Saturday, June 8, 2013

કેદારનાથ, રામદાસી સંશોધન, અને આપણે બધાં

ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------------------------------

કેદારનાથ(૨૫-૧૨-૧૮૮૩) એટલે વિચારોના વિશ્વગ્રામમાં અધ્યાત્મનું ઓળખ-નામ. નાથજી એટલે કહેવાતી નહીં પણ મહેકતી ભારતીય સંસ્કૃતિના પાવન-પુરુષ. તેઓ જન્મ્યા મહારાષ્ટ્રમાં અને રાષ્ટ્રમાં મહાન થયા. તપ, ચિંતન અને પુરુષાર્થથી તત્ત્વજ્ઞાનની ખોજ કરતા નાથજી બાધક નહીં પણ સાધક રહ્યા. ગાંધીસાથી કિશોરલાલ મશરૂવાળા માટે પણ કેદારનાથ સાચે જ મદારનાથ સાબિત થયા હતા. નાથજી માટે સિદ્ધિ સહજ છે, પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહ્યા છે. આપણે ત્યાં કેદારનાથ 'વિવેક અને સાધના', 'વિચારદર્શન', 'સુસંવાદ' જેવાં પુસ્તકોથી વિશેષ ખ્યાત થયા છે.

શ્રી કેદારનાથજી જન્મશતાબ્દી ગ્રંથાવલિ અંતર્ગત 'કેદારનાથ : જીવનનાં કેટલાંક સંસ્મરણો ' નામનું પુસ્તક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા ડિસેમ્બર, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ પુસ્તકના મૂળ મરાઠીના સંપાદક ભાઉ ધર્માધિકારી અને ગુજરાતીમાં અનુવાદક ગોકુળભાઈ દૌ. ભટ્ટ છે. પુસ્તકના સત્તરમા પ્રકરણનું નામ છે : 'રામદાસી સંશોધન નિમિત્તે'. કેદારનાથના ધુળિયાના મિત્ર અપ્પા રણદિવે શંકરકૃષ્ણ દેવના રામદાસી કાર્યમાં સહભાગી થયા હતા. લોકમાન્ય ટિળકના અનુયાયી અને મૂળે વકીલાતનો ધંધો કરતા શંકરકૃષ્ણ દેવની સમર્થ રામદાસ સ્વામી માટે ભારે શ્રદ્ધા હતી. શુદ્ધ 'દાસબોધ' શોધીને પ્રસિદ્ધ કરવાની ઇચ્છા હોવાથી, શંકરકૃષ્ણ દેવે કલ્યાણ સ્વામીના હાથની, 'દાસબોધ'ની મૂળ પ્રત મેળવીને, તેને ઈ.સ.૧૯૦૫માં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી હતી. શંકરકૃષ્ણ દેવની ઇચ્છા રામદાસી સંપ્રદાયનાં મઠ-મંદિર-અન્ય જગ્યાની સ્થળતપાસ થકી રામદાસી સંપ્રદાયના વાંગ્મયનાં સંશોધન અને પ્રકાશનની હતી. અપ્પાએ મિત્રનિષ્ઠાના કારણે શંકરકૃષ્ણ દેવના કામમાં ગૂંથાવાનું કબૂલ કર્યું. અપ્પાનો સ્વભાવ સંકોચશીલ અને પારકાને ત્રાસ ન પડે તેવો સહનશીલ હતો. આથી, અડચણમાં અપ્પાને સહાયભૂત થવા માટે કેદારનાથ પણ આ સંશોધન-કાર્યમાં ઈ.સ.૧૯૧૪-૧૫ સુધી તેમની સાથે ઠીકઠીક ફર્યા હતા.

નાથજી અને અપ્પા અનેક વખત પુણે, સતારા, કોલાબા, રત્નાગિરી વગેરે જિલ્લાઓમાં અને માવળ ભાગમાં તેની ભય ઉપજાવનારી જગ્યાઓમાં, ગુફા અને કોતરોમાં પ્રસન્નતાપૂર્વક રખડ્યા હતા. આ બંનેને શિવાજી મહારાજ વિશે પુષ્કળ ભક્તિભાવ હતો. કેદારનાથ લખે છે : "... તે મહાપુરુષે ઘોડા પર અને પગે જે ધરતી કેટલીયે વાર ખૂંદી તે પ્રદેશમાં પ્રવાસ કરતાં અમને શું શું થતું હશે, હૃદયમાં કેવા અહોભાવ, વિચાર, ભાવનાઓ ઊભરતાં હશે! સજ્જનગઢ, ચાફળની રામ કોતર, શિવથરની કોતર, રાયગઢ, પ્રચંડગઢ(તોરણા), પ્રતાપગઢ, જાવળી, ચંદ્રરાવ મોરેની ડુંગર પર ગુફાની ગુપ્ત જગ્યા, ભોંયરાં વગેરે કેવા કેવા અનુભવો કર્યા તેનું વર્ણન શી રીતે થઈ શકે? શિવથરની કોતરમાં જ્યાં સમર્થ અવારનવાર કેટલોક વખત આવતા અને જ્યાં આનંદથી, શાંતિપૂર્વક કેટલાય દિવસ રહેતા તે જગ્યા કેટલાંય વર્ષોથી શોધવા છતાં મળતી નહોતી તે એક ફેરે અમે બંને સાથે હતા ત્યારે બરોબર મળી. તે કોતર મહાડથી ભોર બાજુ જનારા રસ્તે વરંધ ઘાટ પરથી ચડીને ઉપર ગયા પછી ત્યાંથી ડાબે હાથે ખીણપ્રદેશમાં - નીચેની બાજુ - પગરસ્તે ઊતરતાં અમને મળી, ..."(પૃ.૯૦) આ પ્રસંગથી અપ્પાને ખૂબ આનંદ થયો. અપ્પાના આનંદથી કેદારનાથને સંતોષ થતો. જોકે તેમણે આ સંશોધન સારુ અનેક અડચણો, અગવડો સહન કરવી પડેલી. આ અંગે નાથજી કહે છે કે, "માથે લીધેલા એક કામની સિદ્ધિ માટે તેને લાગતાંવળગતાં અનેક કામોનો કેટલો મોટો પથારો ઉપાડવો પડે છે, ને તેને લીધે સહન કરવું પડે છે, તેનું યથાર્થ દિગ્દર્શન કરાવવા માટે આટલું લખવું પડ્યું."(પૃ.૯૦)

કેદારનાથ અને અપ્પા રણદિવેને રામદાસી સંશોધન માટે મોગલાઈ, નિઝામશાહી(આજનું મરાઠાવાડ), કર્ણાટકના કેટલાક ભાગ એટલે કે છેક તંજાવર સુધી ફેરા કરવા પડ્યા હતા. તેમણે એ વખતમાં પ્રવાસનાં અત્યંત મર્યાદિત સાધનો વડે નાનાં નાનાં ગામડાંમાં રખડવું પડતું હતું. આ અગવડભરી અનુભવયાત્રા વિશે કેદારનાથ નોંધે છે : "...ખૂબ જ ઓછી વસ્તીવાળાં પણ પહેલાનાં જમાનાનાં મહત્ત્વનાં એવાં ગામો, ગઢ, કિલ્લા વગેરે સ્થળોએ ઉજ્જડ જંગલો વીંધીને, ડુંગર અને ખીણો ભેદીને, ગુફાઓ અને કોતરો વચ્ચેથી પગપાળા - પીઠ પર સામાન લાદીને અને અનેક વખતે તો ભૂખ્યા પેટે ફરવું પડે. લોકોને સમજાવીને, તેમના મનનું સમાધાન કરીને, તેમને રાજી કરીને તેમની પાસે પડેલા કાગળ-પત્રો વગેરે દેખાડવા તૈયાર કરવા પડે. કોઈની ઓળખાણ સુધ્ધાં ન હોય તેવે ઠેકાણે જઈને ઊભા રહીએ ત્યાં કેવળ વિશ્વાસ મૂકીને કાગળ-પત્રો કોણ દેખાડવાનું હતું? પુરાણા મઠોમાંથી, જૂનાં અંધારાં ઘરોમાં, ભંગાર ઝૂપડાંઓની અંદર ભારોભાર ધૂળ અને જાળાઝાંખરાં બાઝેલી ગાંઠડીઓ ખંખેરી ખંખેરી સંભાળપૂર્વક ખોલીને કાગળપત્રો શોધવા પડે. તેમાંથી કામનું મળે તો લોકો તે આપવા તૈયાર થાય નહીં; 'જોઈએ તો નકલ ઉતારી લો' એમ કહે. નકલો ઉતારવી એટલે દરેક દૃષ્ટિએ અગવડવાળી જગ્યામાં રહેવું પડે. ત્યાં મળે તે ખાવાનું, જેવી તેવી જગ્યામાં સૂવાનું!..."(પૃ.૯૧)

આ સંશોધન માટે અપ્પાને મહિનાઓના મહિના એકલપંડે પણ  કામ કરતાં કાઢવા પડ્યા હતા. અપ્પા માટેની પ્રજાની પ્રતિક્રિયા અંગે નાથજી લખે છે : " લોકો તેને શંકાભરી નજરે જોતા. આ કોણ છે? કયા હેતુથી આપણા કાગળ-પત્રો માગતો ફરે છે, લઈ જાય છે, નકલો ઉતારે છે? તે સરકારી માણસ હોવો જોઈએ. અમારી જરજાગીર સંબંધી પુરાવા એકઠા કર્યા પછી અમારાં ઇનામી જમીનજાગીર જપ્ત કરવાનો સરકારનો ઇરાદો હોવો જોઈએ. વળી કોઈ એમ પણ માનતું કે આવા કાગળો ભેળા કરી તેને છાપીને તે પૈસા કમાણી કરવાનો ધંધો કરતો હોવો જોઈએ. ... "(પૃ.૯૧) આમ, અનેક જણ, અનેક જગ્યાએ આવી શંકાઓ કરતા અને અપ્પા એમની શંકાઓનું સમાધાન પણ કરતા.

નાથજી અને અપ્પા જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં એમણે અનેક પ્રેક્ષણીય દેખાવો, ત્યાંના લોકોની હાલત, અજ્ઞાન, દારિદ્રય, ત્યાંની પ્રજાને નિચોવી લેતા પીડનનો પણ હૃદયસ્પર્શી અનુભવ કર્યો. સમર્થ સંશોધનની ફલશ્રુતિ વિશે કેદારનાથ કહે છે : "રામદાસી સંશોધન નિમિત્તે હું અને અપ્પા આખા મહારાષ્ટ્રમાં અનેક વખત ફર્યા, તેમાં સંશોધનની દૃષ્ટિએ અમને લાભ દેખાયો નહીં તોયે મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ, ગઢ, કોટ, કિલ્લા, ખીણો, ડુંગરા, ત્યાંની જનતાની પરિસ્થિતિ, નૈસર્ગિક અને ભૌગોલિક માહિતી, આવવા-જવાના ગુપ્ત માર્ગો, સગવડો - એ બધાંનો અમારા સંકલ્પિત કામમાં કેટલો ને કેવો ઉપયોગ થઈ શકશે તેનો અંદાજ કાઢવામાં આ રખડપટ્ટીનો ઉપયોગ થયો. સંશોધનનું બાહ્ય નિમિત્ત અમને અમારા સંકલ્પિત કામ માટે ઉપયોગી નીવડ્યું એમાં જરાય શંકા નથી."(પૃ.૯૨)

સાંપ્રત સમયમાં પ્રસ્તુતિ સંદર્ભે, સમગ્ર સંશોધન-ચર્ચામાંથી આ મુજબનો સાર કાઢી શકાય :
(૧) સંશોધન એટલે શૈક્ષણિક, સામાજિક જ નહીં પણ ધાર્મિક, અધ્યાત્મિક જેવા ક્ષેત્રે પણ થઈ શકે. (૨) સંશોધનમાં ધન કરતાં ધૂન મહત્ત્વની છે. એમાં ઇચ્છા છેવટે ઘેલછામાં પરિણમવી જોઈએ. (૩) સંશોધન કેવળ પોતાના માટે જ નથી કરવાનું. સંશોધનમાં મિત્રને જ નહીં, મિત્રના મિત્રને પણ મદદરૂપ થવાનો મોકો મળે તો ઝડપી લેવા જેવો ખરો. (૪) સંશોધન માટે સ્થળ-તપાસ, ક્ષેત્રકાર્ય અને મોઢામોઢ મુલાકાતની મજા જ કંઈક અનોખી હોય છે. (૫) સંશોધન એટલે રાજપાટ નહીં પણ રઝળપાટ! (૬) સંશોધનમાં પ્રતિકૂળ સંજોગો ઊભા ન થાય તો પહેલી શંકા 'સંશોધન' વિશે અને બીજી શંકા 'સ્વયં' વિશે વેળાસર કરી લેવી. (૭) સંશોધક પોતાને સાનુકૂળ પ્રતિભાવ મળે એવી અપેક્ષા રાખે છે, પણ માહિતીદાતા માટે સંશોધકને મદદરૂપ થવું એ એના જીવનનો અગ્રતાક્રમ ન પણ હોય! (૮) પ્રતિભાવદાતાને સંશોધકના કામ વિશે શંકા કરવાનો પૂરતો અધિકાર છે. તેને સંતોષકારક વિગતો આપવાની સંશોધકની ફરજ છે. સામા પક્ષનો વિશ્વાસ જીતવો એ સંશોધકનું મહત્ત્વનું કાર્ય છે. (૯) સંશોધનની સાથે સામાન્ય પ્રજાના પ્રશ્નોની જાણકારી મેળવવી આવશ્યક છે. (૧૦) સંશોધનથી હંમેશા દેખીતો લાભ જ ન થાય. રખડપટ્ટીથી સંશોધકની અંતરયાત્રા સમૃદ્ધ બનતી હોય છે.

આપણે ત્યાં એવા અધ્યાપકો છે જેમણે  પ્રકલ્પ કે પદવી માટે કાં તો સંશોધનકાર્ય  શરૂ જ ન કર્યું હોય, કાં તો પૂરું જ ન કર્યું હોય, કાં તો એક પ્રકલ્પ કે પદવી પછી સંશોધન-વૈરાગ આવી ગયો હોય! કારણો ગમે ત્યારે અને ગમે તે હોય, પણ આપણાં બધાં માટે, રામદાસી સંશોધનના નિમિત્ત બનેલા કેદારનાથ, ભારેલા અગ્નિ ઉપરની રાખને ફૂંક મારવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકે એમ છે!

-------------------------------------------------------------------------------------------------------------------
લેખ-સૌજન્ય :
'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ  : ૦૬-૦૭

No comments:

Post a Comment