Saturday, December 16, 2017

'એ તો આવનારો સમય જ બતાવશે' // હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર


'એ તો આવનારો સમય જ બતાવશે' - આ વાક્યનો પ્રયોગ કરવા માટે તત્વજ્ઞાનીથી માંડીને જ્યોતિષશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ વાક્ય ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનકાળમાં કરવામાં આવતી ભવિષ્યવાણી છે. ખોટા ન પડવું હોય તો, જોખમમાં ન મુકાવું હોય તો, વિવાદ ઊભો ન કરવો હોય તો, આવનારા સમયને યાદ કરી લેવો પડે. કારણ કે, જે બતાવવાનું હશે તે આવનારો સમય જ બતાવશે! ધોળાં લૂગડાં ઉપર છેલ્લી ઘડીએ ચોક્કસ રંગનો ખેસ ઓઢી લઈને ટિકિટ ફડાવી લીધાં પછી કયાં નેતા અને નેતી હારશે એ તો આગામી સમયે જ બતાવવું પડે. કઈ જ્ઞાતિએ કેટલી મતિથી કયા ઉમેદવારને શું કામ મત આપ્યો એ અત્યારનો સમય ન જ કહી શકે. ચૂંટણી પછીનાં સર્વેક્ષણો એ વીતેલા વખતની વાત છે, પરંતુ એ સાચાં પડશે કે ખોટાં પડશે એ તો ચેનલોની ભાષા પ્રમાણે 'આવનારો સમય' જ બતાવશે!

'આ તબક્કે કશુંક પણ બોલવું બહુ વહેલું ગણાશે', 'એ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે', 'અમને આમાં ઝાઝી ખબર પડતી નથી', 'અમારી અક્કલ ઘાસ ચરવા કે રાસ રચવા ગઈ છે' એવી કબૂ'લાત'થી બચવું હોય તો કહી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે.' કારણ કે, આવનારો સમય તો ગમે ત્યારે સામેથી આવતો જ હોય છે! 'એ તો આવનારો સમય જ બતાવશે' વાક્યમાં 'સમય'ને બદલવાનો નિષ્ફળ પ્રયાસ પણ ન કરવો. જૂની ગુજરાતી ભાષાના ચાહક કે પ્રચારક હોઈએ તોપણ 'સમય'ની જગ્યાએ 'વખત', અંગ્રેજી પ્રભાવ હેઠળ હોઈએ તોય 'સમય'ની જગ્યાએ 'ટાઇમ', ગમે તેટલા ધાર્મિક હોઈએ છતાં 'સમય'ના બદલે 'કાળ' બોલવાનું યાદ જ નહીં આવે. અને કોઈક કારણસર યાદ આવશે તોય મજા નહીં જ આવે!

એકાદ વાક્ય કે પાંચેક શબ્દો જેટલી જગ્યા બાકી રહેતી હોય તો તેને પૂરવા માટે યોગ્ય સમયની રાહ જોયા વિના આ વાક્ય લખી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'. 'બધું જ આવનારો સમય જ બતાવશે તો તમને નોકરીએ શેના માટે રાખ્યા છે?', એવું ઉપરીઅધિકારી પૂછે તો આપણે એટલું જ કહેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'! આવું બોલી બોલીને આ ભવમાં કેટલો સમય બગાડ્યો એ તો આવતા ભવમાં આવનારો સમય જ બતાવશે. બારસો શબ્દનો પૂ..રા કદનો લેખ ઢસડી કાઢ્યા પછી કે ત્રીસ મિનિટનો લાં..બો કાર્યક્રમ ઝીંકી કાઢ્યા પછી એના પૂંછડે 'એ તો આવનારો સમય જ બતાવશે' એવું સારવાક્ય મૂકવું હતું તો આટલી બધી વારતા કરવાની શી જરૂર હતી? કહેવાતો આ હાસ્યલેખ કેવો કંટાળાજનક છે એ તો આવનારો સમય નહીં, અત્યારનો સમય જ બતાવી રહ્યો છે!
....................................................................

'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

1 comment:

  1. વાહહહ અશ્વિનભાઈ

    ReplyDelete