Wednesday, April 27, 2016

સંસ્થા-કાર્યકર માટે ‘ગ્રામશિલ્પી’ યોજના

'ગ્રામશિલ્પી' એ ગાંધીવિચારના પાયા પર સંપોષી/ટકાઉ વિકાસની ધગશ સાથે આગળ વધવા ઇચ્છનાર સ્નાતક-અનુસ્નાતક યુવાનો માટેનો કાર્યક્રમ છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન કેટલીક સંસ્થાઓ તરફથી આવા ગ્રામશિલ્પી તરીકે કેળવાયેલા કાર્યકર તેમની સંસ્થાને મળે તેવી લાગણી વ્યક્ત થતી હતી. આ વિચાર દ્વારા તેમની સંસ્થાને પણ લાંબા ગાળા માટે ગાંધી વિચાર આધારિત દૃષ્ટિકોણ મળી રહે તે અપેક્ષા તો ખરી જ. આવા કર્મશીલો ગાંધીવિચાર સાથેની સંસ્થાઓને પણ મળે તેવું ગૂજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું છે. આ વર્ષે આવી જ કેટલીક સંસ્થાઓમાંથી પસંદગીની દસેક સંસ્થાઓ માટે 'ગ્રામશિલ્પી'નો કાર્યક્રમ નક્કી કરેલો છે. જેનો મુખ્ય હેતુ ગાંધીવિચારને વરેલી સંસ્થાઓ માટે યોગ્ય કાર્યકર તૈયાર કરવાનો છે. આ કાર્યકર સંસ્થા-સંચાલન, ગાંધીવિચાર, વિકાસની વર્તમાન પરિસ્થિતિની સમજણ, સંપોષી વિકાસ જેવી બાબતોની સમજણ સાથે સ્થાનિક જરૂરિયાત મુજબનાં તળપદાં આયોજનો કરી તેને વૈશ્વિક પરિપેક્ષમાં તપાસી અને તેનું અમલીકરણ કરી શકે. આ સમગ્ર કાર્યક્રમમાં જે મિત્ર તાલીમ માટે જોડાય છે તેને આઠ હજાર રૂપિયાનું માનદ વેતન પ્રતિ માસ જે તે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે.

આ કાર્યક્રમમાં જોડવા ઇચ્છુક ઉમેદવારનો નક્કી કરેલી તારીખે 'પરિસર મુલાકાત' (કેમ્પસ ઇન્ટરવ્યૂ) કરવામાં આવશે. તેમાંથી પસંદ થયેલા ઉમેદવારને પાંચ દિવસની પસંદગી કાર્યશાળામાં બોલાવવામાં આવશે.

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક:

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલી છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

વિદ્યાર્થીઓ માટે 'ગ્રામશિલ્પી' યોજના

ગૂજરાત વિદ્યાપીઠ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદના સહિયારા પ્રયાસોથી ચાલતી ગ્રામશિલ્પી યોજનામાં દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓ માટે પસંદગી શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની પ્રકિયાના ભાગરૂપે વિવિધ વિભાગોમાં અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ઇચ્છુક ઉમેદવારો પસંદગી શિબિરમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં જોડાવા માટેના અરજીપત્ર નીચે મુજબના સરનામેથી મેળવી શકાશે.

અમદાવાદ : અરુણભાઈ ગાંધી, રોજગાર પરામર્શ એકમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
સાદરા : તેજસભાઈ ઠાકર, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક :

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલ છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

Tuesday, April 26, 2016

ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

...........................................................................

છોકરાઓને શાળા-મહાશાળાઓમાં ઉનાળુ રજાઓ પડતાંની સાથે ક્રિકેટ રમવાનો ભારે ચસકો લાગતો. ઈ.સ. ૧૯૮૩માં ઇંગ્લૅન્ડની ધરતી ઉપર ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો એની પ્રભાવક અસર 'ભારતના માન્ચેસ્ટર'માં પણ થઈ હતી. શહેરમાં જ્યાં મેદાન હોય ત્યાં છોકરાઓ સવારથી જ ક્રિકેટની રમતનાં સાધનો સાથે પહોંચી જતા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા મેદાનની ઓળખ 'ફૂટબોલ ગ્રાઉન્ડ' તરીકેની, પણ એમાં મોટા ભાગે ક્રિકેટ જ રમાતી હતી! ક્રિકેટની એટલી બધી ટુકડીઓ આવતી કે કોણે, કોનો દડો ક્યાં, ક્યારે ફટકાર્યો એ જોવા માટે સજાગ રહેવું પડતું. મેદાનમાં સૌથી પહેલાં પહોંચે તેને પિચ માટે સારામાં સારી જગ્યા મળતી. છોકરાઓ વારાફરતી પેશાબ કરીને ભોંયને ભીની કરતા, જેના કારણે સ્ટમ્પ ખોડવામાં ઓછી તકલીફ પડે! ટુકડીમાં જે 'વીર ચોકસાઈવાળો' હોય તે ત્રણ સ્ટમ્પથી, બાવીસ મોટાં ડગલાં ભરીને સામેના છેડે પહોંચીને ત્યાં એક સ્ટમ્પ કે પથરો ગોઠવી દેતો. બીજો ઉત્સાહી જણ મુખ્ય ત્રણ સ્ટમ્પ પૈકીના વચલા સ્ટમ્પની પાછળ બેસીને, સામેના છેડે આવેલા એકલ સ્ટમ્પ કે પથરાને એવી રીતે ખસેડવાની સૂચના આપતો કે જેથી એ સ્ટમ્પ કે પથરો સીધી રેખામાં દેખાય. દરમિયાનમાં, ત્રીજો હરખપદુડો ચોગ્ગાની સીમારેખાને બાંધવા માટે રોડાંને ચોક્કસ અંતરે ગોઠવતો.

ઘણી ટુકડીઓમાં પ્રારંભિક બેટિંગ કરનાર જોડીમાં એક જમણેરી અને એક ડાબોડી બેટ્સમેનની પસંદગી કરવામાં આવતી. જેથી શરૂઆતથી જ સામેની ટુકડીને ક્ષેત્રરક્ષણ એટલે કે ફિલ્ડિંગ ગોઠવવામાં મુશ્કેલી પડે! કપિલ દેવની માફક કેટલાક બેટ્સમેન આકાશ સામે મોઢું કરીને ભરબપોરે પણ સૂર્યદર્શન કરતા. કોઈ બેટવીર જમીન ઉપર માથું ટેકવીને ધરતીમાતાના આશીર્વાદ પણ મેળવતા. કેટલાક બેટધર બેટને ચૂમતા. કોઈ બોલર ટેનિસના બોલને પોતાના પાટલૂન ઉપર ઘસતા! સારા અક્ષર ધરાવતો છોકરો પાછલા વર્ષની નોટબૂકનાં કોરાં રહી ગયેલાં પાનાં ઉપર સ્કોર લખતો. વિરામ-વખત દરમિયાન મેદાનની આસપાસ ઊભેલી લારીઓમાંથી, પોતાના ખિસ્સાને પોસાય એ રીતે કશું ખાઈ લેવાનું રહેતું. મેદાનની નજીક આવેલા બગીચામાં છોડ-ઝાડને પાણી પાવા માટે ગોઠવેલી પાઇપને મોઢા આગળ મૂકીને તરસ છિપાવવામાં આવતી. ગરમી આકરી હોય તો બરફનો ગોળો કે શેરડીનો રસ વેચતી લારીઓ તરફ નજર દોડાવવાની રહેતી. રન-આઉટ, સ્ટમ્પ-આઉટ, નો-બોલ, વાઇડ-બોલના મામલે સામેની ટુકડીના સભ્યો સાથે થતી જીભાજોડી ગાળાગાળીથી માંડીને ગડદાપાટું સુધી પહોંચતી. ક્યારેક તો ક્રિકેટનાં સાધનોનો પણ છૂટથી ઉપયોગ થતો. જોકે, સમાધાનના ભરચક પ્રયાસોના અંતે 'સજ્જનોની રમત' ફરી વાર શરૂ પણ થતી!

...........................................................................
સૌજન્ય :

ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Wednesday, April 20, 2016

અંગ્રેજી ભાષા, દેશી મજા : 120

'એની વાતમાં કોઈ ઠેકાણું નથી.'

આ વાક્યનું અંગ્રેજી ભાષાંતર 'There is no address in his talk.' ન કરાય!

ભાષાની મજા, મજાની ભાષા - 902

'પારિતોષક' નહીં, 'પારિતોષિક' બોલો, મારા ભાઈ!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 119

લખવામાં સરતચૂક થાય તો 'મિશનરી'નું 'મશીનરી' પણ થઈ જાય!

અંગ્રેજી ભાષા, દેશી મજા : 118

એ છોકરો જેને 'ટ્રેટ્કર' કહેતો હતો, તે ખરેખર 'ટ્રેક્ટર' હતું!

Tuesday, April 19, 2016

લીમડો : રાષ્ટ્રીય કક્ષાનું 'સ્થાનિક વૃક્ષ'

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………

ઘરની બારીમાંથી દેખાતો લીમડો
તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar

એક સમયે તંદુરસ્તી માટે ચૈત્ર સુદ એકમે લીમડાનાં કૂમળાં પર્ણ અને ફૂલને આંબલી, ગોળ, અજમા, જીરું, મરી, સિંધવ, હિંગ સાથે મિશ્ર કરીને ખાવામાં આવતાં હતાં. ચૈત્ર માસમાં શહેરીજનો લીમડાની ખબર લઈ નાખે છે! શક્તિ અને વૃત્તિ અનુસાર, ચૈત્રી નોમ સુધી લીમડાનું પાણી પીવા માટેની તૈયારી થાય છે. અમદાવાદમાં રસ્તાની ધારે, દેવીપૂજક કુટુંબો લીમડાના મોરની ઝૂડી વેચીને ઉદ્યમિતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કેટલાક શહેરીજનો દશ રૂપિયા આપીને ફૂલમંજરીની એક ઝૂડી ખરીદે છે. તેને પાણીમાં ઉકાળીને, ગાળીને, ઠારીને, નરણા કોઠે પીવે છે. પછી આખો દિવસ જે ખાવું હોય એ ખાય છે! એક જમાનામાં બાળકો લીમડાની સુકાઈ ગયેલી સળીઓને ભેગી કરીને, તેની નાનકડી સાવરણી બનાવતાં અને તેના વડે આંગણું વાળવાનો ભવ્ય દેખાવ કરતાં હતાં. દાંતાવાળી કિનારીના કારણે નોખાં પડતાં, લીમડાનાં સૂકાં પાંદડાંને સળીમાં પરોવીને તેનો પર્ણગુચ્છ બનાવવામાં આવતો. ચોમાસામાં મચ્છરની દાદાગીરી વધી જાય એટલે ઘરમાં લીમડાનાં પાનનો ધુમાડો કરવામાં આવતો. બાલિકાઓનાં વીંધાયેલાં નાક-કાનનાં કાણાં પુરાઈ ન જાય એ માટે લીમડાની સળી વહારે આવતી. લીંબડામાં ફળરૂપે બેસતી લીંબોળીને, હળવેથી દાબીને તેનો ગર સાથેનો ઠળિયો મમળાવવાનો આનંદ તો જેણે અનુભવ્યો હોય એ જાણે! લીંબોળીનાં સૂકાં બીજમાંથી તેલ બનતું. લીંબોળીનાં તેલથી ગમે તેવી માથાભારે જૂ મરતી. શરીરે અળાઈઓ આકાર લેતી ત્યારે લીમડાનાં ફૂલ-પાનને પાણીમાં ઉકાળવામાં આવતાં. મા નવડાવે ત્યારે હૂંફાળાં નીમજળનો રેલો હોઠે પહોંચે એટલે મોઢું કડવું-કડવું થઈ જતું.

ઉનાળામાં તાપ-તડકાની ગરમાગરમ ચર્ચા કરવા કરતાં ખાટલી કે ખુરશી લઈને ઘેઘૂર લીમડાના છાંયડે જવાનો પ્રયોગ કરી શકાય. વંટોળિયો આવે ત્યારે શહેરની શેરીઓમાં ઊડતાં, લીમડાનાં સૂકાં પાંદડાંની દિશા અને ગતિ નિરખવાની મજા પડશે. થાકેલા રિક્ષાચાલકો માટે ભરબપોરે લીમડાનો આશ્રય 'જાહેર આરામગૃહ' બની જાય છે. પસ્તીવીરો નીમછાંયે લારી ઉપર લંબાવીને, પૂઠાંની થપ્પી ઉપર માથું ટેકવીને બપોરીય ઊંઘ ખેંચી કાઢે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી ઘટાદાર અને છટાદાર લીમડાના વૃક્ષની શોધ આદરીને, તેનું 'નીમશ્રી' પારિતોષિકથી કુદરતી સન્માન કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવા જેવો છે. અમદાવાદમાં 'ગોળ લીમડા', 'દાણી લીમડા', 'બળિયા લીમડી', 'લીમડા શેરી' જેવાં ઠેકાણાં અસ્તિત્વમાં છે. વડ ઉપરથી 'વડોદરા' કહેવાતું હોય તો, લીમડા ઉપરથી અમદાવાદને 'લીમડાવાદ' અને પાનખર ઋતુમાં લીમડાનાં પાંદડાં ઊડતાં હોય ત્યારે કર્ણાવતીને 'નીમપર્ણાવતી' કહી શકાય!

…………………………………………………………
સૌજન્ય :

લીમડો : રાષ્ટ્રીય કક્ષાનું 'સ્થાનિક વૃક્ષ'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Monday, April 18, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 901

National Assessment and Accreditation Council (NAAC) માટે ગુજરાતી અનુવાદ 'રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ' અને સંક્ષિપ્ત રૂપ 'રા. મૂ. મા. પ.' કરી શકાય.

આ જ પ્રમાણે, Internal Quality Assurance Cell (IQAC) માટે ગુજરાતી અનુવાદ 'આંતરિક ગુણવત્તા ખાતરી એકમ' અને સંક્ષિપ્ત રૂપ 'આં. ગુ. ખા. એ.' કરી શકાય.

Tuesday, April 12, 2016

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………

મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫) ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯) હતા. તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫) તરીકે સેવારત હતા. દેશ-દુનિયામાં ગમે ત્યાં હોય, કુલપતિ મોરારજીભાઈ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં દર વર્ષે ૧૨ ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી નિવાસ કરતા હતા. તેઓ ૧૮ ઓક્ટોબરના રોજ, વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં કેળવણીકુંજના કુલપતિની હેસિયતથી ભાષણ કરતા. મોરારજીભાઈ વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયના ભાઈઓ સાથે એક દિવસ અને કન્યા છાત્રાલયની બહેનો સાથે એક દિવસ ભોજન લેતા હતા. એ વેળાએ કોઈ પદાધિકારીની હાજરી ન હોય એટલે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પોતાનાં શિક્ષણ, નિવાસ, ભોજન વિષયક સવાલો તેમને પૂછી શકતાં હતાં. આ જ રીતે, તેઓ અતિથિગૃહના ભોંયતળિયે, સંસ્થા-સંચાલકોની અનુપસ્થિતિમાં અધ્યાપકો અને વહીવટી કાર્યકરોને એક-એક કલાક સુધી સાંભળતા હતા. મોરારજીભાઈના બિનવાતાનુકૂલિત નિવાસખંડમાં બેસવા માટે લાકડાની પાટ અને પાણી પીવા માટે માટલી મૂકેલી હતી. તેમણે આ જ નિવાસખંડમાં અમદાવાદનાં કોમી રમખાણો (ઓક્ટોબર, ૧૯૬૯) અને નવનિર્માણ આંદોલન (માર્ચ, ૧૯૭૪) વખતે ઉપવાસ કર્યા હતા.

સમયની ચુસ્તી જાળવીને, મોરારજીભાઈ સાંજે પાંચથી છ સુધી ઉપાસનાખંડમાં હાજર રહેતા હતા. તેઓ ખાદીનો સ્વચ્છ-સુઘડ પોશાક તેમજ અણીદાર ટોપી પહેરીને, હાથમાં રેંટિયો લઈને, પાંચનો સમય થવામાં બે મિનિટ બાકી હોય ત્યારે આવી પહોંચતા. યોગીપુરુષની પેઠે ધ્યાનમુદ્રામાં ટટ્ટાર બેસતા. પ્રાર્થના બાદ ત્રીસ મિનિટ સુધી, એક પણ તાર ન તૂટે એવું સાતત્યપૂર્ણ કાંતણ કરતા. રેંટિયો કાંતવામાં મોરારજીભાઈની ઝડપ ધ્યાન ખેંચે એવી હતી. મોટા ભાગે, જાતે કાંતેલા સૂતરમાંથી તેમનો પોશાક તૈયાર થતો. ગૃહમંત્રી, નાણામંત્રી, કે વડાપ્રધાન મોરારજી દેસાઈ દેશ-દુનિયામાં ક્યાંય પણ જાય, પોતાની સાથે રેંટિયો રાખતા. કાંતણ બાદનું તેમનું ત્રીસ મિનિટનું પ્રવચન સાંભળવા માટે, નગરજનો પણ વિદ્યાપીઠના પરિસરમાં આવતા હતા. મોરારજીભાઈ વહેલી સવારે નિયમિત અને ઝડપભેર ચાલતા હતા. તેઓ વિદ્યાપીઠના રમતોત્સવને ખુલ્લો મૂકતા. રમતના મેદાન ઉપર વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રસ્સાખેંચ અને સેવકો માટે તેજચાલ જેવી સ્પર્ધા પણ થતી. આ સ્પર્ધાના નિર્ણાયક બનવામાં, ખુદ કુલપતિ મોરારજી દેસાઈ ઉત્સાહી હોય એવા એ દિવસો હતા! ગૂજરાત વિદ્યાપીઠના 'પ્રાણજીવન વિદ્યાર્થીભવન'માં 'મોરારજી દેસાઈ સંગ્રહાલય' જાણવાલાયક જગ્યા છે. સાબરમતીના તીરે, ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની પડોશમાં, એકાદશવ્રતી મોરારજીભાઈનો દેહ પંચમહાભૂતમાં ભળ્યો હતો. તેમની સમાધિ 'અભયઘાટ' તરીકે ઓળખાય છે. અમદાવાદીઓએ સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા, શાતાનો ચતુર્વેણી અનુભવ કરવો હોય તો 'અભયઘાટ'ની મુલાકાત લેવા જેવી છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Monday, April 11, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 900

ત્રણેક વર્ષની 'ઋજુલ' છોકરી 'સરગવા'ને 'ખેંચીને ખાવાનું શાક' કહે છે!   

Sunday, April 10, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 899

'રુષિ' નહીં, પણ 'ઋષિ' લખો.
કારણ કે, ધ્યાનથી જોશો તો 'રુષિ'ની જોડણીમાં નહીં, પણ 'ષિ'ની જોડણીમાં શિખા એટલે કે ચોટલી જોવા મળે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 898

'દુકાનમાં લીલાં નારિયેળ વેચે છે.'
'દુકાનમાં લીલા નારિયેળ વેચે છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 897


તેઓ જેને 'કૃપલાણી' કહે છે, તે ખરેખર 'કૃપાલાની' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 896

'વિલાયત' એટલે શું?
'પરદેશ' કે 'સ્વદેશ'?!

ભાષાની મજા, મજાની ભાષા - 895

તેઓ જેને 'પાઇનેપલ' કહે છે, તે ખરેખર 'પાઇન એપલ' છે!

ભાષાની મજા, મજાની ભાષા - 894

કાં 'મોરારજી દેસાઈ'નો ઉલ્લેખ કરો, કાં 'મોરારિબાપુ'નો ઉલ્લેખ કરો.
કેટલાંક લોકો અજાણપણે 'મોરારજીબાપુ' જેવો પ્રયોગ પણ કરે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 893

તેઓ જેને 'સૂચિબહેન' કહે છે, તે ખરેખર 'શુચિબહેન' છે!

ભાષાની મજા, મજાની ભાષા - 892

હિંદીમાં 'શક' અને ગુજરાતીમાં 'શક' ભિન્ન અર્થ ધરાવે છે.

ભાષાની મજા, મજાની ભાષા - 891

તેઓ જેને 'ગોળમ ટોળ' વાંચે છે, તે ખરેખર 'ગોળમટોળ' છે!

ભાષાની મજા, મજાની ભાષા - 890

સાચું છું?

'નારિયેળીનાં વૃક્ષો' કે નારિયેળનાં વૃક્ષો'?

ભાષાની મજા, મજાની ભાષા - 889

તેમણે કહ્યું : 'સરોવરનાં પાણીમાં કમર ખીલે છે.'
આ સાંભળીને તમને નવાઈ ન લાગવી જોઈએ.
કારણ કે, તેઓ 'ળ'નો 'ર' બોલે છે!

Wednesday, April 6, 2016

વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

એક વખત એવો હતો કે, શહેરમાં મીઠાંનું અખંડ સ્ફટિક-સ્વરૂપ જોવા મળતું હતું. ફેરિયા ચાર પૈડાંવાળી લારીમાં મીઠાંના ગાંગડાનો નાનકડો 'પહાડ' ખડકીને આવતા હતા. એમાં પણ, ઉનાળામાં સૂર્યનાં સીધાં કિરણો મીઠાંના ઢગ ઉપર પડતાં ત્યારે આંખો અંજાઈ જતી હતી. 'દળેલું' ન હોય તેવું મીઠું 'આખું મીઠું' કે 'ગાંગડા મીઠું' તરીકે ઓળખાતું હતું. શહેરમાં ભંગારની લે-વેચ કરતા ફેરિયા કાચના અડધા ભારે 'આખું મીઠું' આપતા હતા. ઘરમાં ભેગી થયેલી દવાની ખાલી શીશીઓ કે કાચની નકામી બાટલીઓનું વજન એક કિલોગ્રામ થાય તો તેના બદલામાં પાંચસો ગ્રામ ગાંગડિયું મીઠું મળી રહેતું. અને તે પણ કોઈ 'શરતો લાગુ' પાડ્યા સિવાય! એ સમયે કેરીનાં અથાણાં આખા વર્ષ દરમિયાન બગડે નહીં એ માટે, તેમાં સાચવણ (પ્રિઝર્વેટિવ) તરીકે આખું મીઠું નાખવામાં આવતું હતું. અનાજની સાચવણી કરવાની હોય ત્યારે પણ, મીઠાંના ગાંગડાને યાદ કરવામાં આવતા હતા. દેશી ઉપચાર કે ડોશીમાનાં વૈદાંમાં પણ લવણના ગાંગડા ઉપયોગી સાબિત થતા હતા. વિક્રમ સંવતના પ્રથમ પરોઢિયે, કિશોરો 'સબરસ'ની બૂમો પાડીને, મીઠાંના ગાંગડા વેચવા નીકળતા હતા. નગરજનો વર્ષની પહેલી સાંકેતિક ખરીદીરૂપે ચાર-આઠ આના કે એક-બે રૂપિયાનું શુકનિયાળ 'સબરસ' ખરીદતા હતા. લગ્ન જેવા માંગલિક પ્રસંગે, બાજઠ ઉપર ગણેશ-સ્થાપના કરવામાં આવે ત્યારે, મીઠાંના ગાંગડાનું પણ સ્થાપન થતું હતું. નવા મકાનમાં કળશ-વિધિ કરવામાં આવે ત્યારે, પાણિયારા ઉપર માટલીની જોડે આખું મીઠું મૂકવામાં આવતું હતું.

નારિયેળનાં વૃક્ષો મોટા ભાગે દરિયાકાંઠે લહેરાતાં જોવા મળે. આથી, શહેરમાં ઘરઆંગણે નારિયેળનો છોડ રોપીએ ત્યારે તેને ક્ષારતત્વો મળે તે માટે મીઠાંના ગાંગડા નાખવામાં આવતા હતા. ચકલી-કબૂતર-કાબર-હોલા જેવાં પક્ષીઓ કે તેમનાં બચ્ચાં, કાયમ માટે શ્વાસ મૂકે ત્યારે માનવ-બચ્ચાં દુઃખી થઈ જતાં. પંખીના મૃતદેહની અંતિમવિધિ કરવા માટે મહોલ્લાનાં બાળકો પોતાના ઘરેથી મીઠાંના બે-ચાર નંગ ગાંગડા લઈને આવતાં. સાણસી જેવા હાથવગા સાધનથી ખોદાયેલા ખાડામાં, મીઠાંના ગાંગડા અને માટીના થર વચ્ચે પક્ષીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી જતો હતો. કચ્છના નાના રણમાં નમક પકવતા અગરિયા 'ભવની ભાંગે ભૂખ રે, ગાંગડો વહાલો લાગે સે' જેવું લોકગીત લલકારે છે. અગરિયાનાં બાળુડાં માટે ગાંગડા એ જ રમકડાં છે, જ્યારે નગરિયાનાં બાળકોએ આખું મીઠું ન પણ જોયું હોય! આજકાલ, વ્યક્તિની મુઠ્ઠીમાંથી સરી જતાં બારીક મીઠાંની જાહેરખબર જોવા મળે છે. જોકે, વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલાં મીઠાંના ગાંગડા કેવળ યાદોના ગઠ્ઠા બનીને રહી ગયા છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૪-૨૦૧૬, મંગળવાર