Tuesday, June 11, 2013

ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો

- ડૉ. અશ્વિનકુમાર 

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
..............................................................................

લોકશાહી તંત્ર-વ્યવસ્થામાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણ જાગીર છે. પત્રકારત્વ ચોથી જાગીર છે. અખબારોમાં જાગ્રત વ્યક્તિની અભિવ્યક્તિ વાચકોના પત્રો સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. સમાચારપત્રોમાં વાચકોના પત્રોને 'ચર્ચાપત્રો', 'લોકવિચાર', 'મંતવ્ય' ... જેવાં વિધવિધ કતારનામ કે વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. અખબારોની નીતિનું પ્રતિબિંબ તેનાં તંત્રીપાનાં કે સંપાદકીયપૃષ્ઠ ઉપર દેખાય છે. યાદ રાખીએ કે, સમાચારપત્રોનાં હૃદયસમાન તંત્રીપૃષ્ઠ ઉપર વાચકોના પત્રોને સ્થાન અને મહત્ત્વ આપવામાં આવે છે. વાચકો આતંકવાદથી માંડીને બજારવાદ, ભ્રષ્ટાચારથી માંડીને પ્રદૂષણ, કુદરતી આપત્તિથી માંડીને મોંઘવારી, બળાત્કારથી માંડીને સ્ત્રી-ભ્રૂણ હત્યા, વાહન-વ્યવહારથી માંડીને બંધનાં એલાન... એમ જાત-ભાતના વિષયો ઉપર પોતાના વિચાર-અંશને શબ્દદેહ આપે છે.

સરસ લેખ લખવા માટેના જે નિયમો હોય એ નિયમો સુંદર ચર્ચાપત્ર લખવા માટે પણ લાગુ પાડી શકાય. સારા ચર્ચાપત્રના લેખન સારુ બજારમાં તૈયાર ખીરું-મિશ્રણ કે મરી-મસાલા મળતાં હોય તો આ લેખકની જાણમાં નથી! છતાં ચર્ચાપત્રનું અસરકારક લેખન કરવા માટે આ મુજબના વીસ મુદ્દાના કાર્યક્રમને નજર સમક્ષ રાખવાથી લાભ જણાય એવી શક્યતા છે :

(૧) રિવાજ એવો છે કે મોટા ભાગનાં સમાચારપત્રો પોતાનાં તંત્રીપૃષ્ઠ ઉપર કોઈ ચોક્કસ નામ કે વિભાગ હેઠળ વાચકોના પત્રોને નિયમિત, અનિયમિત કે નિયમિતપણે અનિયમિત પ્રસિદ્ધ કરે છે. ચર્ચાપત્ર-વ્યસની વાચક છાપું ઉઘાડીને સૌપ્રથમ આ જ જગ્યાના દર્શન કરે છે. ચર્ચાપત્રના લેખનમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિએ વિવિધ સમાચારપત્રોમાં પ્રકાશિત વાચકોના પત્રોનું ગંભીર વાચન કરવાની ટેવ ઊભી કરવી પડે. (૨) સામાન્યપણે સમાચારપત્રો ચર્ચાપત્રોના લેખન અને પ્રકાશન સારુ સૂચનાઓ સમયાંતરે પ્રગટ કરે છે. જેનાથી વાચકો માહિતગાર હોવા જરૂરી છે. આ જ રીતે સ્પર્ધાત્મક કસોટી માટે તૈયારી કરનાર ઉમેદવારે જવાબ રૂપે 'ચર્ચાપત્ર' લખતાં પહેલા, સમગ્ર પ્રશ્નપત્રનું સ્વરૂપ અને નિયત પ્રશ્નનું મૂલ્ય સારી પેઠે જાણી લેવું. (૩) પ્રત્યેક સમાચારપત્રમાં અને પ્રશ્નપત્રમાં ચર્ચાપત્રની શબ્દસંખ્યા સીમિત-નિર્ધારિત (સો, દોઢસો, બસો) હોય છે. વાચક કે વિદ્યાર્થી સાવધ ન હોય તો ચર્ચાપત્ર છેવટે નિવેદન અને કોઈ કિસ્સામાં નિબંધમાં પણ ફેરવાઈ શકે છે! (૪) પત્રલેખકે ચર્ચાપત્રનું માળખું ગોઠવવું આવશ્યક છે. જેમાં તારીખ, પત્રલેખકનું નામ-સરનામું, સમાચારપત્રના તંત્રીનું નામ-સરનામું, વિષય, સન્માન-સૂચક સંબોધન, ચર્ચાપત્રનું પ્રકાશન-યોગ્ય લખાણ અને અંતે તંત્રીને 'આપનો હિતેચ્છુ' કે 'આપની વિશ્વાસુ' કહ્યા પછી ચર્ચાપત્રીએ સહી કરેલી હોવી જોઈએ! તંત્રીની જાણ અને જરૂરિયાત માટે ચર્ચાપત્રી પોતાનો ટેલિફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ હોય તો જણાવે. (૫) પત્રલેખક કોઈ કારણસર કે મારણસર અખબારમાં પોતાનું નામ-ઠામ પ્રસિદ્ધ ન થાય એવું ઇચ્છે તો તેમણે ચર્ચાપત્રમાં તંત્રીને એવી વિનંતી કરવી, પણ પોતાનું સાચું નામ-ઠામ તો જણાવવું જોઈએ. સમાચારપત્રોની કચેરીમાં નનામાં ચર્ચાપત્રોને સાચવવાની જવાબદારી કચરાટોપલીના માથે નાખવામાં આવે છે! જોકે સ્પર્ધાત્મક સહિતની કોઈ પણ જાહેર પરીક્ષામાં જવાબ લખતી વખતે ઉમેવારે પોતાનાં સાચાં નામ-ઠામનાં સંજ્ઞા-સંકેતો છોડવાનાં હોતાં નથી. તેઓ કાલ્પનિક નામ-ઠામ ભલે લખે, પણ તેમણે ચર્ચાપત્રમાં પોતાનાં ખરાં ઓળખ-ઠેકાણાંનો ઉલ્લેખ ન કરવો હિતાવહ છે.

(૬) ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને શોભતું હોય તેવું પરંતુ ટચૂકડું અને ચોટડૂક શીર્ષક આપવું. (૭) ચર્ચાપત્રની માંડણી સાંપ્રત સમય સાથે લય અને તાલ મેળવતી હોવી જોઈએ. (૮) સંક્ષિપ્ત અને કેન્દ્રિત રજૂઆત કરવી. 'અખિલ બ્રહ્માંડના ભ્રષ્ટાચાર' વિશે તૂટી પડવા કરતાં કોઈ ચોક્કસ દેશ કે પ્રદેશ, પક્ષ કે વિપક્ષ, તંત્ર કે યોજનાના ભ્રષ્ટાચાર સામે મજબૂત વિરોધ નોંધાવવો. (૯) ચર્ચાપત્રના પ્રારંભમાં વિષયનો મુખ્ય મુદ્દો ઊભો કરવો. પછી એ મુદ્દાના સમર્થનમાં સાબિતીરૂપ સામગ્રી પ્રસ્તુત કરવી. ઠાંસી-ઠાંસીને નહીં પણ ઠોસ વિગતો રજૂ કરવી. ચર્ચાપત્રના અંતે સારાંશ આપવો. (૧૦) ચર્ચાપત્રોનો ચાકડો ફેરવતાં હોઈએ ત્યારે કોઈ વિચારપિંડ મૌલિક આકાર ધારણ કરે એ આવકાર્ય છે. આથી કોઈ જાહેર સમસ્યા વિશે ચર્ચાપત્ર લખીએ ત્યારે આપણે કેટલાંક સૂચનો પણ જાહેર કરવાં જોઈએ.

(૧૧) ચર્ચાપત્રના લેખન વખતે વિગતોમાં ચોકસાઈ અને ખરાઈ અનિવાર્ય છે. સાલવારી અને આંકડાકીય માહિતી ચાળી-ચકાસી લેવી. (૧૨) ચર્ચાપત્રોમાં કેવળ બળાપો ઠાલવવાનું ટાળીએ. દા.ત. "આમ ને આમ તો આ રાજકારણીઓ આખો દેશ વેચી કાઢશે!" આ જ રીતે કેવળ લાગણીદાવ લડાવવાનું ટાળીએ. દા.ત."હે દીનાનાથ! અમારા રાષ્ટ્રને વિપદામાંથી ઉગારી લો!" (૧૩) ચર્ચાપત્રમાં પુનરાવર્તનદોષ થાય નહીં એ માટે સાવધ રહેવું. વળી, સામાન્યીકરણ અને અતિશયોક્તિકરણ ન થઈ જાય એની કાળજી લેવી. (૧૪) ચર્ચાપત્રી પોતાના શબ્દભંડોળનો સહજ પરિચય કરાવે તો સારું. આ જ પ્રમાણે કહેવત-રૂઢિપ્રયોગ અને વ્યંગ-ચાબુક અસરકારક રીતે વાપરે તો ઉત્તમ. જોકે ચર્ચાપત્રમાં બીબાંઢાળ શબ્દોનો વધારે પડતો ઉપયોગ ન કરવો. આ જ રીતે પારિભાષિક શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરવો. (૧૫) ગુજરાતી ભાષા ખેડનાર ચર્ચાપત્રીએ અંગ્રેજી શબ્દોનો છંટકાવ કરવાનો લોભ જતો કરવો. ગમે ત્યારે અને ગમે તેમ અંગ્રેજી શબ્દોના ગોળીબાર કરનારે, એ ચર્ચાપત્ર કોઈ અંગ્રેજી દૈનિકને મોકલી દેવું અને એમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શબ્દો છાંટ્યા હોય તો તે વેળાસર લૂછી નાખવા!

(૧૬) પત્રલેખકે સાદી, સરળ, સચોટ ભાષા-શૈલી પ્રયોજવી અને બિનજરૂરી વિશેષણોથી સલામત અંતર રાખવું. (૧૭) ચર્ચાપત્રનું લખાણ જોડણીદોષથી મુક્ત હોવું જોઈએ. 'માતૃભાષાની હાલત' વિશેના ચર્ચાપત્રમાં એક જગ્યાએ 'પરિસ્થિતી', બીજી જગ્યાએ 'પરિસ્થીતિ', ત્રીજી જગ્યાએ 'પરીસ્થિતી', ચોથી જગ્યાએ 'પરીસ્થીતિ' લખીએ તો આપણી ભાષાની 'પરિસ્થિતિ' ખરેખર કાબૂ બહાર ગઈ કહેવાય! (૧૮) ચર્ચાપત્ર લખનારે ગુજરાતી ભાષામાં અસ્તિત્વમાં હોય તે વ્યાકરણ-નિયમોને અનુસરવા. (૧૯) ચર્ચાપત્રોમાં વિરામચિહ્નો યોગ્ય રીતે વાપરવાં. પ્રશ્નાર્થચિહ્નો અને ઉદ્દગારચિહ્નોનો વધુ પડતો ઉપયોગ ભાષા-સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (૨૦) ચર્ચાપત્રમાં યોગ્ય વાક્યરચના કરવી અને જરૂરી ફકરા પાડવા.

ચર્ચાપત્રો એ પત્રલેખકોની પત્રકારત્વ સાથેની સામેલગીરી છે. જાગ્રત વાચકોની સવાલદારી અને જવાબદારીને કારણે 'ચોથી જાગીર' એવા પત્રકારત્વે ચર્ચાપત્રોને 'પાંચમી જાગીર'નું બહુમાન આપ્યું છે.
..............................................................................

સૌજન્ય :

લેખ-શીર્ષક : ચર્ચાપત્રો
પુસ્તક : માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ
સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
પહેલી આવૃત્તિ
ડિસેમ્બર, ૨૦૧૧
પૃ. ૧૨૪-૧૨૬

No comments:

Post a Comment