Tuesday, April 26, 2016

ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

...........................................................................

છોકરાઓને શાળા-મહાશાળાઓમાં ઉનાળુ રજાઓ પડતાંની સાથે ક્રિકેટ રમવાનો ભારે ચસકો લાગતો. ઈ.સ. ૧૯૮૩માં ઇંગ્લૅન્ડની ધરતી ઉપર ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો એની પ્રભાવક અસર 'ભારતના માન્ચેસ્ટર'માં પણ થઈ હતી. શહેરમાં જ્યાં મેદાન હોય ત્યાં છોકરાઓ સવારથી જ ક્રિકેટની રમતનાં સાધનો સાથે પહોંચી જતા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા મેદાનની ઓળખ 'ફૂટબોલ ગ્રાઉન્ડ' તરીકેની, પણ એમાં મોટા ભાગે ક્રિકેટ જ રમાતી હતી! ક્રિકેટની એટલી બધી ટુકડીઓ આવતી કે કોણે, કોનો દડો ક્યાં, ક્યારે ફટકાર્યો એ જોવા માટે સજાગ રહેવું પડતું. મેદાનમાં સૌથી પહેલાં પહોંચે તેને પિચ માટે સારામાં સારી જગ્યા મળતી. છોકરાઓ વારાફરતી પેશાબ કરીને ભોંયને ભીની કરતા, જેના કારણે સ્ટમ્પ ખોડવામાં ઓછી તકલીફ પડે! ટુકડીમાં જે 'વીર ચોકસાઈવાળો' હોય તે ત્રણ સ્ટમ્પથી, બાવીસ મોટાં ડગલાં ભરીને સામેના છેડે પહોંચીને ત્યાં એક સ્ટમ્પ કે પથરો ગોઠવી દેતો. બીજો ઉત્સાહી જણ મુખ્ય ત્રણ સ્ટમ્પ પૈકીના વચલા સ્ટમ્પની પાછળ બેસીને, સામેના છેડે આવેલા એકલ સ્ટમ્પ કે પથરાને એવી રીતે ખસેડવાની સૂચના આપતો કે જેથી એ સ્ટમ્પ કે પથરો સીધી રેખામાં દેખાય. દરમિયાનમાં, ત્રીજો હરખપદુડો ચોગ્ગાની સીમારેખાને બાંધવા માટે રોડાંને ચોક્કસ અંતરે ગોઠવતો.

ઘણી ટુકડીઓમાં પ્રારંભિક બેટિંગ કરનાર જોડીમાં એક જમણેરી અને એક ડાબોડી બેટ્સમેનની પસંદગી કરવામાં આવતી. જેથી શરૂઆતથી જ સામેની ટુકડીને ક્ષેત્રરક્ષણ એટલે કે ફિલ્ડિંગ ગોઠવવામાં મુશ્કેલી પડે! કપિલ દેવની માફક કેટલાક બેટ્સમેન આકાશ સામે મોઢું કરીને ભરબપોરે પણ સૂર્યદર્શન કરતા. કોઈ બેટવીર જમીન ઉપર માથું ટેકવીને ધરતીમાતાના આશીર્વાદ પણ મેળવતા. કેટલાક બેટધર બેટને ચૂમતા. કોઈ બોલર ટેનિસના બોલને પોતાના પાટલૂન ઉપર ઘસતા! સારા અક્ષર ધરાવતો છોકરો પાછલા વર્ષની નોટબૂકનાં કોરાં રહી ગયેલાં પાનાં ઉપર સ્કોર લખતો. વિરામ-વખત દરમિયાન મેદાનની આસપાસ ઊભેલી લારીઓમાંથી, પોતાના ખિસ્સાને પોસાય એ રીતે કશું ખાઈ લેવાનું રહેતું. મેદાનની નજીક આવેલા બગીચામાં છોડ-ઝાડને પાણી પાવા માટે ગોઠવેલી પાઇપને મોઢા આગળ મૂકીને તરસ છિપાવવામાં આવતી. ગરમી આકરી હોય તો બરફનો ગોળો કે શેરડીનો રસ વેચતી લારીઓ તરફ નજર દોડાવવાની રહેતી. રન-આઉટ, સ્ટમ્પ-આઉટ, નો-બોલ, વાઇડ-બોલના મામલે સામેની ટુકડીના સભ્યો સાથે થતી જીભાજોડી ગાળાગાળીથી માંડીને ગડદાપાટું સુધી પહોંચતી. ક્યારેક તો ક્રિકેટનાં સાધનોનો પણ છૂટથી ઉપયોગ થતો. જોકે, સમાધાનના ભરચક પ્રયાસોના અંતે 'સજ્જનોની રમત' ફરી વાર શરૂ પણ થતી!

...........................................................................
સૌજન્ય :

ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર

2 comments:

  1. લીમડા પછી વધુ એક માસ્ટરપીસ. મજા આવી ગઈ :))))))))))

    ReplyDelete
  2. પ્રિય વિશાલ, આભાર અને આનંદ એકસાથે!

    ReplyDelete