આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………
|
ઘરની બારીમાંથી દેખાતો લીમડો તસવીર : ડૉ. અશ્વિનકુમાર Photograph : Dr. Ashwinkumar |
એક સમયે તંદુરસ્તી માટે ચૈત્ર સુદ એકમે લીમડાનાં કૂમળાં પર્ણ અને ફૂલને આંબલી, ગોળ, અજમા, જીરું, મરી, સિંધવ, હિંગ સાથે મિશ્ર કરીને ખાવામાં આવતાં હતાં. ચૈત્ર માસમાં શહેરીજનો લીમડાની ખબર લઈ નાખે છે! શક્તિ અને વૃત્તિ અનુસાર, ચૈત્રી નોમ સુધી લીમડાનું પાણી પીવા માટેની તૈયારી થાય છે. અમદાવાદમાં રસ્તાની ધારે, દેવીપૂજક કુટુંબો લીમડાના મોરની ઝૂડી વેચીને ઉદ્યમિતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કેટલાક શહેરીજનો દશ રૂપિયા આપીને ફૂલમંજરીની એક ઝૂડી ખરીદે છે. તેને પાણીમાં ઉકાળીને, ગાળીને, ઠારીને, નરણા કોઠે પીવે છે. પછી આખો દિવસ જે ખાવું હોય એ ખાય છે! એક જમાનામાં બાળકો લીમડાની સુકાઈ ગયેલી સળીઓને ભેગી કરીને, તેની નાનકડી સાવરણી બનાવતાં અને તેના વડે આંગણું વાળવાનો ભવ્ય દેખાવ કરતાં હતાં. દાંતાવાળી કિનારીના કારણે નોખાં પડતાં, લીમડાનાં સૂકાં પાંદડાંને સળીમાં પરોવીને તેનો પર્ણગુચ્છ બનાવવામાં આવતો. ચોમાસામાં મચ્છરની દાદાગીરી વધી જાય એટલે ઘરમાં લીમડાનાં પાનનો ધુમાડો કરવામાં આવતો. બાલિકાઓનાં વીંધાયેલાં નાક-કાનનાં કાણાં પુરાઈ ન જાય એ માટે લીમડાની સળી વહારે આવતી. લીંબડામાં ફળરૂપે બેસતી લીંબોળીને, હળવેથી દાબીને તેનો ગર સાથેનો ઠળિયો મમળાવવાનો આનંદ તો જેણે અનુભવ્યો હોય એ જાણે! લીંબોળીનાં સૂકાં બીજમાંથી તેલ બનતું. લીંબોળીનાં તેલથી ગમે તેવી માથાભારે જૂ મરતી. શરીરે અળાઈઓ આકાર લેતી ત્યારે લીમડાનાં ફૂલ-પાનને પાણીમાં ઉકાળવામાં આવતાં. મા નવડાવે ત્યારે હૂંફાળાં નીમજળનો રેલો હોઠે પહોંચે એટલે મોઢું કડવું-કડવું થઈ જતું.
ઉનાળામાં તાપ-તડકાની ગરમાગરમ ચર્ચા કરવા કરતાં ખાટલી કે ખુરશી લઈને ઘેઘૂર લીમડાના છાંયડે જવાનો પ્રયોગ કરી શકાય. વંટોળિયો આવે ત્યારે શહેરની શેરીઓમાં ઊડતાં, લીમડાનાં સૂકાં પાંદડાંની દિશા અને ગતિ નિરખવાની મજા પડશે. થાકેલા રિક્ષાચાલકો માટે ભરબપોરે લીમડાનો આશ્રય 'જાહેર આરામગૃહ' બની જાય છે. પસ્તીવીરો નીમછાંયે લારી ઉપર લંબાવીને, પૂઠાંની થપ્પી ઉપર માથું ટેકવીને બપોરીય ઊંઘ ખેંચી કાઢે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી ઘટાદાર અને છટાદાર લીમડાના વૃક્ષની શોધ આદરીને, તેનું 'નીમશ્રી' પારિતોષિકથી કુદરતી સન્માન કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવા જેવો છે. અમદાવાદમાં 'ગોળ લીમડા', 'દાણી લીમડા', 'બળિયા લીમડી', 'લીમડા શેરી' જેવાં ઠેકાણાં અસ્તિત્વમાં છે. વડ ઉપરથી 'વડોદરા' કહેવાતું હોય તો, લીમડા ઉપરથી અમદાવાદને 'લીમડાવાદ' અને પાનખર ઋતુમાં લીમડાનાં પાંદડાં ઊડતાં હોય ત્યારે કર્ણાવતીને 'નીમપર્ણાવતી' કહી શકાય!
…………………………………………………………
સૌજન્ય :
લીમડો : રાષ્ટ્રીય કક્ષાનું 'સ્થાનિક વૃક્ષ'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર
આશ્વિન્ભૈ,
ReplyDeleteહું વાચીસ, તમ્તમારે લખ્યે રાખો. મજ્જા આવે છે.
-ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
સર ખરેખર મજાનું લાગ્યું .
ReplyDelete