[ વ્યંગ રંગ-તરંગ-સંગ ]
અશ્વિનકુમાર
.................................................................................................................................
હનુમાનજીએ પૂંછના (પ્ર)તાપે લંકાદહન કર્યું ત્યારે રાવણનાં મોઢાઓ ગુસ્સાથી જેટલાં લાલ થઈ ગયાં હતાં તેનાથી વધારે લાલ મોઢાઓ તો આ વખતની શરદીમાં થઈ ગયાં હતાં. તેનાં બધાં નાક ખતરનાક લાગતાં હતાં. જોકે તેના કુટુંબ-ચિકિત્સક( ફેમિલી ડૉક્ટરનું ગુજરાતી!) એ નક્કી નહોતા કરી શક્યા કે રાવણના કયા ક્રમના નાકને શરદી-જંતુઓએ ચેપ લગાડ્યો છે. રોજિંદી જિંદગીમાં તો લંકાનો લાલો દસ-દસ માથાંના ભારથી ટેવાઈ ગયો હતો, પણ શરદીના કારણે માથાં ભારે થવાથી જે દુખાવાઓ થયા તે અસહ્ય હતા.
અશ્વિનકુમાર
.................................................................................................................................
હનુમાનજીએ પૂંછના (પ્ર)તાપે લંકાદહન કર્યું ત્યારે રાવણનાં મોઢાઓ ગુસ્સાથી જેટલાં લાલ થઈ ગયાં હતાં તેનાથી વધારે લાલ મોઢાઓ તો આ વખતની શરદીમાં થઈ ગયાં હતાં. તેનાં બધાં નાક ખતરનાક લાગતાં હતાં. જોકે તેના કુટુંબ-ચિકિત્સક( ફેમિલી ડૉક્ટરનું ગુજરાતી!) એ નક્કી નહોતા કરી શક્યા કે રાવણના કયા ક્રમના નાકને શરદી-જંતુઓએ ચેપ લગાડ્યો છે. રોજિંદી જિંદગીમાં તો લંકાનો લાલો દસ-દસ માથાંના ભારથી ટેવાઈ ગયો હતો, પણ શરદીના કારણે માથાં ભારે થવાથી જે દુખાવાઓ થયા તે અસહ્ય હતા.
રાવણનાં દશે ભોડાંને બામો ઘસી-ઘસીને મંદોદરીની વીસે આંગળીઓ ઘસાઈ ગઈ. લંકાપતિની પત્ની પતિવ્રતા (અને આમ જુઓ તો પતિતવ્રતા!) સ્ત્રી હતી. આથી, રાવણ-કપાળ-મર્દન વેળાએ મંદોદરીએ પોતાની નાજુક આંગળીમાં થયેલા કેશરેખીય-અસ્થિભંગ (હેર-લાઇન ફ્રેક્ચર)ની ફરિયાદ કર્ણસરવા નામની પોતાની કામવાળી બાઈ સિવાય કોઈને પણ નહોતી કરી! આ જ કારણે આ વાત ઘણી વ્યક્તિ અને મોટા વિસ્તાર સુધી વિસ્તરી ગઈ એમાં આજના શહેરી મધ્યમવર્ગને તો નવાઈ ન જ લાગવી જોઈએ.
પગના ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા (ની રિપ્લેસમેન્ટ સર્જરી) કરાવવાના કારણે ફરજિયાત આરામની દાક્તરી સૂચના છતાં, મંદોદરીના પિતાશ્રી મય દાનવ તેમની પત્ની(તેનું નામ ખબર ન હોય તો લાડમાં મયલી કહેશો તો ચાલશે!) સાથે જમાઈરાજની ખબર પૂછવા દોડી આવ્યાં. હાથરૂમાલનો જથ્થો અને પનો ઓછો પડતો હોવાથી, મંદોદરીની જૂની સાડીઓથી રાવણો વીસ-વીસ હાથોથી નાકો લૂછી રહ્યો હતો. લંકેશ વચ્ચેવચ્ચે ખાંસી પણ ખાઈ રહ્યો હતો. કારણ કે, શરદીએ પોતાની પ્રિય સખી એવી ઉધરસને પણ ભાવભીનું અને સાવભીનું આમંત્રણ આપી દીધું હતું. પોતાના જમાઈની આવી હાલત જોઈને મંદોદરીની મમ્મીથી ન જ રહેવાયું. કોઈએ પૂછ્યું નહોતું છતાં મયલીએ એક ઉપચાર સૂચવ્યો : અરડૂસીના ઉકાળાનો. અરડૂસીનું નામ સાંભળતાંની સાથે જ રાવણનાં દસેદસ મોઢાં જાણે લંકા લૂંટાઈ ગઈ હોય તેમ વિલાઈ ગયાં.
લંકામાં સીતાની ચોકી કરવાની જવાબદારી ત્રિજટાના માથે હતી. જયારે ત્રિજટા રજા ઉપર હોય ત્યારે તે પોતાની વધારે પડતી પાકી બહેનપણી એવી છળમંછા નામની રાક્ષસણીને સીતાચોકીનો હવાલો સોંપતી હતી. છળમંછાએ આપેલી બાતમી મુજબ આખી લંકામાં અરડૂસીનાં શ્રેષ્ઠ રોપાં અશોકવાટિકામાં લગાવેલાં હતાં. ત્યાંથી અરડૂસીનાં પાંદડાં લાવીને ઉકાળો કરીને ટંકે દસ-દસ પ્યાલા પીવા છતાં તેની સહેજ પણ અસર ન થઈ. કારણ કે સીતામાતાનાં રુદનથી સ્તબ્ધ થયેલી અરડૂસીએ રાવણની શરદીને મટાડવામાં પાપ જોયું હતું. આથી તેણે પોતાના ઔષધીય ગુણોને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લીધા હતા.
રાવણની શરદીઓ અને તેનાં કારણો ખાનગી ચર્ચાઓ અને જાહેર સમાચારોનો વિષય બનવા લાગી. આથી લંકાની ગુપ્તચર શાખા અને નિશાચર પ્રશાખા દોડતી-હાંફતી થઈ ગઈ. એક રાજવૈદ્યે નામ ન આપવાની શરતે 'શ્રીલંકા સમાચાર'ના (પા)ખંડ સમયના સંવાદદાતા કુમાર વૃત્તદૂતને જણાવ્યું કે, "પવન સાથે ઊડતી પુષ્પોની પરાગરજ રાવણનાં અંકે પૂરા વીસ નાસિકા-દ્વારમાં પ્રવેશે છે. જે મહાબલિ માટે મહાબલા સાબિત થયેલી શરદીનું મુખ્ય કારણ છે. આથી રાવણનાં દશ મસ્તકમાં એક મસ્તક જેટલી પણ સરેરાશ વિવેકબુદ્ધિ શેષ હોય તો તેમણે અશોકવાટિકાનું નિત્ય ભ્રમણ કરવાની વાસનામાંથી ત્વરિત મુક્ત થવાની જરૂર છે!"
શરદીના મામલે રાવણિયો મરણિયો બન્યો, પરંતુ અનેક ઉપચાર કરવા છતાં રાવણની શરદી મટી જ નહીં. લંકાની લોકવાયકા એવી છે કે દશમુખની ધાક કરતા છીંક વધારે ભયાનક હતી. એક વખત તેણે દસેદસ નાકોનાં વીસેવીસ નાસિકાદ્વારો દ્વારા એક સંયુક્ત છીંક ખાધી હતી. જીવંત પ્રસારણની વ્યવસ્થા નહોતી તોપણ રાવણના અટ્ટહાસ્યની જેમ આ અટ્ટછીંક્ય અંકે પૂરા ત્રણ લોકમાં સંભળાયું હતું. આવા અચાનક ત્રિભુવનકંપથી વાનર-માનવ જ નહીં, દેવ-દાનવ પણ ગભરાઈ ગયા હતા.
બરાબર આ જ સમયે, લંકાથી જોજનો દૂર આવેલા ધોળકામાં, દુર્વાસાના સૌથી મોટા મામાનો સૌથી નાનો દીકરો ગર્વાસા તપ કરતો હતો. રાજાએ દાનમાં આપેલી ગોચરની જમીનમાં આશ્રમ બાંધીને, ગર્વાસા અઘોર તપસ્યા કરતો હતો. રાવણની ...પ્ર...ચં...ડ... છીંકથી ગર્વાસાનો તપ-ભંગ થયો. તે અતિ ક્રોધથી પહેલા લાલ અને પછી કાળો પડવા લાગ્યો. ગર્વાસાએ ૧૯૦/૧૪૦ના ઊંચા રક્તચાપ (હાઈ બ્લડ-પ્રેશર) આંક સાથે પણ રાવણને શાપથી ફટકાર્યો : "હે શ્રેષ્ઠ દુષ્ટ ! તારી છીંકથી વર્ષોનું તપ ફોક થવાથી હું રાંક થયો છું. આજ મધરાતથી જ અમલી બને એ રીતે હું તને સહેજ પણ પાછો ન ખેંચી શકાય તેવો શાપ આપું છું કે, તને ક્યારેય શરદી મટશે નહીં. તારી શરદીનાં જંતુ કળિયુગમાં પણ લોકોને ચેપ લગાડતાં રહેશે. આ તમામને જે વ્યથા પહોંચશે તેનું પાપ તારા ખાતામાં ભવોભવ જમા થતું જ રહેશે."
રાવણિયો વગર વીમાએ નાભિમાં કસ્તૂરીને લઈને ફરતો હોવા છતાં નાકમાં કાયમ માટે શરદુડી ઘૂસી જતાં, બાપડો-બિચારો લાગતો હતો. દશાનનને શરદી ઉપરાંત હવે શાપ પણ લાગ્યો હતો. વળી, તેણે ખાધેલી ખતર'નાક' છીંકો થકી શરદીનાં જંતુઓ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગયાં હતાં. આથી આજે પણ દુનિયામાં દર એક વ્યક્તિએ બે વ્યક્તિઓ શરદીથી પીડાય છે. કારણ કે, એકની શરદીનો ચેપ તરત જ બીજાને પણ શરદીનો દરદી બનાવે છે !
( તાજા કલમ અને ખાજા મલમ : આ લેખના વાચન બાદ મૃત્યુલોકના કોઈ દૈત્ય-દાનવ કે યક્ષ-રાક્ષસની અધાર્મિક લાગણી દુભાઈ હોય તો લેખકાત્મા એ રાવણ-મંદોદરીનાં કુળદીપક કે કુળદીપિકાની માફી માગતાં ગૌરવ અનુભવે છે!)
.................................................................................................................................
સૌજન્ય :
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક)
ઓક્ટોબર, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૨૪-૧૨૫
સૌજન્ય :
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક)
ઓક્ટોબર, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૨૪-૧૨૫
sir maja padigayi padi ne ubhi thai gayi
ReplyDelete'આ' આભારનો 'આ' ! પ્રતિભાવ વાંચીને મજા ઊભી થઈ ગઈ. લેખક માટે આવી મજા કાયમ ઊભી જ રહી જતી હોય છે !
Deleteસર LIC નો વીમો કરાવી લેજો. આ વાંચીને રાવણ અંકલનું ફરી જવાનું અને બેમતલબ માં તમારું જોખમ વધી જવાનું...............
ReplyDeleteઅશ્વિનભાઈ, મોજ પડી ગઈ!!!
ReplyDeleteઅને સાથે સાથે અભિનંદન તમારી અભિવ્યક્તિ હથોટી તથા ભાષાને ધાર આપવાની કરામત પર!!!!!
ભારે મઝા આવી !
ReplyDeleteઆજે મને પણ રાવણના પાપે શરદી થઈ છે.
આનંદ સાથે અભિનંદન
મનોજ