અશ્વિનકુમાર
અધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
બીજાં વર્ષોથી ખાસ કાંઈ નોખું નહીં એવું, ઈ.સ. ૨૦૦૪-૨૦૦૫નું એ વર્ષ હતું. તારીખિયા ઉપર દૃષ્ટિ કરો તો એને ચોમાસાની ઋતુ ગણવી પડે. આકાશ સામે નજર માંડો તો એ દિવસોમાં પણ વરસાદ નહોતો. શિક્ષણમાં તેજનું પ્રમાણ તો માપી રહ્યો નહોતો પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પામી રહ્યો હતો. વગર શરીરશ્રમે પરસેવો પાડતાં-લૂછતાં, આવી એક કોરીધાકોર બપોરે વર્ગખંડમાં જ્ઞાનના નામે માહિતીનું પૂર લાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો. હું પાછો પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનનો વ્યાખ્યાતા ખરો ને, એટલે એવો વિશેષ આગ્રહ રાખું કે હું બધા વિદ્યાર્થીઓ ઉપર આંખ ફેરવ્યા કરું, પણ દરેક વિદ્યાર્થી મારી સામે નજર માંડી રાખે. આવું કરવાથી વર્ગમાં 'નયનસેતુ' સ્થાપિત કર્યાનો આભાસી આનંદ લઈ શકાય.
આમ છતાં, 'શિસ્તાચાર એ જ શિષ્ટાચાર'ના ધ્યાનમંત્રને મ્યાનમંત્રમાં નાખી દઈને, પત્રકારત્વનો એક વિદ્યાર્થી આંખથી કેવળ અધ્યાપક નહીં, કશુંક વ્યાપક જોઈ રહ્યો હતો! તે બારીમાંથી દેખાતું ઊભું લંબચોરસ આકાશ નિહાળી રહ્યો હતો. આ વિદ્યાર્થીનું ધ્યાન મારી સામે નહોતું એટલે મારું ધ્યાન વારે ઘડીએ એની સામે જતું હતું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સામે વધારે અને મારી સામે ઓછું જોવા લાગ્યા. આમ, સમગ્ર વર્ગખંડમાં સવિનય ધ્યાનભંગની ચળવળ જોર પકડવા લાગી. નિર્ધારિત અભ્યાસ-મુદ્દાને સીમિત સમયમર્યાદામાં ન્યાય આપવાનો (સાચો શબ્દ : 'પતાવી દેવાનો') હોવાથી એ વખતે તો એ વિદ્યાર્થીને રોકવા-ટોકવાનું ઉચિત ન લાગ્યું. એટલામાં જ નાનકડા વિરામ સારુ ઘંટ વધુ જોરથી ટનટન્યો.
વર્ગમાંથી 'મુક્ત' થઈને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા કે તરત જ મેં એ વિદ્યાર્થીને રોક્યો, બાજુમાં બોલાવ્યો, ખાનગીમાં પૂછ્યું : "આજે તમારું ધ્યાન વર્ગમાં નહોતું?" મારો સવાલ ઊભો હતો તો પણ એ વિદ્યાર્થીનો જવાબ ઊગ્યો જ નહીં. મેં ભાષાનું વસ્ત્ર બદલીને એ જ પ્રશ્નને ફરીથી સામે ધરી દીધો : "ભાઈ, કંઈ મૂંઝવણમાં છો ?" ઉત્તર ન મળ્યો. થોડું મૌન સંભળાયું. ઊંચી નજરે અને નીચા અવાજે એ બોલ્યો : "સાહેબ, સાવ સાચું કહું તો આજે ભણવામાં સહેજે મન ચોંટતું નથી. ચોમાસાના દહાડા છે, પણ વરસાદનું ઠેકાણું નથી. ખેતરમાં વાવણી કરી દીધી છે, પણ વાદળાં વરસતાં નથી. બાજુમાં મોટા ખેતરવાળા પાસે ટ્યૂબવેલ છે. આટલા દિવસ તો તેમની પાસેથી ભાડે પાણી લઈ ચલાવ્યું પણ ..."
આટલું બોલ્યા પછી, થોડી ભીની આંખે અને વધારે સૂકા ગળે, એ વિદ્યાર્થીએ વાતના ગાડાને આગળ હડસેલ્યું : " ... મેં ખબર પૂછવા આજે સવારે ઘરે ફોન કર્યો તો મારા બાપાએ કહ્યું કે, 'આપણે જેમના બોરનું પાણી ભાડેથી વાપરતા હતા તેમના બોરની મોટર બળી ગઈ છે. તેને સમુંનમું કરાવતાં વખત જાય એમ છે. હવે આપણે પાણી તાબડતોબ ક્યાંથી લાવીશું?' " જાતને માંડ કાબૂમાં રાખીને એણે કબૂલાત કરી : "સાહેબ, સવારથી વરસાદ પડે એની રાહ જોઈ રહ્યો છું. વર્ગમાંથી પણ આકાશ જ જોતો હતો." આટલું બોલતાં એની આંખો ચોમાસુ બની ગઈ. આંસુ એના ગાલ ઉપરથી નહીં, મારા દિલ ઉપરથી વહેતાં અને અંગારગોળા બની દઝાડતાં હોય એવું લાગ્યું. એનાં અશ્રુથી મારી ખરેખર અગ્નિપરીક્ષા થઈ. વાક્ય તો પૂરું થઈ ગયું પણ વાત પૂરી થઈ શકે એમ નહોતી એટલે એણે છાત્રાલયની દિશા ભણી ધીમાં પણ મક્કમ નહીં એવાં ડગ માંડ્યાં. હવે ડગી જવાનો વારો મારો હતો. જગતના તાત અને એ તાતના પુત્રની વ્યથાનાં વીતક જોવાં-જાણવાં માટે હું સંપૂર્ણ અપૂર્ણ હતો.
વરસાદ પડે એટલે કામકાજના સ્થળે દાળવડાં, રસ્તાની ધારે મકાઈડોડા, અને ઘરના રસોડે ભજિયાં ખાવાની મજા આવે એવી શહેરી માનસિકતા ધરાવતા માણસ તરીકે, મને વરસાદ ન પડે તો પાકનું બીજમરણ થઈ જાય એવી ગ્રામીણ વાસ્તવિકતા કેવી રીતે સમજાય? અહીં, કેટકેટલી અવળી ગંગા વહી ગઈ : પ્રશ્નમાંથી જવાબ નહીં, જવાબમાંથી પ્રશ્ન મળ્યો. પરીક્ષા વિદ્યાર્થીએ લીધી, શિક્ષક અનુત્તીર્ણ થયા. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં શીખે, અહીં શિક્ષક પરીક્ષા પછી શીખ્યા. શિક્ષકે શીખવેલું સઘળું ભૂલી જવાય, પરંતુ વિદ્યાર્થીએ શિખવાડેલું થોડું પણ કાયમ યાદ રહી જાય!
શિક્ષણનું ચાર તાસનું સમયપત્રક સ્વીકારનારા આપણે, સમાજનું બાર માસનું જીવનચક્ર સમજનારા બનીએ એ જરૂરી છે. આપણાં અધ્યયન-અધ્યાપનને સત્રમાં સીમિત નહીં, ક્ષેત્રમાં વ્યાપ્ત કરવાની જરૂર છે. વિદ્યાર્થીના વાલીના નામને જાણવા આપણું હાજરીપત્રક જોવું પડશે, પણ વિદ્યાર્થીના વાલીના કામને સમજવા એમનું હોજરીપત્રક તપાસવું પડશે. શિક્ષક આજીવન વિદ્યાર્થી હોય છે પણ વિદ્યાર્થી સજીવન શિક્ષક હોય છે એનું શું? વિદ્યા-વાડીમાં વરસો વહાવતાં-વળાવતાં, વિચરતાં-વિચારતાં, આવો કોઈ વિદ્યાર્થી 'અગ્નિપરીક્ષા' કરી જાય તો આપણા શિક્ષકત્વનો ફેર પ્રગટ થાય, નહીં તો ફેરો ફોગટ જાય !
-------------------------------------------------------------------------------------------------------
સૌજન્ય :
'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 )
જુલાઈ, ૨૦૧૨, પૃ.૨૫-૨૬
No comments:
Post a Comment