ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૯નો આ પુરસ્કાર શ્રી તરલાબહેન બાબુભાઈ શાહને આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
શ્રી તરલાબહેન બાબુભાઈ શાહનો જન્મ તા. ૧૮-૦૧-૧૯૩૬ના રોજ ભુજ (જિ. કચ્છ)માં થયો હતો. શ્રી તરલાબહેન શાહને સેવાના સંસ્કારો કચ્છના અગ્રણી કેળવણીકાર, લોકસેવક અને ગાંધીરંગે રંગાયેલા સમાજસુધારક એવા તેમના પિતા શ્રી પ્રભુલાલભાઈ ધોળકિયા પાસેથી મળ્યા હતા. તેઓએ ભુજની નજીક તેમના પિતા દ્વારા સ્થાપિત શિક્ષણસંસ્થા ‘સદનવાડી’ માં પ્રાથમિક શિક્ષણ તથા રાજકોટના કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. વળી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ૧૯૫૩માં વિનીતની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૫૬માં ‘સમાજવિદ્યા વિશારદ’ની પદવી મેળવી હતી.
સ્નાતક થયા બાદ, તેઓ વલ્લભપુર (તા. રાપર, જિ. કચ્છ) ખાતે શ્રી મગનભાઈ સોનીની સંસ્થામાં જોડાયા. ૧૯૫૭-૫૮માં તેઓએ મહિલા સમાજશિક્ષણ અધિકારી તરીકે ૧૪૦ ગામોમાં કામગીરી કરી. ૧૯૬૦માં શ્રી બાબુભાઈ શાહ સાથે લગ્ન કર્યા બાદ, સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ગ્રામભારતી, કલમકૂઈ મારફતે, તેઓએ શિક્ષણ અને સેવાનાં અનેક કાર્યો આરંભ્યાં. ૧૯૯૮માં આચાર્યપદેથી નિવૃત્તિ બાદ તેઓએ વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ મારફતે આદિવાસીઓ અને મહિલાઓના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું.
મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે નઈ તાલીમ, આદિવાસી-કલ્યાણ, જાહેર આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્વરોજગારી, પર્યાવરણસુરક્ષા, સજીવ ખેતી, મહિલાવિકાસ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યા છે.
તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૯ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. અતિથિવિશેષ તરીકે શ્રી સુમતિબહેન રાવલ, વિશ્વમંગલમ્, અનેરા ઉપસ્થિત રહેશે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.
તારીખ : ૦૧-૦૧-૨૦૨૦, બુધવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
( વિગત-સૌજન્ય : ડૉ. ભરત જોશી, કાર્યકારી કુલસચિવ
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
( વિગત-સૌજન્ય : ડૉ. ભરત જોશી, કાર્યકારી કુલસચિવ
કુલસચિવ કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ )
No comments:
Post a Comment