ગૂજરાત વિદ્યાપીઠ | અખબારી યાદી
ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન
૦ જે ખેલે છે તે ખીલે છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ
૦ રમતોત્સવમાં 464 ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી
ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'ખેલભારતી' રમતોત્સવમાં 464 ખેલાડીઓએ ઊર્જા અને ઉમંગથી ભાગ લીધો છે.
22-12-2024 ને રવિવારની સવારે ખેલભારતી રમતોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રમતવીરોએ સમૂહકૂચ કરી હતી અને આતશ જ્યોત પ્રગટાવી હતી. રમતવીર મહેશ ઝાંપડિયાએ પ્રતિજ્ઞાવાચન કર્યું હતું. શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચન્દ્ર ગોઠીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસરના પૂર્વ કુલપતિશ્રી ડૉ. જતીન સોનીએ ઉદ્બોધનમાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ સંપત્તિ ગણાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી સુરેશ રામાનુજે વિદ્યાપીઠમાં પોતાના વિદ્યાર્થીકાળના દિવસોને યાદ કરીને શારીરિક ચુસ્તીનો મહિમા કર્યો હતો. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. ફકીરચંદે વક્તવ્યમાં માનવીના જીવનમાં રમતગમતની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધનમાં, વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, 'જે ખેલે છે તે ખીલે છે.' તેમણે ખેલભારતી રમતોત્સવની વિધિવત ઘોષણા કરી હતી.
ખેલભારતી રમતોત્સવમાં યુ.જી.સી.ના અન્ડર સેક્રેટરી રવિનારાયણ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. રામનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું. વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહે આભારવિધિ કરી હતી. તા. 24-12-2024 ને મંગળવારના રોજ સવારે ખેલભારતી રમતોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે.
No comments:
Post a Comment