Wednesday, April 6, 2016

વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

એક વખત એવો હતો કે, શહેરમાં મીઠાંનું અખંડ સ્ફટિક-સ્વરૂપ જોવા મળતું હતું. ફેરિયા ચાર પૈડાંવાળી લારીમાં મીઠાંના ગાંગડાનો નાનકડો 'પહાડ' ખડકીને આવતા હતા. એમાં પણ, ઉનાળામાં સૂર્યનાં સીધાં કિરણો મીઠાંના ઢગ ઉપર પડતાં ત્યારે આંખો અંજાઈ જતી હતી. 'દળેલું' ન હોય તેવું મીઠું 'આખું મીઠું' કે 'ગાંગડા મીઠું' તરીકે ઓળખાતું હતું. શહેરમાં ભંગારની લે-વેચ કરતા ફેરિયા કાચના અડધા ભારે 'આખું મીઠું' આપતા હતા. ઘરમાં ભેગી થયેલી દવાની ખાલી શીશીઓ કે કાચની નકામી બાટલીઓનું વજન એક કિલોગ્રામ થાય તો તેના બદલામાં પાંચસો ગ્રામ ગાંગડિયું મીઠું મળી રહેતું. અને તે પણ કોઈ 'શરતો લાગુ' પાડ્યા સિવાય! એ સમયે કેરીનાં અથાણાં આખા વર્ષ દરમિયાન બગડે નહીં એ માટે, તેમાં સાચવણ (પ્રિઝર્વેટિવ) તરીકે આખું મીઠું નાખવામાં આવતું હતું. અનાજની સાચવણી કરવાની હોય ત્યારે પણ, મીઠાંના ગાંગડાને યાદ કરવામાં આવતા હતા. દેશી ઉપચાર કે ડોશીમાનાં વૈદાંમાં પણ લવણના ગાંગડા ઉપયોગી સાબિત થતા હતા. વિક્રમ સંવતના પ્રથમ પરોઢિયે, કિશોરો 'સબરસ'ની બૂમો પાડીને, મીઠાંના ગાંગડા વેચવા નીકળતા હતા. નગરજનો વર્ષની પહેલી સાંકેતિક ખરીદીરૂપે ચાર-આઠ આના કે એક-બે રૂપિયાનું શુકનિયાળ 'સબરસ' ખરીદતા હતા. લગ્ન જેવા માંગલિક પ્રસંગે, બાજઠ ઉપર ગણેશ-સ્થાપના કરવામાં આવે ત્યારે, મીઠાંના ગાંગડાનું પણ સ્થાપન થતું હતું. નવા મકાનમાં કળશ-વિધિ કરવામાં આવે ત્યારે, પાણિયારા ઉપર માટલીની જોડે આખું મીઠું મૂકવામાં આવતું હતું.

નારિયેળનાં વૃક્ષો મોટા ભાગે દરિયાકાંઠે લહેરાતાં જોવા મળે. આથી, શહેરમાં ઘરઆંગણે નારિયેળનો છોડ રોપીએ ત્યારે તેને ક્ષારતત્વો મળે તે માટે મીઠાંના ગાંગડા નાખવામાં આવતા હતા. ચકલી-કબૂતર-કાબર-હોલા જેવાં પક્ષીઓ કે તેમનાં બચ્ચાં, કાયમ માટે શ્વાસ મૂકે ત્યારે માનવ-બચ્ચાં દુઃખી થઈ જતાં. પંખીના મૃતદેહની અંતિમવિધિ કરવા માટે મહોલ્લાનાં બાળકો પોતાના ઘરેથી મીઠાંના બે-ચાર નંગ ગાંગડા લઈને આવતાં. સાણસી જેવા હાથવગા સાધનથી ખોદાયેલા ખાડામાં, મીઠાંના ગાંગડા અને માટીના થર વચ્ચે પક્ષીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી જતો હતો. કચ્છના નાના રણમાં નમક પકવતા અગરિયા 'ભવની ભાંગે ભૂખ રે, ગાંગડો વહાલો લાગે સે' જેવું લોકગીત લલકારે છે. અગરિયાનાં બાળુડાં માટે ગાંગડા એ જ રમકડાં છે, જ્યારે નગરિયાનાં બાળકોએ આખું મીઠું ન પણ જોયું હોય! આજકાલ, વ્યક્તિની મુઠ્ઠીમાંથી સરી જતાં બારીક મીઠાંની જાહેરખબર જોવા મળે છે. જોકે, વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલાં મીઠાંના ગાંગડા કેવળ યાદોના ગઠ્ઠા બનીને રહી ગયા છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૪-૨૦૧૬, મંગળવાર

No comments:

Post a Comment