેવાના સામાન્ય ઉદ્દેશથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ મળીને 'અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે. ભારતની વિભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ વાઙમય ગુજરાતીમાં ઉતારવું અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ દેશની અન્ય ભાષાઓમાં અનૂદિત થતી રહે તેને પ્રોત્સાહન આપવું એ અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રી નારાયણભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. તેનું કાર્યાલય ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં છે.

ઉપર મુજબના ઉદ્દેશ પ્રમાણે ભારતીય ભાષાના ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવીને ઉપલબ્ધ કરાવવાનો પ્રકલ્પ અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાથ ધર્યો છે. તેમાં અત્યાર સુધી પાંચ અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે. વળી, અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાલની કામગીરીમાં ગાંધીજીના ‘અક્ષરદેહ‘નો 91મો ગ્રંથ કે જે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી તેની કામગીરી હાથ ધરી છે. ગાંધીજીના હાથે ગુજરાતીમાં લખાયેલા મૂળ પત્રોને મેળવી તેને ઉકેલી અને અંગ્રેજી પત્રો તેમજ હિન્દી પત્રોના અનુવાદ કરાવી તે ગ્રંથસ્થ કરવાનું કામ હાલ કરી રહ્યું છે.

અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઈ.સ. ૨૦૧૨માં અનૂદિત પુસ્તકમેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલાં પુસ્તકોનો મેળો તારીખ 20 થી 24 ડિસેમ્બર 2017 દરમિયાન સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ મુકામે બપોરે 2.00થી રાત્રે 8.00 વાગ્યા સુધી યોજાશે. જેમાં, વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં અગિયારસોથી વધુ પુસ્તકોનું વેચાણ થશે.

અનૂદિત પુસ્તક મેળાનું ઉદઘાટન કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં તારીખ 20-12-2017 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી કુમારળપાળ દેસાઈના વરદ હસ્તે થશે.

-------------------------------------------------------------------------------------------------------

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન 

'અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તા. 24-12-2017ના રોજ શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત સુશ્રી રાધાબહેન ભટ્ટ ‘લોગોં કે ગાંધી લોગોં તક‘ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં હીરક મહોત્સવ સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે સવારે 10.30 કલાકથી 12.00 કલાક દરમ્યાન યોજાશે. 

રાધાબહેન ભટ્ટ ગાંધીવિચારક અને સમાજસેવિકા છે. તેઓ 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'નાં પૂર્વ પ્રમુખ તરીકે કાર્યરત હતાં. રાધાબહેન હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહ્યાં છે.

No comments:

Post a Comment