Friday, January 9, 2026

વતન-વાપસીએ બાપુની ઝાંખી || ડૉ. અશ્વિનકુમાર

Photograph-Courtesy: google image 

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જોકે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું?... ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?!... આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જયારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એકવાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.

.................................................................................................................................
અક્ષર-આકાશિકા(બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com

No comments:

Post a Comment