Thursday, July 7, 2022

મારી ફી

ગાંધીજી લાહોરમાં લોક સેવક સંધ (સર્વેન્ટ્સ ઓફ પીપલ્સ સોસાયટી)ના કાર્યાલયમાં રોકાયા હતા. તેઓ હમણાં જ સિંધની યાત્રા કરીને આવ્યા હતા. તેમની તબિયત સારી નહોતી. આ સમાચાર ત્યાંના એક પ્રખ્યાત ડૉક્ટરને મળ્યા. તે તેમને તપાસવા માટે આવ્યા. બોલ્યા : 'મહાત્માજી, હું તમારી ડૉક્ટરી તપાસ કરવા માગું છું.'

ગાંધીજીએ જવાબ આપ્યો — 'વાંધો નહીં, તમે તપાસી શકો છો પણ હું ખાસ બિમાર નથી.'

ડૉક્ટરે વિનમ્ર અવાજે કહ્યું — 'પણ જ્યાં સુધી તમારી તપાસ ના કરું ત્યાં સુધી સંતોષ કેવી રીતે મળે?'

ગાંધીજીએ કહ્યું — 'ઠીક છે, સંતોષની જ વાત હોય તો વાંધો નહીં. પણ મારી ફી આપવી પડશે. તે વિના હું કોઈને મારી તપાસ કરવાની રજા નથી આપતો. આટલા મુલાકાતીઓ મારી રાહ જોઈને બેઠા છે. તમારે માટે મફતમાં સમય કેવી રીતે કાઢું?'

ડૉક્ટરે ચુપચાપ પેાતાના ખિસ્સામાંથી સેાળ રૂપિયા કાઢ્યા અને ગાંધીજી સામે મૂકી દીધા.

બાપુનું હાસ્ય
ચન્દ્રકાન્ત અમીન
વસુંધરા પ્રકાશન, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩
પૃષ્ઠ : ૭૮-૭૯

No comments:

Post a Comment