Tuesday, April 12, 2016

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………

મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫) ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯) હતા. તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫) તરીકે સેવારત હતા. દેશ-દુનિયામાં ગમે ત્યાં હોય, કુલપતિ મોરારજીભાઈ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં દર વર્ષે ૧૨ ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી નિવાસ કરતા હતા. તેઓ ૧૮ ઓક્ટોબરના રોજ, વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં કેળવણીકુંજના કુલપતિની હેસિયતથી ભાષણ કરતા. મોરારજીભાઈ વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયના ભાઈઓ સાથે એક દિવસ અને કન્યા છાત્રાલયની બહેનો સાથે એક દિવસ ભોજન લેતા હતા. એ વેળાએ કોઈ પદાધિકારીની હાજરી ન હોય એટલે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પોતાનાં શિક્ષણ, નિવાસ, ભોજન વિષયક સવાલો તેમને પૂછી શકતાં હતાં. આ જ રીતે, તેઓ અતિથિગૃહના ભોંયતળિયે, સંસ્થા-સંચાલકોની અનુપસ્થિતિમાં અધ્યાપકો અને વહીવટી કાર્યકરોને એક-એક કલાક સુધી સાંભળતા હતા. મોરારજીભાઈના બિનવાતાનુકૂલિત નિવાસખંડમાં બેસવા માટે લાકડાની પાટ અને પાણી પીવા માટે માટલી મૂકેલી હતી. તેમણે આ જ નિવાસખંડમાં અમદાવાદનાં કોમી રમખાણો (ઓક્ટોબર, ૧૯૬૯) અને નવનિર્માણ આંદોલન (માર્ચ, ૧૯૭૪) વખતે ઉપવાસ કર્યા હતા.

સમયની ચુસ્તી જાળવીને, મોરારજીભાઈ સાંજે પાંચથી છ સુધી ઉપાસનાખંડમાં હાજર રહેતા હતા. તેઓ ખાદીનો સ્વચ્છ-સુઘડ પોશાક તેમજ અણીદાર ટોપી પહેરીને, હાથમાં રેંટિયો લઈને, પાંચનો સમય થવામાં બે મિનિટ બાકી હોય ત્યારે આવી પહોંચતા. યોગીપુરુષની પેઠે ધ્યાનમુદ્રામાં ટટ્ટાર બેસતા. પ્રાર્થના બાદ ત્રીસ મિનિટ સુધી, એક પણ તાર ન તૂટે એવું સાતત્યપૂર્ણ કાંતણ કરતા. રેંટિયો કાંતવામાં મોરારજીભાઈની ઝડપ ધ્યાન ખેંચે એવી હતી. મોટા ભાગે, જાતે કાંતેલા સૂતરમાંથી તેમનો પોશાક તૈયાર થતો. ગૃહમંત્રી, નાણામંત્રી, કે વડાપ્રધાન મોરારજી દેસાઈ દેશ-દુનિયામાં ક્યાંય પણ જાય, પોતાની સાથે રેંટિયો રાખતા. કાંતણ બાદનું તેમનું ત્રીસ મિનિટનું પ્રવચન સાંભળવા માટે, નગરજનો પણ વિદ્યાપીઠના પરિસરમાં આવતા હતા. મોરારજીભાઈ વહેલી સવારે નિયમિત અને ઝડપભેર ચાલતા હતા. તેઓ વિદ્યાપીઠના રમતોત્સવને ખુલ્લો મૂકતા. રમતના મેદાન ઉપર વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રસ્સાખેંચ અને સેવકો માટે તેજચાલ જેવી સ્પર્ધા પણ થતી. આ સ્પર્ધાના નિર્ણાયક બનવામાં, ખુદ કુલપતિ મોરારજી દેસાઈ ઉત્સાહી હોય એવા એ દિવસો હતા! ગૂજરાત વિદ્યાપીઠના 'પ્રાણજીવન વિદ્યાર્થીભવન'માં 'મોરારજી દેસાઈ સંગ્રહાલય' જાણવાલાયક જગ્યા છે. સાબરમતીના તીરે, ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની પડોશમાં, એકાદશવ્રતી મોરારજીભાઈનો દેહ પંચમહાભૂતમાં ભળ્યો હતો. તેમની સમાધિ 'અભયઘાટ' તરીકે ઓળખાય છે. અમદાવાદીઓએ સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા, શાતાનો ચતુર્વેણી અનુભવ કરવો હોય તો 'અભયઘાટ'ની મુલાકાત લેવા જેવી છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

6 comments:

  1. બહુજ સરળ અને સુંદર લેખ, વાંચવાની મજા આવી, આભાર સર..!

    ReplyDelete
  2. ભારતમાં હવે આવા વિરલ રાજકારણી મળવા મુશ્કેલ.

    ReplyDelete
  3. Very good information

    ReplyDelete