Wednesday, March 8, 2023

સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે : ગાંધીજી


ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે, હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે? જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારુ ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતાં શીખે, ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતાં શીખે ત્યારે અક્ષર કાઢતાં શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય.

- મોહનદાસ કરમચંદ ગાંધી

('સત્યના પ્રયોગો' અથવા 'આત્મકથા', મો. ક. ગાંધી, ભાગ : પહેલો, પ્રકરણ : 'હાઈસ્કૂલમાં', પૃષ્ઠ : ૧૩, પહેલી આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૨૦૦૯, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)

No comments:

Post a Comment