Saturday, May 15, 2021

આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન [૧૦]


[ચા, કૉફી અને કોકો] ... આ ત્રણે વસ્તુને બદલે નિર્દોષ અને પુષ્ટિકારક ચા નીચે પ્રમાણે બની શકે છે. એને ચાને નામે પીવો હોય તે ભલે તેમ કરે. કૉફીના સ્વાદમાં અને આ નિર્દોષ ચાના સ્વાદમાં, ઘણા કૉફીનો સ્વાદ કરનારા પણ તફાવત જોઈ શકતા નથી. ઘઉંને લઈ બરોબર સાફ કરવા અને પછી તેને ચૂલા ઉપર તાવડીમાં શેકવા. તે ખૂબ લાલ થઈ લગભગ કાળાશ પર આવે ત્યાં લગી ચૂલા પર રાખવા; પછી તેને ઉતારી નાની કૉફીની ઘંટીમાં સાધારણ ઝીણા દળવા અને તેમાંથી એક ચમચી ભૂકી પ્યાલામાં નાખી તેના પર ઊકળતું પાણી રેડવું. જો તે એક મિનિટ સુધી ચૂલા ઉપર રખાય તો વધારે સારું થાય છે. તેમાં જરૂર જણાતાં સાકર ને દૂધ નાંખવાં. સાકર અને દૂધ વિના પણ તે પી શકાય છે. દરેક વાંચનારે આ અખતરો અજમાવી જોવા જેવો છે. તે ગ્રહણ કરી ચા, કૉફી અને કોકો છોડશે તો તેનો પૈસો બચશે અને તેનું આરોગ્ય એટલે દરજ્જે બચશે.

- મોહનદાસ કરમચંદ ગાંધી
[મૂળ ગુજરાતી]
ઇન્ડિયન ઓપીનિયન, ૮–૩–૧૯૧૩

સ્રોત : 
'ગાંધીજીનો અક્ષરદેહ', ગ્રંથ : ૧૧, પૃષ્ઠ : ૪૮૩)
સૌજન્ય :

No comments:

Post a Comment