Tuesday, December 24, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી યાદી ||

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

૦ રમતોત્સવમાં ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી

૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રકો અને પ્રમાણપત્રો અપાયાં


ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તા. 24-12-2024ના રોજ 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 'વિજેતાઓને ઇનામ આપતાં જાણે હું રમતો હોઉં એવો ભાવ થાય છે!' તેમણે પોતાના યુવાકાળના રમત-ગમતના દિવસોને યાદ કરીને, ખેલાડીઓને અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે, ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ શાહે, સી.એન. વિદ્યાવિહારના પોતાના છાત્રાલય-જીવનના રમતગમતના અનુભવોને વાગોળ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમાં, શારીરિક શિક્ષણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા અનુરોધ કર્યો હતો.

શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચંદ્ર ગોઠીએ સમગ્ર રમતોત્સવનો અહેવાલ રજૂ કર્યો હતો.

વિજેતાઓને, મહાનુભાવોના હસ્તે, કુલ 166 ચંદ્રકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહ, શારીરિક શિક્ષણના વિષય-તજજ્ઞ પ્રા. મગનભાઈ તાળા તેમજ આંતરરાષ્ટ્રીય રમતવીર અજયસિંહ ચુડાસમા અને દેવ નરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક જગદીશચંદ્ર સાવલિયાએ, આભારવિધિમાં મેદાન-માવજત માટે વિદ્યાર્થીઓના શ્રમકાર્યની વિશેષ નોંધ લીધી હતી.

કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું.

વિજેતાઓને બિરદાવવા માટે, 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment