ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી નોંધ ||
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન
- વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન
- નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોની સક્રિય સામેલગીરી
- શિબિર-સ્થળ તરીકે બનાસકાંઠા જિલ્લાના વિરમપુરની પસંદગી
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચિંતન શિબિરનું આયોજન આગામી 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2024 દરમિયાન, સંવેદના સર્વોદય ટ્રસ્ટ, વિરમપુર, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું છે.
ત્રિદિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રોમાં, જુદા જુદા વિષયો ઉપર રજૂઆત, ચર્ચા, અને ચિંતન કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખા અને વિભાગોના શૈક્ષણિક સેવકો ભાગ લેશે.
ચિંતન શિબિરના ઉદ્ઘાટન સત્રમાં, ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ઠાકર, અને સમાજશાસ્ત્રીશ્રી ડૉ. વિદ્યુતભાઈ જોષી ઉપસ્થિત રહેશે.
ચિંતન શિબરમાં ઉદ્ઘાટન સત્ર, મુક્ત સત્ર, સમાપન સત્ર ઉપરાંત વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. સાત વિષયજૂથ-રચનામાં વ્યાવસાયિક સજ્જતા, આર્થિક સ્વનિર્ભરતાના ઉપાયો, સામુદાયિક સંબંધો, પ્રવેશ લક્ષ્યાંક વ્યૂહરચના, વિદ્યાપીઠનાં પરિપાટી, પડકાર અને પહેલ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલીકરણની સમીક્ષા, વિસ્તરણ પ્રવૃત્તિઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિષય જૂથમાં 14 અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોનો સમાવેશ થાય છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાકીય શાખા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અધ્યાપકોની છ વ્યવસ્થાપન સમિતિઓનું ઘડતર કરવામાં આવ્યું છે. ચિંતન શિબિર માટે હરિયાળા અને રળિયામણા વિરમપુરની પસંદગી કરવામાં આવી છે. જ્યાં સર્વોદય કાર્યકર અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ પટેલ યજમાન તરીકેની જવાબદારી નિભાવશે.
No comments:
Post a Comment