Monday, June 17, 2013

ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન


Courtesy : google image


ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

.........................................................

ગાંધીજીએ જીવનને જીવી જાણ્યું, મરણને પણ જીવી જાણ્યું. ગાંધીજીએ જિંદગીની પ્રત્યેક પળનો જેટલો સદુપયોગ કર્યો છે એટલો ભાગ્યે જ બીજા કોઈએ કર્યો હશે, વર્તમાનમાં કોઈ કરતું હશે, ભવિષ્યમાં કોઈ કરી શકશે! આપણે તો સમયના કાંટા છૂટી પડશે એ બીકે તેને બરાબર પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં રોજેરોજ લટકતાં રહીએ છીએ. જયારે ગાંધીજીએ તો સમયને કમરની ડાબી બાજુએ બરાબરનો લટકાવી રાખ્યો હતો!

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઈ.સ.૧૯૦૪માં ફિનિક્સ વસાહત અને ઈ.સ.૧૯૧૦માં ટોલ્સટોય ફાર્મની સ્થાપના કરી હતી. ગાંધીજીની જીવન-શાળામાં હૈયુ, હાથ અને મસ્તક કેળવાતાં હતાં. આજથી લગભગ સો વર્ષ પહેલાંનું, ગાંધીજીનું સમયપત્રક જોવાથી આપણને એ ખ્યાલ આવશે કે, તેઓ કેવળ શિક્ષણ નહીં પણ નિરંતર કેળવણી આપવામાં શ્રદ્ધા ધરાવતા હતા. ગાંધીજીના ત્રીજા દીકરા રામદાસ ગાંધી (જન્મ : ઈ.સ.૧૮૯૮, ડરબન) 'સંસ્મરણો' નામના પુસ્તકમાં 'બાપુની શાળામાં' શીર્ષકતળેના પ્રકરણમાં નોંધે છે : "ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મોમાં અમારી દિનચર્યા નીચે પ્રમાણે રહેતી :

સવારે ૫-૩૦ ઊઠવું
૫-૩૦થી ૭-૦ નિત્યકર્મ તથા પ્રાર્થના
૭-૦થી ૮-૦ ખેતીકામ
૮-૦થી ૯-૦ નાસ્તો
૯-૦થી ૧૧-૦ ખેતીકામ, સફાઈ, રસોડાકામ, કાવડથી પાણી ભરવું, લાકડાં ફાડવાં, મોચીકામ, છાપકામ વગેરે શ્રમકાર્ય વારાફરતી થતાં.
૧૧-૦થી ૧-૦ સ્નાન, ભોજન, વાસણ સફાઈ અને આરામ
૧-૦થી ૪-૩૦ શિક્ષણ
૪-૩૦થી ૫-૩૦ ખેતી અને લાકડાં ફાડવાં વગેરે
૫-૩૦થી ૬-૩૦ રમતગમત [ ફૂટબોલ, ક્રિકેટ, હુતુતુ, આટાપાટા અને છૂટી દડી વગેરે દેશી રમતો રમતા.]
૬-૩૦થી ૮-૦ ભોજન, વાસણની અને રસોડાની સફાઈ
૮-૦થી ૯-૦ પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકનું વાચન
૯-૦થી ૧૦-૦ સ્વાધ્યાય
૧૦-૦થી ૫-૩૦ શયન "                                  
(ગાંધી, ૧૯૬૭, પૃ.૩૬)

સમયપત્રકને અસરકારક બનાવવા માટે ચુસ્ત સમયપાલન કરવું પડે. આ માટે સમયશિસ્ત કોઈ પણ ભોગે જાળવવી પડે. આપણી શિક્ષણ-સંસ્થાઓમાં ઘંટના ટકોરાથી સમય-સભાનતા ઊભી કરવામાં આવે છે. જોકે આપણે સવારે વહેલાં ન ઊઠીએ તો પછી આખા દિવસનું સમયપત્રક ખોરવાઈ જવાની સંભાવના રહે છે. ગાંધીજીના આશ્રમમાં દિવસ તો સૂર્યોદય પહેલાં ઊગી જતો! આશ્રમજીવીઓએ નિયમિત રીતે, નિયત સમયે પથારી છોડી દેવી પડતી હતી. આ મામલે વિનોબાના ભાઈ બાળકોબા ભાવે ગાંધીજીના આશ્રમજીવનને યાદ કરતાં લખે છે : "વહેલી સવારે ઊઠવા માટે ચાર વાગે ઘંટ વાગતો. એ ઘંટનો અવાજ કાનને અત્યંત કર્કશ લાગતો. હકીકતે એ ઘંટ જ નહોતો, પણ થાળી ઉપર વાટકો ખખડાવીને અવાજ કરવામાં આવતો. ગમે તેટલી ઊંઘ આવતી હોય તો પણ પથારી છોડી ઊઠ્યા વિના કોઈનો છૂટકો થતો નહિ." (ભાવે, ૧૯૬૫, પૃ.૩૦)

ગાંધીજી દરેક કામ માટે વખત અને દરેક વખત માટે કામ ફાળવતા હતા. તેઓ કાર્ય સાથે સમયનો પાકો હિસાબ રાખતા હતા. રચનાત્મક કાર્યકર અને સર્જનાત્મક કેળવણીકાર જુગતરામ દવે ગાંધીજીના સમયપત્રકનું આ મુજબ અવલોકન કરે છે : "સત્યાગ્રહીની દિનચર્યા કેવી હોય તે જોઈ? એમાં એક પણ પળ આળસમાં ગાળેલી જોવામાં નહીં આવે. ગાંધીજીની દિનચર્યામાં બીજી ખૂબી એ છે કે તેઓ પોતાના દિવસના કામનું સમયપત્રક બનાવે છે અને તે પ્રમાણે મિનિટે મિનિટ ઉતારે છે. જે કામને માટે જે કલાક નક્કી થયો હોય તે કામ તે જ કલાકે શરુ કરે અને તે જ કલાકે પૂરું કરે. પોતાનો આખો દિવસ તેઓ ઘડિયાળને કાંટે પસાર કરે છે. દિવસે શું શું કામ ક્યારે કર્યું એની રોજનીશી પણ તેઓ રાખે છે અને રાત્રે સૂતાં પહેલાં તે જોઈ જાય છે." (દવે, ૧૯૬૯, પૃ.૧૭)

ગાંધીજી નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ સ્વદેશપરત આવ્યા. તેઓ સાર્વજનિક જીવનમાં જેમ જેમ વ્યસ્ત થતા ગયા તેમ તેમ તેમને સમય-અભાન એવા અસ્તવ્યસ્ત જનમાનસનો અનુભવ થતો ગયો. આથી, ગાંધીજી 'યંગ ઇન્ડિયા' (૦૬-૧૧-૧૯૨૪)માં 'સમયનું ભાન' મથાળા હેઠળ સાફ-સાફ લખે છે : "...આપણે ભણેલા લોકો દરેક બાબતમાં ખૂબ જ મોડા પડીએ છીએ. આપણી સભાઓ સમયસર શરૂ થાય એ આવશ્યક નથી. નિયત સમયે કાર્યવાહી શરૂ ન કરવી એ બહુ સામાન્ય વાત થઈ પડી છે. ઘણી વાર એક માણસની ગેરહાજરી સેંકડો, બલકે હજારો લોકોને બેસાડી રાખવાનું પૂરતું કારણ માની લેવામાં આવે છે. જે રાષ્ટ્ર આ રીતે થોભી શકે છે તેનામાં પાર વગરની ધીરજ અને ખામોશી છે એમ કહી શકાય. પરંતુ તેની પ્રગતિ માટે એ ખતરનાક છે." (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ ૨૫, પૃ. ૨૭૩)

ધ્યાન ખેંચે તેવી શારીરિક ઊંચાઈ અને ધન્ય થઈ થઈ જવાય તેવી આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતા ખાન અબદુલ ગફ્ફારખાને પણ ગાંધીજીના સમયપાલનને ખાસ ધ્યાનમાં લીધું હતું. સર્વપલ્લી રાધાકૃષ્ણન સંપાદિત 'મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથ'માં 'સરહદના ગાંધી' એટલે ખાન અબદુલ ગફ્ફારખાન 'સમયહદના ગાંધી' વિશે સંસ્મરણો વાગોળતાં કહે છે : "હું વર્ધા રહ્યો એ દરમ્યાન મને ગાંધીજીમાં સૌથી વધુ ધ્યાનપાત્ર કોઈ વસ્તુ લાગી હોય તો તે બધી બાબતમાં તેમની નિયમિતતા હતી.તેમનું ભોજન, ફરવા જવાનું, ઊંઘવાનું અને પ્રાર્થના બધું જ સમયસર થતું." (રાધાકૃષ્ણન(સં.), ૧૯૭૦, પૃ.૧૬૧)

સમય-સજાગ ગાંધીજી વિષયક ઉપરોક્ત ચર્ચામાંથી આટલા મુદ્દા વેળાસર તારવી લઈએ : (૧) શિક્ષણ-જીવન અને જીવન-શિક્ષણ માટે હૈયુ, હાથ અને મસ્તક ( ત્રણ એચ - હાર્ટ, હેન્ડ, હેડ)ની કેળવણી થાય તેવું સમયપત્રક ગોઠવવું જોઈએ. (૨) વિદ્યા-ઉપાસકોના સમયપત્રકમાં પૂર્વસૂર્યોદય-પથારીત્યાગ અતિ અગત્યની ઘટના છે! (૩) સમયપત્રકમાં આયોજન સાથે અમલીકરણ અનિવાર્ય છે તો રોજનીશી-લેખન આવશ્યક છે. (૪) સમયપાલનના અભાવે થતો વખતનો બગાડ ચિંતાનો વિષય જ નહીં, ટીકાનો મુદ્દો બનવો-બનાવવો જોઈએ. (૫) આપણી દિનચર્યામાં ભણતર સહિતની ઘડતર અને ચણતર કરતી તમામ ક્રિયા-પ્રક્રિયા સમયસર થવી જોઈએ.

ગાંધીજી સત્ય સારુ જીવ્યા, સમય સાથે જીવ્યા. ગાંધીજી માટે જેવો આગ્રહ સત્યપાલનનો છે, એવો જ આગ્રહ સમયપાલનનો છે. આપણે એ સત્ય તો સ્વીકારીએ કે સમયનો બગાડ એ પણ હિંસા છે! આપણે ભલે વિદ્યાર્થી હોઈએ કે વ્યાખ્યાતા, સંશોધક હોઈએ કે શિક્ષક; આપણે શિક્ષણની ક્ષણક્ષણનો હિસાબ આપીએ અને લઈએ.

.........................................................

સાભાર સંદર્ભ-સૂચિ

ગાંધી, મોહનદાસ કરમચંદ (૧૯૭૨). ગાંધીજીનો અક્ષરદેહ (ગ્રંથ-૨૫). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંધી, રામદાસ (૧૯૬૭). સંસ્મરણો. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

દવે, જુગતરામ (૧૯૬૯). ગાંધીજી (પ્રથમ આવૃત્તિ, ૧૯૨૯, પાંચમી આવૃત્તિ, ૧૯૩૯, પુનર્મુદ્રણ, સપ્ટેમ્બર, ૧૯૬૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ભાવે, બાળકોબા (૧૯૬૫). વિનોબા સાથે બાળપણમાં (ઈ.સ.૧૯૧૩થી ૧૯૧૮) (પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૬૫, પુનર્મુદ્રણ, મે, ૧૯૬૫). વડોદરા : યજ્ઞ પ્રકાશન.

રાધાકૃષ્ણન, સર્વપલ્લી(સં.) (૧૯૭૦). મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથ.અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

....................................................................
સૌજન્ય :

'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧

No comments:

Post a Comment