જ્યારથી ગાંધીનગરમાં રહેવા આવ્યો છું ત્યારથી બે જ બાબતોનાં સ્વપ્ન આવે છે, કાં પોલીસના કાં જાજરૂના. શ્રમજીવીઓની સદા વિસ્તરતી વસાહતો સમી અમદાવાદની પૂર્વપટ્ટીનો રાજપુર વિસ્તાર એ મારું ઘર – ગામ કે વતન. બાપા કહેતા મજૂરી ન મળી એટલે તો ગામ છોડવું પડ્યું. પછી જ્યાં રહીએ ત્યાં ગામ. બાપા રખિયાલની ગંજીફરાક મિલમાં મજૂરી કરે. પૂર્વ અમદાવાદમાં મિલ-કારખાનાના એક એક ભૂંગળાના છાંયે એક એક ચાલી. આવી જ એક ચાલી તે રાજપુર-ગોમતીપુરની અબુ કસાઈની ચાલી. ત્યાં મારું ઘર..
મારા અસ્તિત્વ સાથે જેમ મારું શ્વસનતંત્ર જોડાયેલું છે એમ જ ઉત્સર્ગતંત્ર પણ જોડાયેલું છે. સ્મૃતિને છેક જન્મ સમયના સાવ નજીકના કાળ સુધી ખેંચી જાઉં છું ત્યારે સ્મૃતિમાં જે તરત ઉપસે છે તે તો મારી પડોશની હીરાલાલની ચાલીના જાજરૂ છે.
પેટનો ખાડો તો જેમ તેમ પૂરાતો પણ રોજ પડે ને જાજરૂ જવાનું કરવું શું? એ પ્રશ્ન મોટો હતો. વાત જાણે એમ હતી કે, અમારી ચાલીના પોતાના જાજરૂ નહોતા. એટલે પાડોશની ચાલીના જાજરૂમાં જવું પડે. અમે નાના છોકરાં તો ગમે ત્યાં ફૂટપાથ પર બેસી જતાં પણ મોટેરાંઓનું શું? મહિલાઓનું શું? અમારી ચાલીમાં મોટાભાગની વસ્તી ખેડા જિલ્લાના રોહિતોની. જ્યારે બાકીની ચાલીઓમાં મોટેભાગે મહેસાણાના વણકરો વસે. અમારી ચાલીના જાજરૂ નહીં એટલે અમારે બાજુની ચાલીના જાજરૂમાં જવું પડે અને ત્યાં હીરાલાલની ચાલીવાળાનો માલિકીભાવ એટલે અમને 'ચણોતરા' કહીને પજવે!
અને એ જાજરૂ પણ કેવાં? એની બેઠક ન તો માર્બલની હતી કે ટાઈલ્સની. ભીંતો પણ પ્લાસ્ટર ઉખડેલી. દરવાજાનાં તો ઠેકાણાં જ નહીં અને દરવાજાને સાંકળ કે સ્ટોપર.. તો રામ ભજે રામ. બેઠકના બદલે બે બાજુ પથ્થર રાખેલા. પણ એમાંનો એકાદ કાં તૂટેલો હોય કે તૂટવાની અણી પર. એટલે લગભગ ત્રાંસા જ બેસવું પડે. વળી, બારણાંની સાંકળ હાથમાં પકડી રાખવાની હોય અને લાઈન વધી જાય ત્યારે બહારથી બૂમ પડે... એમાં કોઈ કહે કે ફલાણામાં 'ચણોતરો' બેઠો છે તો તો 'ધડામ' દઈને દરવાજો ઉઘાડી નાંખે. ચંબુમાં રહેલું પાણી ઢોળી નાંખે. લાઈનમાં ઊભા હોઈએ અને આપણો નંબર આવે એ જ વખતે હીરાલાલની ચાલીનું કોઈ છોકરું પણ આવી જાય તો આપણે ઊભા રહેવું પડે ને એને જવા દેવું પડે. સામાજિક અસમાનતાના પાઠ મને સૌ પહેલાં આ જાજરૂની લાઈનમાં અનુભવાયેલાં !
મને ઘણીવાર થાય કે અમે દલિતો 'સુગંધ' કે 'સુવાસ' ને બદલે 'ગંધ' શબ્દ જ કેમ બોલીએ છીએ? દલિતોની ડિક્શનેરીમાં 'સવાસ' કે 'સુગંધ' શબ્દ જ નથી! ગુલાબની ય વાસ ને અત્તરની ય ગંધ. પછી થાય છે કે જેણે જાજરૂની ગંધ જોઈ હોય એના સંવેદનતંત્રમાંથી સુવાસ કે સુગંધ જેવા શબ્દો તો આવે જ ક્યાંથી? માત્ર અમારી ચાલીના જ નહીં આજે પણ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓનાં જાજરૂઓ મળથી છલોછલ હોય છે. વળી, અમારા જાજરૂમાં તો ઉંદર પણ છોડવામાં આવતા. એટલે જાજરૂ બેઠાં હોઈએ અને ઉંદરમામા મોટી મૂછો સાથે આવી ચડે એટલે ચમકી જવાય. મળથી છલોછલ ભરેલા એ જાજરૂમાં આપણું મળ પડે ત્યારે એના છાંટા આખા શરીરે ઊડે. વળી જાજરૂ વારંવાર ઊભરાય ત્યારે તો એની ગંધ અસહ્ય બની જાય. પણ મેં ભાગ્યે જ કોઈને મોંએ રૂમાલ બાંધેલો તો શું હાથ પણ આડો કરતાં જોયા છે. જયારે જાજરૂ ઊભરાયા હોય, એનું મળ રસ્તા પર પડ્યું હોય, અસહ્ય બદબુ આવતી હોય ત્યારે ત્યાંથી પસાર થતાં ધર્માંતરિત ખ્રિસ્તીઓ જે મોંએ રૂમાલ ઢાંકે તો દલિત સ્ત્રીઓ હસતી - અલી જોવોન આ ખિસ્તાન ગંધ આવસ્ ...
જાજરૂની પહેલાં ખુલ્લી જગ્યા ... ત્યાં નાના બાળકો અને કિશોરો ખુલ્લામાં જ જાજરૂ બેસે. સવારે જ્યારે સંડાસ જવાનું થાય ત્યારે એમના મળમાંથી મારગ કરીને છેક જાજરૂ સુધી પહોંચવાનું કામ કેટલું દુષ્કર હતું એ હજુ આજેય નજર સામે તરવરે છે.
આમ તો આ જાજરૂને આખો દિવસ ઘરાકી રહે. પરંતુ જુવાન છોકરીઓ અને વહુવારુઓ મોટેભાગે રાત્રે જ જાજરૂ જવા આવે. વહુઓ પાછી ચંબુને પાલવથી ઢાંકીને આવે. મોટાભાગની સ્ત્રીઓ જાજરૂ ઉધાડું રાખીને જ બેસે અને તેની નણંદ-ભોજાઈ કે બહેનપણી જાજરૂનો દરવાજો પકડીને ઊભી ઊભી નિરાંતે વાતો કરે. રોજ રાત પડે જાજરૂની આસપાસ જુવાનિયા ઊભરાય એનું મને કૌતક હતું. એનું સમાધાન મોટી ઉમરે થયું. ચાલીની પોતાની પ્રેમિકા કે પછી વહુવારુને મળવા જોવા એમને કોઈ રેસ્ટોરન્ટ કે ગાર્ડન જવાની જરૂર નહીં, રાત પડે જાજરૂ પાસે ઊભા રહો એટલે સ્ત્રીઓ જોવા મળે. હીરાલાલની ચાલીના જાજરૂ એ જ એમનો લવ ગાર્ડન ...
અમારા આ જાજરૂ પાસે જ હીરાલાલની ચાલીનું બસસ્ટોપ ... એ.એમ.ટી.એસ.ની બસ જાજરૂ પાસે જ ઊભી રહે. આસપાસની ચાલીના કૉલેજ જતાં છોકરા-છોકરીઓ જાજરૂની લાઈનમાં ઊભા હોય કે હાથમાં ચંબુ પકડીને જતાં આવતાં હોય ત્યારે બસમાં બેઠેલા પોતાના સવર્ણ સહાધ્યાયીઓથી કેવા લપાતાં છુપાતાં તે નજરે જેયું છે. રખિયાલ ગોમતીપુર ગામના સવર્ણ છોકરા-છોકરીઓ અમારા આ જાજરૂવાળા બસસ્ટોપને 'હોલીવુડ' કહેતાં. કૉલેજમાં જતાં છોકરા-છોકરીઓને આ બસસ્ટોપ પર ઊતરતાં ભારે શરમ લાગે એટલે કાં તો કામદાર મૈદાન ઊતરે કે પછી ગોમતીપુર, ને ત્યાંથી ચાલતાં-ચાલતાં ઘરે આવે.
જ્યારે જાજરાં ઊભરાય ત્યારે તો જોવા જેવી થાય. મળ અને ગંધાતું પાણી છેક રોડ ઉપર ફેલાઈ જાય. વળી, જાજ઼રૂ સાફ કરનાર કામદાર મોટેભાગે કૃશકાય વિધવા કે ત્યક્તા સ્ત્રી જ હોય. એનો મુકાદમ એને આ જ કામ સોંપે ... કેટકેટલી સફાઈ કામદાર સ્ત્રીઓને મેં હીરાલાલની ચાલીનાં જાજરૂ સાફ કરતાં કરતાં જ કાચી ઉંમરે દમ તોડતી જોઈ છે. જાજરૂનો દરવાજો હોય જ નહીં, તૂટેલો હોય કે ખપાટિયાં નીકળી ગયેલાં હોય, પુરુષ જાજરૂમાં બેઠો હોય છતાં એને સાફ કરવા જવું પડે. વળી કોઈ માથાભારે કે વગવાળો આવે એ તો પેલીને ધમકાવીને બે ચંબા વધારે પાણી નાંખીને ધોવા આદેશ કરે!
દિવાળીની રાત્રે આખા વિસ્તારમાં મૈરમેરાયાં ને નવા વરસના પરોઢે ખાળખોખરો કાઢીને જાજરૂ પાસે જ મૂકવાનો. ઘણાં બધાં લોકો આ કચરો સીધો જાજરૂમાં કે જાજરૂની ગટરમાં જ પધરાવે. એટલે નવા વરસની સવારે જાજરાં અચૂક ઊભરાય. મારું ઘર ચાલીના નાકા પર, મ્યુનિસિપાલિટીની ફૂટપાથ એ જ અમારી પરસાળ, એટલે સૌથી વધુ ગંધ અમારે વેઠવાની આવે. બેસતા વર્ષ કે ભાઈબીજના દિવસે મારા મિત્રો ઇન્દુભાઈ જાની અને હર્ષદ દેસાઈ મને ચાલીના ઘરે મળવા આવે. માને અને અમને સૌને જાજરૂ ઊભરાયાં હોય એનું ટેન્શન સવારથી જ થઈ જાય, મા પતરા કે ઝાડુ લઈને સવારથી જ મળ સાફ કરવામાં લાગી જાય. ઘણું બધું પાણી રેડીએ પણ જાજરૂની ગંધ થોડી જાય? ઈન્દુભાઈ, હર્ષદભાઈનું સ્વાગત નવા વરસે અમારે જાજરૂની ગંધથી જ કરવાનું થતું. આખા ઘરમાં અગરબત્તીઓ સળગાવીએ પણ એની બિચારીનું જાજરૂની ગંધ આગળ શું ગજું ?
આવા જાજરૂમાં જવાનો પણ અમારે લાગો આપવો પડતો. આમીરખાનની ઓસ્કાર નોમિનેટેડ 'લગાન' વિશે તો હજુ હમણાં સાંભળ્યું પણ મને તો જાજરૂના લગાનનો પરિચય હતો. હીરાલાલની ચાલીના જ કેટલાક વગદાર કે માથાભારે લોકો દર મહિને અમારે ત્યાં જાજરૂનું ભાડું ઊઘરાવવા આવે. એ આવનાર વ્યક્તિ બરાબર દારૂ પીને આવે. ભાંડતો જાય ને પૈસા માંગતો જાય, જો કોઈ પગાર નથી થયો એવી વાત કરે તો એનું આવી જ બને. ઘણી સ્ત્રીઓ ખોળા પાથરતી જાય, કરગરતી જાય ને જાજરૂકર આપતી જાય. મને થોડી સમજણ આવી ત્યારથી મેં જાજરૂનું કાંઈક કરવું પડશે એમ વિચારી રાખેલું. મારી ચાલીના અલગ જાજરૂ બને એ માટેના મારા અલ્પપ્રયત્નો એ જ જાણે કે મારી જાહેર પ્રવૃત્તિઓની શરૂઆત. રાજપુરમાં વસતી વધતી ચાલી એટલે રસ્તા પહોળા કરવાની વાત આવી. હીરાલાલની ચાલીના જાજરૂ પણ લાઈનદોરીમાં આવ્યા ને પુરુષોના જાજરૂની બે લાઇનો તોડી નાંખવામાં આવી. એ સમયે મારા જેવા ઘણાને પોતાનું ઘર તૂટ્યા જેટલી વેદના થઈ હતી.
આ બધી ચાલીઓમાં મુતરડીઓનું પણ એવું જ દુઃખ. અમારા વિસ્તારના એક સવર્ણ ડૉક્ટર છે. ગોમતીપુર ગામની મુતરડીએ પેશાબ કરવા જાય, કેમ કે ચાલીના મુતરડીમાં પહોંચવું મુશ્કેલ અને એ મુતરડીની દીવાલ પર કઈક એવી ચીકણાશ ચોટેલી હોય અને એવી તો ગંધ મારે કે ન પૂછો વાત. તો બીજા ડૉક્ટર મિત્ર તો દવાખાનાની ચોકડીમાં ઈન્જેકશન રૂમનો પડદો બંધ કરીને જ પેશાબ કરી લેતા પણ કદી જાહેર પેશાબખાને જઈ ન શકતા.
મ્યુનિસિપાલિટીએ અમદાવાદની ચાલીઓ અને ઝુંપડપટ્ટીઓમાં ૮૦ ટકા રકમ કોર્પોરેશનની અને ૨૦ ટકા રકમ માલિકની એવી યોજના સાથે ઘેર ઘેર જાજરૂ બનાવવાની યોજના ઘડી, જેના કારણે અમારા ઘરે પણ જાજરૂ બંધાયું. જ્યારે જાજરૂ બંધાતું હતું ત્યારે ભારે ગમ્મત થયેલી. રોજ શાકબકાલુ લઈને આવતી સ્ત્રી એક જાજરૂ ચણાતું જોઈને માને પૂછી બેઠી કે - 'ચમ એક જ જાજરું ચણો સો??? બૈરા હાટુ નય બનાવવાનું?' સ્ત્રી અને પુરુષના અલગ સંડાસ ઘરે પણ રાખવાના હોય એવો તેને ખ્યાલ. જયારે સરસ મજાના સફેદ ટબ, નવી નક્કોર ટાઈલ્સ અને એના પરની બોર્ડર સાથે જાજરૂ તૈયાર થયું ત્યારે અમે આભા જ થઈ ગયેલા. મારું ઘર પતરાવાળું છે, પણ જાજરૂ-બાથરૂમ ધાબાવાળું છે. ઘરમાં ભોંયતળિયે પ્લાસ્ટર હતું, પણ જાજરૂમાં સરસ ટાઈલ્સ હતી. સાચું કહું તો જાજરૂમાં બેસીને જમવાનું મન થાય એટલી સ્વચ્છ-સુંદર જગ્યા ઘરમાં એ બનેલી.
ધીમે ધીમે ચાલીઓમાં ઘેર ઘેર જાજરૂ બનવા માંડ્યા પણ હીરાલાલની ચાલીના જાજરૂ એની તમામ ગંદકી સાથે અકબંધ રહ્યાં. ઘણાં બધા કાર્યકરો અને જુવાનોએ આ જાજરૂ તોડીને ત્યાં કોમ્યુનિટી હોલ, દુકાનો કે બાલમંદિર બનાવવા પ્રયત્નો કરી જોયાં, પણ એ ગંધને ત્યાંથી કાઢવી મુશ્કેલ હતી.
અંતે ૧૯૯૭ના વર્ષમાં મુંબઈની રમાબાઈ કૉલોનીમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો બનાવ બનતાં દેશભરનાં દલિતો ખળભળી ઊઠ્યા. અમદાવાદ અને ગુજરાતમાં પણ તેના વિરોધમાં બંધનાં એલાનો અપાયાં. એ રાત્રે દલિતોના ઉત્તેજિત ટોળાઓથી રોડ ઊભરાવા લાગ્યાં. જુવાનિયાઓને પોતાનો રોષ કાઢવો હતો પણ એ કાઢવો કઈ રીતે? અંતે કોઈકને ગમ્મત સૂઝી તે હીરાલાલની ચાલીનાં જાજરૂ તોડી નાંખવાની વાત કરીને, આખીય વાનરસેના મંડી પડી. પળવારમાં જાજરૂ નેસ્તનાબૂદ થઈ ગયાં.
એની ગુંવાળી ઈંટો પણ લોકો ઘરે લઈ ગયા
પછી દિવસો સુધી ચર્ચા ચાલી કે હવે અહીં શું કરવું. જાજરૂ ચાલીની માલિકીનાં હતાં એટલે ચાલીના રહીશો નક્કી કરે તે ખરું. એક મત એવો હતો કે હવે ઘેર ઘેર જાજરૂ થઈ ગયાં છે એટલે ત્યાં ફરી જાજરૂ તો ન જ બનાવવાં, તો કેટલાક ત્યાં જ ફરી જાજરૂ બનાવવા માંગતા હતા, અંતે ત્યાં 'પૅ એન્ડ યુઝ શૌચાલય'ની યોજના મુજબ જાજરૂ બનાવવાં એમ નક્કી થયું. છ બાર મહિનામાં તો સરસ મજાનાં 'પે એન્ડ યુઝ શૌચાલય' તૈયાર થઈ ગયાં. એની દીવાલો, ભોંયતળિયાની લાદી, પ્રવેશદ્વારે સરસ મજાનાં ફૂલછોડનાં કુંડાં, નવતર રંગરોગાન સાથે નવા સાજ સજીને ઊભાં છે. આજે આ શૌચાલય, એના રૂપરંગ જોઈને ત્યાં શૌચક્રિયા માટે જવાને બદલે 'સોચ-વિચાર' કરવા બેસી રહેવાનું મન થાય એવાં છે. એમાં જવા માટે રોકડો રૂપિયો એક ચૂકવવો પડે છે. મિલો બંધ છે, કારખાનામાં મંદી છે. આખોય વિસ્તાર ગરીબી, બેકારીથી ગ્રસ્ત છે એટલે 'પે એન્ડ યુઝ શૌચાલય'નો ભાગ્યે જ ઉપયોગ થાય છે. જ્યારે જ્યારે રાજપુર જવાનું થાય ત્યારે હીરાલાલની ચાલીના જાજરૂના સ્થાને મૂકેલું આ નૂતન 'પે એન્ડ યુઝ શૌચાલય' મારા માંહ્યલાને કનડે છે. અમારા વિસ્તારમાં આટલાં સુંદર-સુઘડ-સ્વચ્છ રૂપરંગ ધરેલાં મકાનોય બહુ જૂજ છે, ત્યારે આ સુશોભિત શૌચાલયને અમે લોકો 'મેયર્સ બંગલો' ગણાવીએ છીએ. અમદાવાદમાં હવે એક નહીં અનેક ઠેકાણે આવા મેયર્સ બંગલો જોઉં છું અને અધરાતે-મધરાતે સપનામાં આવતા હીરાલાલની ચાલીના જાજરૂના સપના મને રાતભર જગાડે છે, એના અંગે કાંઈક લખવા મજબૂર કરે છે.
(ચંદુ મહેરિયા અભ્યાસી કર્મશીલ, પ્રતિબદ્ધ લેખક, અને રાજકીય વિશ્લેષક છે.)