હજી માંડ એકાદ દાયકા અગાઉ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ અંગ્રેજોપ્રેરિત શિક્ષણપદ્ધતિમાંથી મુક્તિ અપાવવાનો અને ખરા અર્થમાં આપણા દેશને ઉપયોગી થઈ શકે એવી શિક્ષણપદ્ધતિના અમલીકરણનો હતો. દેશના ઘડતરમાં રસ ધરાવતાં અનેક યુવક-યુવતીઓ વિદ્યાપીઠમાં જોડાતાં હતાં. રસિકભાઈની નજર સમક્ષ પણ એ જ ધ્યેય હતું. મામાસાહેબ ફડકેએ રસિકભાઈનું વલણ પારખીને ગૂજરાત વિદ્યાપીઠના 'ગ્રામસેવા મંદિર'માં પ્રવેશ લેવાનું સૂચવ્યું, એટલું જ નહીં, એ માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. રસિકભાઈ આ ગોઠવણ મુજબ તૈયારી કરીને અમદાવાદ ગયા. જો કે, અહીં સંજોગો બદલાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ અંગ્રેજી શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરનો વિરોધ કરતી દાંડીયાત્રા કાઢી હતી. દેશભરમાં અસહકારનું આંદોલન જોર પકડી રહ્યું હતું. જે જુસ્સાથી તેમાં ઠેરઠેરથી લોકો ભાગ લઈ રહ્યા હતા એ જોઈને આ વરસમાં ગૂજરાત વિદ્યાપીઠનું કામ પણ કામચલાઉ ધોરણે ખોરંભે પડી ગયું હતું. કદાચ આવા જ કોઈ સંજોગોવશાત 'ગ્રામસેવા મંદિર'ને એ અરસામાં ચાલુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રસિકભાઈને આ કારણે પાછા આવી જવું પડ્યું.
No comments:
Post a Comment