o ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાવલંબન યાત્રાનો શુભારંભ
o સેવકો અને કાર્યકરો, પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉત્સાહભેર સામેલગીરી
ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા 'લોકમંગલમ્'ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ, રાષ્ટ્રીય પ્રેરણાગાન 'વન્દે માતરમ્'ની રચનાનાં 150 વર્ષ, અને બિરસા મુંડાના જન્મનાં 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા હતા.
પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા 'સ્વાવલંબન યાત્રા સંમિલન'માં આચાર્યશ્રી, શિક્ષકો, સેવકો, અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
...........................................................................

No comments:
Post a Comment