'કલકત્તા કૉંગ્રેસ દરમ્યાન સરદારને અને મને લગતો એક પ્રસંગ હું અહીં કહેવા માગું છું. અમે વૃદ્ધ નેતાઓ અને ઇન્ડિપેન્ડન્સવાળાઓ વચ્ચેની બધી વાટાઘાટો ગાંધીજી ઉપર છોડી દીધી હતી. અમે માન્યું હતું કે તેઓ પોતાની અનોખી રીતે પ્રશ્નનો નિકાલ લાવશે. સરદાર પહેલાં કદી કલકત્તા આવ્યા નહોતા. એટલે અમે જુદાં જુદાં સ્થળો જોવા નીકળી પડ્યા. ફરતા ફરતા અમે કૉંગ્રેસના મંડપના પ્રવેશદ્વાર આગળ આવી પહોંચ્યા. અમે ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવા ઇચ્છતા હતા. અમે મંડપમાં દાખલ થવા જતા હતા ત્યાં જ દરવાજે ઊભેલા સ્વયંસેવકે અમને દાખલ થવા દેવાની ના પાડી. તે અમારા પ્રવેશપત્રો જોવા માગતો હતો. મારી પાસે તો મારો પાસ હતો, પણ વલ્લભભાઈ પોતાનો પાસ મુકામે મૂકી આવ્યા હતા. મેં વલ્લભભાઈ કોણ છે, તે સ્વયંસેવકને કહ્યું, પણ તેણે કદી એમનું નામ જ સાંભળ્યું નહોતું. વળી, જો તેઓ સરદાર હોય તો એમનો ફેંટો ક્યાં છે, અને દાઢી ક્યાં છે? એટલે અમારે અંદર જવાનો વિચાર માંડી વાળવો પડ્યો. બીજે દિવસે, વલ્લભભાઈએ જે રીતે બારડોલીની લડતનું સંચાલન કર્યું હતું અને તેને વિજય અપાવ્યો હતો તે માટે તેમને અભિનંદન આપતો ઠરાવ અધિવેશનમાં રજૂ કરવામાં અને પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પસાર થયો ત્યારે પ્રેક્ષકોમાંથી વલ્લભભાઈને જોવાની માગણી ઊઠી. તેમણે મંચ ઉપર હાથ જોડીને ઊભા રહીને, એક પણ શબ્દ બોલ્યા વગર તાળીઓનો ગડગડાટ ઝીલી લીધો. તે જમાનામાં, નેતાઓના ફોટા છાપવાનો અથવા તેમને ઝાઝી પ્રસિદ્ધિ આપવાનો છાપાંઓનો રિવાજ નહોતો. નેતાઓ પોતે તો એટલા બધા કામમાં રોકાયેલા અને નમ્ર હતા કે પોતાની દેશસેવાની જાહેરાત ન કરે. માતૃભૂમિની બધી જ સેવા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ગણાતી હતી, જેને માટે કોઈ બદલાની જરૂર નહોતી. લોકો તરફથી એનો સ્વીકાર તો પાછળથી એના સ્વાભાવિક પરિણામરૂપે આવ્યો.'
પ્રકરણ : ૧૨ : પૂર્ણ સ્વરાજ ભણી, પૃષ્ઠ : ૧૮૧
આચાર્ય કૃપાલાનીની આત્મકથા
અનુવાદક : નગીનદાસ પારેખ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૯૪
No comments:
Post a Comment