Sunday, June 2, 2013

ડૉ. રતન રુસ્તમજી માર્શલ


- અશ્વિનકુમાર   
-------------------------------------------------------------------------------------------------------

"ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ" જેવો શબ્દપ્રયોગ આંખે-કાને-જીભે આવતાંની સાથે જે વિદ્યાપુરુષનું ઝટ દઈને સ્મરણ થાય તેમનું નામ ડૉ. રતન રુસ્તમજી માર્શલ જ હોવાનું! જિંદગીના એકસોમા જન્મદિનની  ઉજવણીમાં સહભાગી-સદ્દભાગી  થયા બાદ, તેમનું નિધન ૧૬-૦૧-૨૦૧૧ના રોજ અમદાવાદમાં થયું. ૧૪-૧૦-૧૯૧૧ના રોજ  ભરૂચમાં જન્મેલા, 'પારસીઓના વિશ્વકોશ' સમાન માર્શલસાહેબ 'સુરતનું ઘરેણું' હતા.તેઓ 'સુરત પારસી પંચાયત' તેમજ 'નર્મદ સાહિત્ય સભા' સાથે દાયકાઓ સુધી સંકળાયેલા રહ્યા. તેઓ સામાજિક કાર્યકર, નાટ્યકર્મી, સંશોધક, ઇતિહાસવિદ્દ અને લેખક હતા. ર.રુ.મા. અદભૂત અવાજ અને રમૂજ ધરાવનાર ઉત્તમ વક્તા અને નેકદિલ બંદા હતા.

રતન માર્શલ મુંબાઈ વિદ્યાપીઠના ગુજરાતી સાહિત્ય વિભાગમાં વિદ્યાવાચસ્પતિ(પી.એચડી.)ની પદવી મેળવનાર સૌપ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે ઈ.સ.૧૯૪૯માં 'ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ' શીર્ષક હેઠળ  સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું. આ મહા નિબંધના માર્ગદર્શક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી અને નિર્ણાયક કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા હતા. આ સંશોધન-નિબંધ ઈ.સ. ૧૯૫૦માં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેને મુંબઈ સરકાર દ્વારા ઈ.સ. ૧૯૫૬માં એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું.


રતનજી આજીવન વિદ્યાવ્યાસંગી રહ્યા. મૂળે તો તેઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયેલા. પાંસઠની વય વટાવ્યા બાદતેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યોએ પણ પોતાના પુત્ર રુસ્તમ સાથે! પોતાનાથી ઘણી નાની વયના અધ્યાપકોના વર્ગોમાં અતિ નિયમિત હાજરી આપીને, માર્શલસાહેબ કાયદાના સ્નાતક થયા. આયુષ્યના નેવુમા વર્ષના પ્રવેશ વખતે તેમણે 'કથારતન' નામે આત્મકથા લખી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ઈ.સ.૨૦૦૦માં તેમનું વિદ્યાવારિધિ(ડી.લિટ.)ની માનદ પદવીથી સન્માન થયું.


રતન માર્શલે પંદરેક પુસ્તકો લખ્યાં છે. 'મોંઘું ઘરેણું' તેમનો પ્રથમ નિબંધ સંગ્રહ છે. તેમણે ચાળીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૫૧માં મુંબઈનાં સેવા-સમર્પિત સ્ત્રીરોગ-તબીબ ડૉ.ફ્રેની હોરમસજી બીલીમોરીઆ સાથે લગ્ન કર્યાં. એમનાં પત્ની ફ્રેનીએ મુંબઈના દાકતરી વ્યવસાયમાં મળતાં નામ-દામ જતાં કરીને, સુરતમાં ગરીબ દર્દીઓની આજીવન સેવા-સારવાર કરી. રતન માર્શલની એક કૃતિનું નામ 'ફ્રેનીમારી અર્ધાંગિની' છે.

રતન રુસ્તમજી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. ભરૂચમાં ૨૩-૦૩-૧૯૭૦ના રોજ ભૂકંપ આવ્યો ત્યારે તેઓ દિવસો સુધી રાહત અને પુનર્વસન કાર્યમાં જોડાયેલા રહ્યા. એ સમયે તેમણે 'જામે જમશેદ'ના પ્રવાસી પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત તેઓ 'નરીમાન હોમ એન્ડ ઇન્ફરમરી', 'નરીમાન પારસી ઝોરોષ્ટ્રીઅન ગર્લ્સ ઓર્ફનેજ', 'પાર્વતીબાઈ રક્તપિત્ત આશ્રમ' અને 'લેડી વિલ્સન લેપ્રસી ક્લિનિક' જેવી સમાજ-સંસ્થાઓ સારુ સેવારત રહ્યા.

ર.રુ.મા. મજાકમાં કહે છે : "મારું રતન નામ ગુજરાતીનુંમારા પિતાનું રુસ્તમ નામ ઈરાનીનું  અને મારી અટક માર્શલ અંગ્રેજની. છે ને મારા નામમાં વિશ્વબંધુત્વની ભાવના!" ('કથારતન', ૨૦૦૩, પૃ.૧૮) આપણે ગુજરાતી હોવાના સીમિત ગૌરવ-વર્તુળની બહાર જઈને જગત-નાગરિક તરીકેની વ્યાપક ઓળખ-ક્ષિતિજ તરફ ડગ માંડતાં રહીએ. ગુજરાતના બૌદ્ધિક-જગતમાં સ્વાધ્યાય, સંશોધન, સાહિત્યસર્જનની સાથેસાથે સંવેદના, સમજણ અને સેવાભાવના વિસ્તરતી રહે, એ જ માર્શલસાહેબ જેવા શતાબ્દી-પુરુષને આપેલી સો સો સલામ છે.

---------------------------------------------------------------------------------------------

સૌજન્ય : 
'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦

-------------------------------------------------------------------------------------------------------


No comments:

Post a Comment