Friday, December 6, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો 

૦ ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે  : પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

૦ સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના હીરક સભાખંડમાં તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘગાન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી  શ્રી સુરેશ રામાનુજે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

ત્યારબાદ, સ્નાતક સંઘના ગીતની રજૂઆત અને સ્નાતક સંઘના પ્રતીકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વક્તવ્ય આપતા એમના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના અનુભવોને વાગોળ્યા હતા.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

સ્નાતક સંઘના સંયોજક ડૉ. કૌશિકભાઈ પટેલે વર્ષ  દરમિયાનના શતાબ્દી આયોજનની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્નાતકોએ પહેલા ચરણમાં આઠ લાખ ઇકોતેર હજાર રૂપિયા જેટલી રકમનો ફાળો આપ્યો છે.

કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારનાં નામોની ઘોષણા કરી હતી. આ ઘોષણા અંતર્ગત વર્ષ 2023ના પુરસ્કાર માટે, છત્તીસગઢમાં કામ કરનાર ભારતી ઓડેદરાની અને વર્ષ 2024ના પુરસ્કાર માટે ગ્રામશિલ્પી અશોક ચૌધરીની પસંદગી થઈ છે.

કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્નાતકો માટે ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણોને વાગોળવાનો અને જૂની યાદોને તાજી કરવાનો આ અનેરો અવસર છે. તેમણે કહ્યું હતું કે હીરામાં કોણ પહેલ પાડે છે એ અગત્યનું છે. તેમણે મોરારજી દેસાઈના અવતરણ 'સ્નાતક સંઘ એ માતૃસંસ્થા સાથેની સગાઈ છે.'ને યાદ કર્યું હતું.

તેમણે સ્નાતક સંઘનાં વિવિધ અધિવેશનોનો વિગતે પરિચય આપ્યો હતો. સ્નાતક સંઘનું પહેલું અધિવેશન 1926માં આચાર્ય ગિદવાણીના અધ્યક્ષસ્થાને, બીજું અધિવેશન 1928માં આચાર્ય કૃપાલાનીના અધ્યક્ષસ્થાને અને ત્રીજું અધિવેશન 1929માં કિશોરલાલ મશરૂવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંગ્રહાલયના નિર્માણની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ગ્રામજીવનયાત્રા ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. એક અંદાજ મુજબ ગૂજરાત વિદ્યાપીઠના 28 હજાર સ્નાતકો  દેશનાં વિવિધ રાજ્યોમાં વસે છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વસે છે. આગામી ગ્રામજીવન યાત્રામાં વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ જિલ્લામાં વસતા વિદ્યાપીઠના સ્નાતકો સાથે સીધો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો વિશે દસ્તાવેજી ચલચિત્રો બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ખાસ કહ્યું હતું કે સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે. જેવો સ્નાતક એવી વિદ્યાપીઠ. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા ઉજ્જવળ છે.

કાર્યક્રમના અંતે સ્નાતક ચંદુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના પ્રા. અમૃતભાઈ ભરવાડે કર્યું હતું.

No comments:

Post a Comment