Saturday, June 15, 2013

કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ

- અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.........................................................................................................................................

ગાંધીજી ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ અને એ અર્થમાં ખરેખર અદ્વિતીય કુલપતિ રહ્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં ગાંધીજી કુલપતિ(ચાન્સેલર)ના નાતે હાજર રહ્યા હતા. અનિવાર્ય કારણોસર તેમનું ભાષણ મહામાત્ર(રજિસ્ટ્રાર) દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મહાદેવ દેસાઈએ લખેલો હેવાલ મૂળ અંગ્રેજીમાં 'યંગ ઇન્ડિયા'(૧૦-૧૨-૧૯૨૫)માં અને અનુવાદ 'નવજીવન'(૧૩-૧૨-૧૯૨૫)માં પ્રગટ થયો હતો.

આ ભાષણની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સમક્ષ અભિનંદન અને અપેક્ષાભાવ વ્યક્ત કરતાં ગાંધીજી કહે છે : "જે જે વિદ્યાર્થીઓએ પદવી અને પારિતોષિકો મેળવ્યાં તેને સારુ તેમને હું ધન્યવાદ આપું છું, તેમને દીર્ઘાયુ ઇચ્છું છું ને તેઓ મળેલા દાનથી પોતાને અને દેશને શોભાવે એમ ઇચ્છું છું." આ ભાષણના સમાપનમાં વિદ્યાર્થીઓને આશ્વાસન અને આશીર્વચન આપતાં ગાંધીજી કહે છે : "વિદ્યાર્થીગણ ! તમે ધીરજ રાખજો. તમે તમને પોતાને સ્વરાજના સાચા સેવક ગણજો. એવા સેવકને ન ઘટે એવું એક પણ કાર્ય ન કરજો, એવો એક પણ શબ્દ ન ઉચ્ચારજો, એક પણ વિચાર ન કરજો. ઈશ્વર તમારું કલ્યાણ કરો."

આ તો બાબત થઈ ભાષણના આદિભાગ અને અંતભાગની. પણ ગાંધીજીએ આ ભાષણ અહીંથી શરૂ કર્યું અને તહીંથી પૂરું કર્યું એટલે વાત અને વિગતની વાવ પુરાઈ જતી નથી. અસલી મુદ્દો તો ભાષણના મધ્ય ભાગમાં આવે છે. આ મધ્ય ભાગની મધ્યમાં વિદ્યાર્થીઓ છે અને એની મધ્યમાં છે વિદ્યાર્થીઓ સારુ જીવન જીવવાની જડીબુટ્ટી! ગાંધીજીના ભાષણના આ મધ્ય ભાગને સરવા કાને સાંભળીએ : 

"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન પડીએ. આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ. જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે, જે પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."

શાળાઓ અને મહાશાળાઓ, છાત્રાલયો અને ગ્રંથાલયો, શિક્ષણ-સંસ્થાનો અને પ્રશિક્ષણ-દુકાનો, કુલપતિ-કાર્યાલયો અને વિશ્વવિદ્યાલયોનાં પ્રવેશદ્વાર પાસે, જ્યાંથી વિદ્યાર્થીઓ પસાર થતાં હોય તે સર્વે સ્થળે ઉપરોક્ત ત્રેસઠ શબ્દો મોટા અક્ષરે મઢવા જેવા છે. ગાંધીનિર્વાણ(૧૯૪૮-૨૦૧૧)ને આ સાલ ત્રેસઠ વર્ષ થયાં છે. ગાંધીના આચાર-વિચારનો જાદુ એવો છે કે એમના ભાષણના આ ત્રેસઠ શબ્દો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ નહીં પણ આખો સૂરજ બની શકે એમ છે. આજના અને એ જ આગળ-પાછળ ક્રમમાં ગઈ કાલના અને આવતી કાલના વિદ્યાર્થીઓ નિરાશાથી મુક્ત હોય એવું ભાગ્યે જ બને. આવા વિપદા-વખતમાં બળ મેળવવા વિદ્યાર્થીઓ જગ ભણી વધુ જુએ છે, જાત ભણી ઓછું ! બહારથી આવતા ધક્કાથી ટેવાઈ અને હવાઈ ગયેલા વિદ્યાર્થીઓ આંતરિક ધક્કા માટેના પોતીકા પ્રયાસો કરવાનું માંડી વાળે છે. વળી, વિદ્યાર્થીજીવનમાં આસ્થા અને વ્યવસ્થા એવી હોવી જોઈએ કે તેને આત્મશ્રદ્ધા અને અભયદાન પ્રાપ્ત થાય. જોકે, ગાંધીજીના મતે, સૌથી મોટો અધિકાર તો ફરજ બજાવવાનો છે ! માટે જ, અધિકારનું શસ્ત્ર ઉગામતાં વિદ્યાર્થીઓએ ફરજના શાસ્ત્રને ગમાડવું જ રહ્યું. જો આમ થાય તો, ગાંધીની આત્મશ્રદ્ધાના સહવાસે, વિદ્યાર્થીઓ બહિર અંધકાર સામે અંતર અજવાશથી ટકી શકે. અહીં સવાલ ગાંધી-નિયતનો નહીં પણ સ્વ-દાનતનો છે.

આપણા મુલકમાં રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને માથા નહીં પણ હાથા બનાવે છે. કહેવાતા ધર્મગુરુઓ (ખરેખર તો અધર્મલઘુઓ !) આધુનિક શિષ્યોની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ અને નષ્ટ કરી નાખે છે. મોટા ભાગે સ્વ-નીંભર જાહેર સંસ્થાઓ અને સ્વ-નિર્ભર ખાનગી સંસ્થાનો કેળવણી નહીં, કેવળ કાગળો આપે છે. વળી, બજારવાદી પરિબળો કુમળી-કાચી અને કુમાર-કિશોર પેઢીનું જતન ઓછું કરે છે અને પતન વધારે કરે છે. આધુનિક પ્રત્યાયન-સાધનો તરુણ-યુવાન માનસને આભાસી જગતમાં મસ્ત, વ્યસ્ત અને છેવટે અસ્ત કરે છે. પ્રેરણાનાં તૈયાર પડીકાં વેચતાં અને વ્યક્તિત્વ-વિકાસના નામે માપ વગરનાં કપડાં પહેરાવતાં ગઠિયાઓનાં પાંચે આંગળાં ઘીમાં અને ગરજવાનોની એકમાત્ર આશા ધૂળમાં મળતી હોય છે. આ ઉપરાંત ક્યારેક તો આપણા શિક્ષણ-સમાજમાં વિદ્યાર્થી શારીરિક કે માનસિક સતામણી, આર્થિક કે હાર્દિક છેતરામણીથી ત્રસ્ત અને પરાસ્ત થઈ જાય છે. છેવટે મોતને બાથ ભરનાર એ વિદ્યાર્થી સમાચારના શીર્ષક સિવાય ભાગ્યે જ કશું બની શકતો હોય છે. આવા સંજોગોમાં આ ગાંધી-શબ્દગુચ્છનાં સહવાસ અને સુવાસને એકવાર પણ જાણનાર-માણનાર વિદ્યાર્થીની જિંદગી ખુદ બાગબાગ થઈ જશે !
.........................................................................................................................................
(' અભિદૃષ્ટિ ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ: ૨૧-૨૨)


No comments:

Post a Comment