Monday, December 30, 2019

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૯ : અર્પણ સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૯નો આ પુરસ્કાર શ્રી તરલાબહેન બાબુભાઈ શાહને આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
 
શ્રી તરલાબહેન બાબુભાઈ શાહનો જન્મ તા. ૧૮-૦૧-૧૯૩૬ના રોજ ભુજ (જિ. કચ્છ)માં થયો હતો. શ્રી તરલાબહેન શાહને સેવાના સંસ્કારો કચ્છના અગ્રણી કેળવણીકાર, લોકસેવક અને ગાંધીરંગે રંગાયેલા સમાજસુધારક એવા તેમના પિતા શ્રી પ્રભુલાલભાઈ ધોળકિયા પાસેથી મળ્યા હતા. તેઓએ ભુજની નજીક તેમના પિતા દ્વારા સ્થાપિત શિક્ષણસંસ્થા ‘સદનવાડી’ માં પ્રાથમિક શિક્ષણ તથા રાજકોટના કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. વળી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ૧૯૫૩માં વિનીતની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૫૬માં ‘સમાજવિદ્યા વિશારદ’ની પદવી મેળવી હતી.
 
સ્નાતક થયા બાદ, તેઓ વલ્લભપુર (તા. રાપર, જિ. કચ્છ) ખાતે શ્રી મગનભાઈ સોનીની સંસ્થામાં જોડાયા. ૧૯૫૭-૫૮માં તેઓએ મહિલા સમાજશિક્ષણ અધિકારી તરીકે ૧૪૦ ગામોમાં કામગીરી કરી. ૧૯૬૦માં શ્રી બાબુભાઈ શાહ સાથે લગ્ન કર્યા બાદ, સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ગ્રામભારતી, કલમકૂઈ મારફતે, તેઓએ શિક્ષણ અને સેવાનાં અનેક કાર્યો આરંભ્યાં. ૧૯૯૮માં આચાર્યપદેથી નિવૃત્તિ બાદ તેઓએ વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ મારફતે આદિવાસીઓ અને મહિલાઓના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું.
 
મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે નઈ તાલીમ, આદિવાસી-કલ્યાણ, જાહેર આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્વરોજગારી, પર્યાવરણસુરક્ષા, સજીવ ખેતી, મહિલાવિકાસ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યા છે.

તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૯ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. અતિથિવિશેષ તરીકે શ્રી સુમતિબહેન રાવલ, વિશ્વમંગલમ્, અનેરા ઉપસ્થિત રહેશે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.

તારીખ : ૦૧-૦૧-૨૦૨૦, બુધવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

( વિગત-સૌજન્ય : ડૉ. ભરત જોશી, કાર્યકારી કુલસચિવ
કુલસચિવ કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ )

Wednesday, December 11, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ... 

Tuesday, December 10, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


આજકાલ વિદ્યાપીઠની ભવિષ્યની રૂપરેખા ખૂબ દોરું છું. દરેક સંસ્થાના સંચાલક જો બધી વિગતો પોતાના સાથીઓ આગળ ચીતરતા અને ચર્ચાતા રહે તો સંસ્થાની પરંપરા નિર્વિઘ્ને ટકે અને વધે. 

Monday, December 9, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારા જીવનમાં મેં જે થોડીક મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમાં મારે મન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિ સૌથી મહત્વની હતી.

Sunday, December 8, 2019

આનંદ હિંગોરાણીને ગાંધીજીની ચિઠ્ઠી


'મારી શાંતિ અને મારી વિનોદવૃત્તિનું રહસ્ય મારી ઈશ્વર એટલે કે સત્ય ઉપરની અવિચળ શ્રદ્ધામાં રહેલું છે.' 

- મો. ક. ગાંધી, ૨૪-૧૦-૧૯૪૪ 

(આનંદ તો. હિંગોરાણીને ચિઠ્ઠી, ગાંધીજીનો અક્ષરદેહ, ૭૮ : ૨૩૭)



વાસરી // કાકાસાહેબ કાલેલકર

 
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો. 
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.


Saturday, December 7, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠની ઉપાસનામાં બહારના લોકો પૂછ્યા વગર આવે છે એ ઠીક નથી. પૂછવા જેટલો વિવેક પણ લોકો પોતાની મેળે કેળવે નહીં એ કેટલું ખરાબ? 

Friday, December 6, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારે હવે નવા યુવાન સેવકોને સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાપીઠનું કામ જેઓ આગળ જતાં કરશે તેમની આગળ મારાં સ્વપ્નાં રજૂ કરી દઉં. એટલે એક મોટું કામ થયું. એને માટે એક દિવસ મુકરર કરી વખત પણ નક્કી કરવો જોઈએ. મંગળવાર એને માટે યોગ્ય લાગે છે. 


Thursday, December 5, 2019

રઘુવીર ચૌધરીને બ્યાશીમા જન્મદિન નિમિત્તે અભિવંદન


રઘુવીર ચૌધરી (જન્મ : ૦૫-૧૨-૧૯૩૮) આજે (તા. ૦૫-૧૨-૨૦૧૯) એક્યાસી વર્ષ પૂરાં કરે છે.

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


* રઘુવીર ચૌધરીના સાહિત્ય વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

https://www.youtube.com/watch?v=wOE44PQZXeA

http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Raghuvir-Chaudhary.html

http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Raghuvir-Chaudhary.html


* રઘુવીર ચૌધરીના શિક્ષકત્વ વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

http://ashwinningstroke.blogspot.in/2013/01/blog-post_20.html

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... જવાબદારી નછૂટકે લીધી એ વાત ગમે તેટલી સાચી હોય તોય સમાજ તે માનવાનો નથી. માનવાને બંધાયેલો નથી. મીરાંબહેનને મેં કહ્યું હતું, "આ મુગટ કાંટાનો છે ત્યાં સુધી પહેરીશ. કાંટામાં ગુલાબ ઊગશે - ઊગવા જ જોઈએ, - એટલે એ ઉતારી મૂકીશ."

Wednesday, December 4, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... મારા સ્વપ્નામાં એ નહોતું કે ગુજરાતમાં આવી ગુજરાતની સંસ્થા ચલાવવા માટે ગુજરાતી પ્રજા પાસે હું ભિક્ષા માગીશ. 
એ પણ સારું છે કે ખરચ જોગું જ હું લેતો થયો. પગાર લેવાનું બંધ કર્યું. અને પછી માગતો થયો. હજી પણ મારે મારો ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ. બે ટંક ભોજન અને બે જોડ કપડાં એટલું મળ્યું એટલે બસ.

Tuesday, December 3, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


ભાઈલાલભાઈ કહે છે કે વિદ્યાપીઠના કપાસના છોડ આખા ગુજરાતમાં પહેલે નંબરે આવે એવા છે. આસપાસના ખેડૂતોને બોલાવીને બતાવવા જોઈએ. ઘણાં વરસ સુધી એ અણખેડેલી જમીન હતી એટલે એમાં કસ વધારે હોય જ. અને અમે અમારા છોડ દૂર દૂર વાવેલા. 

Monday, December 2, 2019

વિદ્યાપીઠની આશા // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠ કાંઈ મામૂલી શિક્ષણસંસ્થા નથી. એની પાછળ મહાન આર્ય આદર્શ છે એટલું જ નહીં પણ આજના પ્રબુદ્ધ ગુજરાતમાં અને મહાગુજરાતમાં લગભગ બધાં બળોનું તે એક કેન્દ્રીકરણ છે. વિદ્યાપીઠના ધ્યાનમંત્ર સાથે આપણે વડના ઝાડનું પ્રતીક મૂક્યું છે. એનાં મૂળિયાં દૂર દૂર જઈ ત્યાંથી પોષણ લઈ આવે છે, એની વિસ્તીર્ણ ઘટા વિશાળ અને શીતળ છાયા ફેલાવે છે, એની વધતી જતી વડવાઈઓ નવે નવે ઠેકાણે જડ ઘાલે છે, અને એના ટેટાઓ કોણ જાણે કેટલે દૂર જઈ નવી નવી વસાહતો સ્થાપે છે. ખરેખર વટવૃક્ષ જેમ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે તેમ આપણી સંસ્થાના આદર્શનું સૂચક પણ છે.